14 Sep 22 : રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી-૧ ડેમ ઓવરફ્લો થયો છે. થોરાળામાં સન ૧૯૫૪માં બનેલો આ ડેમ ૧૮મી વખત છલોછલ થઈ ગયો છે. હાલ ડેમમાં ૦.૦૪૧૬ ફૂટ ઓવરફ્લો ચાલુ છે. આથી બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવાની સૂચના રાજકોટ પૂર નિયંત્રણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ડેમમાં ૩૬ ક્યુસેકના પ્રવાહની આવક છે. હાલ ડેમમાંથી ૩૬ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જળાશયની ભરપૂર સપાટી ૧૪૭.૫૨ મીટર છે અને જળાશય હાલ પૂરેપૂરું ભરાઈ ગયું છે.

રાજકોટ સિંચાઈ યોજના અંતર્ગતનો આ ડેમ ૧૯૫૪માં બન્યા પછી સૌથી પહેલાં ૧૯૭૬માં, એટલે કે ૨૨ વર્ષે છલકાયો હતો. એ પછી સન ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૭૯ અને ૧૯૮૦માં છલોછલ ભરાયો હતો. જ્યારે ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકા વચ્ચે માત્ર ૧૯૮૩ અને ૧૯૮૮ – એમ બે વાર જ સંપૂર્ણ ભરાયો હતો. એ પછીના ૧૫ વર્ષ સુધી આ ડેમ આખો ભરાયો નહતો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૦૮ અને ૨૦૧૦માં ડેમ છલકાયો હતો. એ પછી વર્ષ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં આ ડેમ સંપૂર્ણ છલકાયો હતો. ગત વર્ષે (૨૦૨૧)માં પણ ડેમ ઓવરફ્લો થયા બાદ આ વર્ષે (૨૦૨૨)માં પણ સારા વરસાદથી ડેમ છલકાઈ ઊઠ્યો છે.

આજી-૧ સિંચાઈ યોજનાનો કુલ સ્ત્રાવ ક્ષેત્ર ૧૪૨.૪૫ ચોરસ કિલોમીટર છે. આ યોજનાની ઓગી ટાઈપ સ્પીલ વેની કુલ લંબાઈ ૬૬૮ મીટર છે. આ યોજનાના ડાબી બાજુના માટી બંધની લંબાઈ ૯૨૯.૮૭ મી. અને જમણી બાજુના માટીબંધની લંબાઈ ૬૫૦ મી. છે. આમ કુલ માટીબંધની લંબાઈ ૧૫૭૯.૮૭ મીટર છે. આ યોજનાનું ક્રેસ્ટ લેવલ ૧૪૭.૫૨ મીટર, સીલ લેવલ ૧૩૮.૬૮ મીટર અને કુલ સપ્લાય લેવલ ૧૪૭.૫૨ મીટર છે. આ યોજનાની કુલ સંગ્રહ શક્તિ ૯૩૩.૩૬ દસ લાખ ઘન ફુટ છે. જેમાં જીવંત જથ્થો ૯૧૭.૮૮ દસલાખ ઘન ફુટ અને મૃત જથ્થો ૧૫.૪૮ દસલાખ ઘનફુટનો સમાવેશ થાય છે. આ યોજનાના પાણીનો ઉપયોગ પીવાના હેતુ માટે થાય છે. જળાશયમાંથી રાજકોટ મહનગર પાલિકાને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પીજીવીસીએલનો સોલાર સ્ટાર્ટઅપ ડેમો ડે કાર્યક્રમ યોજાયો

14 Sep 22 : હાલના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને રોકવા કાર્બન ઉત્સર્જન અને પ્રદર્ષણને અટકાવવું જરૂરી છે. બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન આ પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ કદમ બની રહયું છે. જે અન્વયે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે પીજીવીસીએલ દ્વારા i-Hub, SUSEC, Force & FEDSMI ના સહયોગથી સોલાર સ્ટાર્ટઅપ ડેમો- ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

દિપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા પી.જી.વી.સી.એલ. ના જોઇન્ટ એમ. ડી. શ્રી પ્રીતિબેન શર્માએ જણાવ્યું હતું કે, અત્યારે આપણો દેશ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “મેક ઈન ઈન્ડિયા”ના સ્વપ્નને સાકાર કરવા તથા પર્યાવરણ અને કલાયમેટ ચેન્જની સમસ્યાઓનો ઉકેલ લાવવા સોલાર એનર્જી ક્ષેત્રે નવા સંશોધનો કરવા અને આ ક્ષેત્રે વધુમાં વધુ ઉદ્યોગો સ્થાપવા જરૂરી છે. આ માટે તેઓએ ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જીયુવીએનએલ, એમડી અને પીજીવીસીએલ,ચેરમેનશ્રી જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, સૌર અને બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ઉત્પાદન વધારવા નવા ઔદ્યોગિક સાહસિકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને અટકાવવા માટેના સુદ્રઢ આયોજન માટે વિશ્વ આખું ભારત તરફ મીટ માંડી રહયું છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતા i-Hub ના પ્રોજેકટ હેડ શ્રી જય જોષીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ લોકોમાં ખર્ચાળ અને પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદિત વીજ ઉર્જાનાં ઉપયોગને ઘટાડીને બિનપરંપરાગત સ્ત્રોત અપનાવવા તથા સોલાર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહિત કરવાનો છે. ભારત સરકાર અને આખું વિશ્વ ટકાઉ ગ્રીન એનર્જી સ્ત્રોતો શોધી રહી છે, ત્યારે સૌથી વધુ લોકપ્રિય અને ખર્ચ ઘટાડવા માટે અસરકારક રીતો પૈકીની એક છે શક્ય તેટલી સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રીના “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ૨.૦” પ્રોગ્રામ થકી ૩૫ વર્ષ સુધીના કોઈપણ એકેડેમિક કે નોન-એકેડેમિક વ્યક્તિ પોતાનો નવો સ્ટાર્ટઅપ ઉદ્યોગ શરૂ કરી શકે છે. રાજય સરકાર ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સેતુ બનીને વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

પીજીવીસીએલના ચિફ ઈજનેર શ્રી રાજેશ વાળાએ સૌર ઉર્જા ઉત્પાદન અંગેની સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે પી.એમ.કુસુમ યોજના, સુર્યા ગુજરાત,સ્કાય યોજના અને સોલાર પાવર પ્લાન્ટ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. સોલાર સિસ્ટમમાં આવતી મુશ્કેલીઓ, નવા સંશોધનો અને મુશ્કેલીઓના નિવારણ અંગે વિદ્યાર્થીઓને માહીતગાર કર્યા હતા. હાલ સોલાર ઉપકરણોમાં વપરાતા ૯૦% જેવાં પાર્ટ્સ માટે આપણે બીજા દેશો ઉપર નિર્ભર છીએ. આથી આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે સોલાર ક્ષેત્રે નવા સ્ટાર્ટ અપ ખુબ જ જરૂરી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને નવી સ્ટાર્ટ અપ કંપનીઓ દ્વારા સોલર ઉપકરણોના જુદાજુદા ૬ જેટલા સોલાર સ્ટાર્ટ અપ ડેમોનું ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ નાના પાયે સંશોધન કરીને બનાવેલા નવા ઉપકરણો વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં i-Hub, SUSEC, Force & FEDSMI ના પ્રતિનિધીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં સોલારને લગતા નવા વિચારો તેમજ મુશ્કેલીઓ વિશે રજૂઆત કરવામાં આવી અને ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પીજીવીસીએલના અધિકારીઓ સર્વશ્રી જસ્મીન ગાંધી , શ્રી કે. એસ. મલકાન તથા ફોર્સના પ્રમુખશ્રી રાજેશભાઈ જોશી અગ્રણી શ્રી કિશોરસિહ ઝાલા, ડો.રંજન ખુંટ, શ્રી હરિકૃષ્ણ પરીખ, શ્રી ડી.વી. લાખાણી, શ્રી નિલેશભાઈ પટેલ,શ્રી નિહિત ડોબરીયા,શ્રી પાર્થ સેજપાલ સહિત પીજીવીસીએલના ઇજનેરો, કર્મચારીઓ તથા યુનિવર્સિટીના પ્રોફેસરો અને ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.