રાજકોટ – નિરાધાર બાળકોનો આઘાર બનતું ચિલ્ડ્રન હોમ

31 Aug 22 : બાળક સમાજનું એક અભિન્ન અંગ, ભવિષ્ય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે સંરક્ષિત વાતાવરણ ખૂબ જ આવશ્યક છે. તેનાથી બાળકોના બૌદ્ધિક, સામાજિક, વ્યવહારિક, ભાવાત્મક અને શારીરિક વિકાસને મજબૂત આધાર મળે છે. આ બાળકો થકી જ સુરક્ષિત,તંદુરસ્ત અને શિક્ષિત સમાજનું નિર્માણ શકય છે. પરંતુ ઘણીવાર આસપાસનાં વાતાવરણ અને સંજોગોને કારણે બાળકો દિશા વિહીન, નિરાધાર અને કાયદાની આંટીધૂંટીમાં ફસાઈ જાય છે. આવા બાળકો નિરાશામાં ગરકાવ ન થઈ જાય અને સમાજના વહેતાં પ્રવાહ માં જોડાયેલાં રહે તે માટે જુવેનાઈલ જસ્ટિટ એક્ટ મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર અંતર્ગત અને રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન સાથે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝ સંસ્થા મારફત નોંધપાત્ર કામગીરી કરી રહી છે.

વર્ષ ૧૯૮૫માં રાજકોટમાં સ્થપાયેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં અનાથ, મળી આવેલ, ૧૮૧ અભયમ પીડિતા, બાળલગ્ન, બાળ ભિક્ષુક, એક વાલી ધરાવતી, ગુનેગાર, ચાઈલ્ડ લાઈન, પોલીસ, ચિલ્ડ્રન કોર્ટ તથા નામદાર કોર્ટ દ્વારા કાયદાના સંપર્કમાં આવતી અને જેનું હિત જોખ માતું હોય તેવી ૬ થી ૧૮ વર્ષની બાળાઓને ટૂંકાગાળા અને લાંબાગાળા માટે આશ્રય આપવામાં આવે છે. આ સંસ્થાનો મૂળ હેતુ કિશોરીઓ ની સાર-સંભાળ, રક્ષણ અને શિક્ષણ થકી સર્વાંગી વિકાસ સાધવાનો છે.

રાજકોટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થાના અધિક્ષક પૂજાબેન શિયાલે દિકરીઓ માટે કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત ચિતાર આપતાં જણાવ્યું હતું કે, અહીં કાયદાના સંપર્કમાં આવેલી કિશોરીઓને પારિવારીક હુંફ અને પ્રેમ આપીને તેમની દેખભાળ કરવામાં આવે છે. હાલ આ સંસ્થામાં ૫૦ બાળાઓ આશ્રય લઈ રહી છે. તેમની પ્રાથમિક જરૂરિયાતોથી લઈને આરોગ્ય, શિક્ષણ સહિતની તમામ સુવિધા ઓ પૂરી પાડવામાં આવે છે.

તેઓને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાસ તાલીમબધ્ધ શિક્ષકો વોકેશનલ ટ્રેનિંગ સાથે અભ્યાસને લગતી વિવિધ પ્રવૃતિઓ કરાવામાં આવે છે. તેમજ પૂરી તકેદારી સાથે સંસ્થાના જ વાહનમાં બાળાઓને શાળામાં અભ્યાસ માટે જવા-આવવા પરિવહનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

સંસ્થાના સ્ટાફ દ્વારા પરીવારથી દુર રહેલ આ બાળાઓના મનોરંજનનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. તેમને ટેલિવિઝન, ઈન્ડોર-આઉટડોર ગેમ્સ, સમર કેમ્પ, સંગીત, પ્રવાસ અને ફિલ્મ દેખાડવામાં આવે છે. આ સાથે દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. કિશોરીઓના આરોગ્યને મહત્વ આપીને વિઝીટીંગ મેડીકલ ઓફિસર દ્વારા અઠવાડિયામાં ત્રણ વખત મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે તથા જરૂર જણાયે મેડીકલ ઓફીસરના અભિપ્રાય અનુસાર સઘન સારવાર પણ ઉપલબ્ધ કરાવાય છે. શૈક્ષણિક અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પાલક માતા-પિતા યોજના તથા સ્પોન્સરશિપનો લાભ આપવામાં આવે છે.

કન્યાઓ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં તેમના કુટુંબીજન પાસે પરત ફરે છે ત્યારે અમારું મન લાગણીથી ભરાઈ જાય છે. જ્યારે જીવનમાં આગળ વધેલી કન્યાઓના ફોન આવતાં હોય છે ત્યારે જે-તે સમયની લાગણીઓ હજુ તેમના હદયમાં અકબંધ છે તે જાણીને અમને અમારી કામગીરીનો સંતોષ અનુભવાઈ છે તેમ પૂજાબેન શિયાલે ઉમેર્યું હતું.

બાળાઓની યોગ્ય દેખરેખનું નિરિક્ષણ કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગોસ્વામી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસ દ્વારા સમયાંતરે સંસ્થાની મુલાકાત લેવામાં આવે છે. તેમજ તેમની સાથે આત્મીયતા કેળવીને તેમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવે છે. ઉપરાંત દર ત્રણ મહિને પોક્સો જજ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, શિક્ષણાધિકારી, આરોગ્ય અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીઓ સંસ્થાની કામગીરીનું નિરક્ષણ અને સમીક્ષા કરતાં રહે છે. આમ સરકાર અને ન્યાયપ્રણાલી નિરાધાર બાળકોનો આધાર બનીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી રહી છે.