22 Sep 22 : આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટ શહેરી વિસ્તારના વિવિધ મતદાન મથકોની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સંબંધિત અધિકારીઓને દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, રિલિંગ તેમજ સ્વચ્છતા અને સુરક્ષા વગેરેની સમીક્ષા કરી હતી.

પોલીસ મુખ્ય મથક સ્થિત આંગણવાડી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, જંકશનની શ્રી ઠકકરબાપા પ્રા. શાળા, પોપટપરાના રૂખડિયા વિસ્તારમાં શહીદ મંગલ પાંડે શાળા નં. ૧૭, નીલકંઠ પાર્ક વિસ્તારમાં વીર ભગતસિંહ શાળા, મહારાણા પ્રતાપ શાળા નં. ૮૦, ક્રિષ્ના ચોક પાસેની હરી ઓમ વિદ્યાલય, હુડકો વિસ્તારની શાળા નં ૬૧ વગેરે મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી.

કલેકટર સાહેબ એ સ્થળ મુલાકાત દરમ્યાન સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી મતદાન મથકના લગત વિસ્તારને સબંધિત જાણકારી મેળવી સુચારૂ વ્યવસ્થા અંગેના સૂચનો આપ્યા હતા.

  • સંરક્ષણ દળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

22 Sep 22 : ગુજરાત રાજ્યના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી ગુજરાત રાજયના બી.એસ.એફ. કેન્દ્રો ગાંધીનગર, ભુજ, ગાંધીધામ તથા દાંતીવાડા ખાતે રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત અરજીપત્રકનો નમુનો ૧૫ દિવસમાં મેળવી જરૂરી ડોક યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડી રોજગાર કચેરી, ૧/૩ બહુમાળી ભવન રાજકોટ ખાતે જમા કરાવવાનું રહેશે.

આ તાલીમ વર્ગમાં જોડાવા માગતા ઉમેદવારે ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ (ધોરણ-૧૦) માં ઓછામાં ઓછા ૫૦% ફરજી યાત અને દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩% માર્કસ હોવા ફરજિયાત છે. તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધી તેમજ ઉંચાઈ ૧૬૮ સે.મી. હોવી જોઈએ.અરજીફોર્મ સાથે જોડવાના જરૂરી ડોકયુમેન્ટમાં પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, જાતિના દાખલાની નકલ,ધોરણ:-૧૦/૧૨ની માર્કશીટ ની નકલ, આધારકાર્ડની નકલ, બેંકખાતાની પાસબુકની નકલ અને પાનકાર્ડની નકલ, અરજી સાથે જોડવાની રહેશે. વધુ વિગતો માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી રાજકોટનો રૂબરૂ અથવા ટેલીફોન નં ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર), રાજકોટની યાદીમાં જણાવ્યું છે.

  • રોજગાર ધરાવતા દિવ્યાંગો તથા દિવ્યાંગોને નોકરીએ રાખનાર પ્લેસમેન્ટ ઓફિસરો માટે રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા

22 Sep 22 : સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ ને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજયકક્ષા ના પારિતોષિક આપવાની યોજના અન્વયે રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ અઅંતર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઈચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ,દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/ નોકરીદાતાઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમૂનામાં ફોર્મ ભરીને, જરૂરી આધારો સાથે બે નકલ તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પ્રથમ માળ, બ્લોક નં. ૩, બહુમાળી ભવન, રેસકોર્ષ પાસે, રાજકોટ ખાતે રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂરી ફોર્મ વેબસાઇટ https://talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે / કચેરી ખાતેથી તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં કામ કાજના દિવસો દરમ્યાન વિનામૂલ્યે મેળવી શકાશે,તેમ મદદનીશ નિયામક (રોજગાર) શ્રી,રાજકોટની યાદીમાં જણાવાયું છે.

  • તાણયુક્ત અને વ્યસ્ત જીવનમાં માતા-પિતાએ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે સમય આપવો જરૂરી : ડૉ. યોગેશ એ. જોગસણ

22 Sep 22 : ‘સહી પોષણ, દેશ રોશન’ સૂત્રને સાર્થક કરવા સુપોષિત સમાજનું નિર્માણ આવશ્યક છે. સમાજની દરેક વ્યક્તિ શારીરિક, માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ. તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બાળકો , કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને “પોષણ અભિયાન”ની નવતર શરૂઆત કરીને અન્ય રાજ્યોને નવી રાહ ચીંધી છે. જે અન્વયે હાલ સપ્ટેમ્બરમાં 5મા “પોષણ માસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશન તરીકે માતૃશક્તિના ૪ પેકેટ્સ તેમજ કિશોરીઓને પૂર્ણા શક્તિના ૪ પેકેટ્સ આપવામાં આવે છે. ૧૧ થી ૧૪ વર્ષની શાળા એ ન જતી કિશોરીઓના વિકાસ માટે “સ્કીમ ફોર એડોલેશન્સ ગર્લ્સ યોજના” અમલમાં છે. ૧૫ થી ૧૮ વર્ષની કિશોરી ઓ માટે “પૂર્ણા યોજના” અંતર્ગત પોષણ અને આરોગ્ય તપાસ, રસીકરણ જેવી બિનપોષણ સેવાઓ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

૧૦૦૦ ગોલ્ડન ડેઝ એટલે કે ગર્ભમાં રહેલ બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ દરમિયાન માતા અને બાળકને પૂરતું પોષણ આપવા “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” કાર્યરત છે. તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ એક બીજાના અનુભવોને સમજે અને તેઓને પડતી મુશ્કેલીનો સામુદાયિક સ્તરે વૈજ્ઞાનિક ઢબે સાચો અને સરળ ઉકેલ મેળવી તેનો અમલ કરે, તે હેતુથી મહિનાના પ્રથમ મંગળવારે “સુપોષણ સુસંવાદ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં આવેલ કુલ ૧૩૬૦ આંગણવાડી કેન્દ્રો મારફતે જાન્યુઆરીથી જુન માસ દરમિયાન દર મહિને સરેરાશ ૩૩૮૪૪ જેટલી ૧૪થી ૧૮ વર્ષની કિશોરીઓ, સરેરાશ ૧૮૫૩૦ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણની વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા તેમજ સરેરાશ ૧૭૫૧૭ જેટલી ૩થી ૬ વર્ષની બાળકીઓને પ્રી-સ્કુલ એજ્યુ કેશન આપવામાં આવ્યું હતું. આમ, સરકાર મહિલાઓના પોષણ હિતને લઈને સતત પ્રયત્નશીલ છે.

માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો શરીરના સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય મહત્વનું હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ જણાવે છે કે દરેક શારીરિક બીમારી પાછળ વ્યક્તિની માન સિકતા મોટો ભાગ ભજવે છે. આપણી રોજીંદી જીવનશૈલીમાં યોગ્ય પૌષ્ટિક ખોરાક અને વ્યાયામનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી શરીરને કાર્ય કરવામાં મદદ મળે છે ને મગજની ક્ષમતા પણ વધે છે. અઠવાડિયામાં એક વખત ચોક્કસ પણે એવા લોકોને મળો, જે સકારાત્મક વિચાર કરવા પ્રેરણા આપે.

બાળકના ગુણવત્તાયુક્ત ઉછેર માટે પેરેન્ટિંગ સ્ટાઇલ મનોવૈજ્ઞાનિક રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકનો વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને શારીરિક અને માનસિક વિકાસ થાય છે. તેથી, માતા-પિતાએ સંતાનને પોષણયુક્ત તત્વો થી સભર ખોરાક આપવો જોઈએ. જેથી, બાળકનું મગજ પણ પૂર્ણ રીતે વિકસિત થાય અને બાળક તેજસ્વી બને. આમ અત્યારના તાણયુક્ત અને વ્યસ્ત જીવનમાં માતા-પિતા પોતાના જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની સાથે બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે સમય આપે, તે ખૂબ જરૂરી છે.