વોર્ડ નં-૯ ના કોમ્યુનિટી હોલમાં બેસણાં, ઉઠમણા માટેના ભાડા માં ફેર વિચારણા કરવા કમિશનરને કોંગ્રેસની રજૂઆત

 રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્ર સિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી), રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ તલાટીયા, રાજકોટ શહેર યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, હિતાક્ષીબેન વાડોદરિયા, સરલાબેન પાટડીયા ની એક સંયુક્ત યાદી જણાવે છે કે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ૧૪ નંબર ની દરખાસ્ત મંજૂરીની જે મહોર મારી છે તેનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને લોક સંસદ વિચાર મંચ સખત શબ્દોમાં વિરોધ કરે છે. અને સ્ટેન્ડિંગ કમિટીના આ પ્રજાવિરોધી નિર્ણયને વખોડીએ છીએ. શહેરના વોર્ડ નંબર ૯ ના નવનિર્મિત કોમ્યુનિટી હોલમાં બેસણા, ઉઠમણા રાખવા માટે તોતિંગ ભાડું રૂપિયા 10,000 અને રૂપિયા 15,000 અને તેટલી જ ભાડા જેટલી ડિપોઝિટ જમા કરાવી પડશે. જે અંગે આજે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ને પ્રજાવિરોધી નિર્ણય રદ કરી બેસણા, ઉઠમણાં માટે નિ:શુલ્ક અને ટોકન દરે હોલ આપવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલી દરખાસ્ત અંગે ફેરવિચારણા કરવા પણ અપીલ કરવામાં આવી છે. જે હોલ લગ્ન પ્રસંગે સગાઈ કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો હેઠળ હોલ મહિનાઓ પહેલા બુકિંગ થાય છે ત્યારે દુઃખદ પ્રસંગોમાં બેસણુ કે ઉઠમણું રાખવા માટે જો હોલ બુકિંગ ન થયો હોય અને ખાલી હોય તો જ આપવાનો હોય છે. જે રીતે ભાડું અને ડિપોઝિટ રાખી છે તે જોતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો હોલ દુઃખદ પ્રસંગમાં રાખી શકશે નહીં. એટલે કે જે સ્ટેન્ડિંગ કમિટીએ તોતિંગ ભાડું વસૂલવાનું નિર્ણય લીધો છે તે ફક્ત શ્રીમંતો માટેનો છે. કોરોના ના કારણે આવક ગુમાવી ચૂકેલી આ બે વર્ગની પ્રજા પાસેથી ઉઠમણા, બેસણા માટે આકરા નાણાં ભાડા પેટે લૂંટ કરવા માટે ની છુટ આપવામાં આવી છે તે નિંદનીય અને ધૃણાસ્પદ બાબત છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દુઃખમાં સપડાયેલા વ્યક્તિ ના પરિવારોને સધિયારો આપવા ને બદલે ખિસ્સામાંથી નાણા ખંખેરવા નો હેતુ ન રાખી અને લોકોને માનસિક સધિયારો મળે તે રીતે જાહેર મિલકતો ટોકન દરે કે નિશુલ્ક આપવું જોઇએ. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાડા અંગેની મોકલેલી દરખાસ્ત પ્રજાના હિતને અવગણતી હોય મરણ જેવા પ્રસંગોમાં આવી સુવિધા નિ: શુલ્ક કે ટોકન દરે મળવી જોઈએ એ મ્યુનિસિપલ કમિશનરની પ્રાથમિક ફરજ છે. તેમ છતાં કમિશનરશ્રી આ અંગે ફેર વિચારણા નહીં કરે તો પ્રજાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમાં ગજેન્દ્ર સિંહ ઝાલા, રમેશભાઈ તલાટીયા અને ધીરુભાઈ ભરવાડ ની યાદીમાં જણાવાયું છે.

ગજેન્દ્ર સિંહ ઝાલા,
(મો :- ૯૪૨૬૨ ૨૯૩૯૬)
રમેશભાઈ તલાટીયા,
(મો :- ૯૮૨૪૫ ૩૭૬૧૮).