
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકાત્મવાદના પ્રણેતા શ્રી દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે શબ્દાંજલિ અર્પિત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતરમાળખાકીય જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય – ઇંધણનો બચાવ થશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતર માળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું હતું. દેશમા ૯ વર્ષમાં ૩ લાખ ૨૮ હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના ૩૭ કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે આ વર્ષના બજેટમાં રૂ. ૨૦,૬૦૦ કરોડ જેટલી રકમ અને હાઇવેને ફોરલેન બનાવવા માટે ૨૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ૨૨૦૦ કરોડના ખર્ચે ત્રણ હાઇવેને સિકસલેન કરવાની કામગીરી પ્રગતિમાં છે. હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે. પ્રધાનમંત્રીશ્રીના આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે.
કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારંભ થયેલા બ્રિજ પર સફર કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થનાર આ બ્રીજ રૂ. ૬૦ કરોડથી વધુના ખર્ચે બન્યો છે, તેની લંબાઇ ૧૧૨૫ મીટર અને ૨×૧૧ મીટર પહોળાઇ છે, આ ઓવરબ્રિજની બંને તરફ ૮.૮ મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવરજવર માટે માધાપર ચોકડી પર ૫૦ મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે ૩૦ મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવેલ છે.
આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમીન ઠાકર, દંડકશ્રી મનીષભાઈ રાડીયા, શાસક પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, પૂર્વ મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, અગ્રણીઓશ્રી મુકેશભાઈ દોશી, શ્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ, કમલેશ મિરાણી, પોલિસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, નિવાસી અધિક કલેકટરશ્રી એસ. જે. ખાચર, પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્મા તેમજ વિવેક ટાંક, ડી.સી.પી શ્રી ભાર્ગવ પંડ્યા તેમજ પૂજા યાદવ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કે.એન.ઝાલા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જામ ટાવર ખાતે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શનનું અનાવરણ

રાજકોટ શહેરમાં હેરિટેજ વિશે જાગૃતિ લાવવાના એક અનોખા પગલા તરીકે; ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાજકોટ ચેપ્ટર અને ધ કલા કલેક્ટિવ દ્વારા જામ ટાવર ના રાજ્ય સંરક્ષિત સ્મારક માં હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શન “ફ્રેમિંગ અવર રૂટ્સ”નું આયોજન. જ્યારે જામ ટાવર રાજ્ય પુરાતત્વ વિભાગના નેજા હેઠળ અને રાજકોટના કલેક્ટર અને ડી એમ શ્રી પ્રભાવ જોશી ની ભલામણો હેઠળ તેના પુનઃસંગ્રહ માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે શહેરમાં હેરિટેજ સ્થળોની પુનરુત્થાન ઉદાહરણ તરીકે ‘ફ્રેમિંગ અવર રૂટ્સ’ શીર્ષક ધરાવતા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામટાવર ખાતે હેરિટેજ ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદઘાટન રાજકોટ રાજવી પરિવારના એચ.એચ.ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા, જીનિયસ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુશન ના ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્ર મહેતા અને વિક્રમ વાલ્વ પ્રા.લિ.ના ડાયરેક્ટર શ્રી વિક્રમ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી અને સમાજ પર તેની હકારાત્મક અસર ની ખાતરી આપી.
આ પ્રદર્શનમાં આપણા સાંસ્કૃતિક વારસાના સાર અને રાજકોટની સુંદરતાનું અન્વેષણ કરતા ફોટોગ્રાફ્સના મનમોહક સંગ્રહનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ઇન્ટેક રાજકોટ ચેપ્ટર, ધ કલા કલેક્ટિવ, ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમ (રાજકોટ સર્કલ), રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન – રાજકોટ સ્થિત સનાતન ગ્રુપ ઓફ ડેવલપર્સ વચ્ચેના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.
“ફ્રેમિંગ અવર રૂટ્સ” એ એક વિઝ્યુઅલ યાત્રા હોય તેને સંસ્કૃતિ, પરંપરા, ઇમારતો અને લેન્ડસ્કેપ્સ ની સમૃદ્ધ ટેપેસ્ટ્રીની ઉજવણી કરી હતી. આ પ્રદર્શનમાં કલાપ્રેમી તેમજ પ્રતિભા શાળી ફોટોગ્રાફરની કૃતિઓ દર્શાવવામાં આવી હતી જેણે માનવ જીવનને તેના વારસા સાથે જોડતી ક્ષણોને કુશળતાપૂર્વક કેપ્ચર કરી હતી. આ પ્રદર્શન માત્ર ઉભરતા અને સ્થાપિત ફોટોગ્રાફરો બંનેના ફોટોગ્રાફ્સનો એક ગતિશીલ સંગ્રહ ન હતો પરંતુ તે સાંસ્કૃતિક વારસો અને વિવિધતાની થીમને પ્રતિબિંબિત કરતી વિચારપ્રેરક છબીઓનો કોલાજ પણ હતો. આ પ્રદર્શન કલાના શોખીનો માટે કલાકારો સાથે જોડાવાની અને તેમની સર્જનાત્મક પ્રક્રિયામાં આંતરદૃષ્ટિ મેળવવાની તક હતી. આ ત્રણ દિવસીય પ્રદર્શનની તમામ મહાનુભાવો, મુલાકાતી ઓ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહ તેમની ટીમ સાથે તમામ દર્શકો નો આભાર વ્યક્ત કરતા આપણી રાજકોટ ની ધરોહર ને જાળવવાનો દરેક નાગરિકો ને અનુરોધ કરે છે. ટીમ ઇન્ટેક રાજકોટ અને કલા કલેક્ટિવ ના સભ્યો જયેશ શુક્લા, નૈનેશ વાઘેલા, સ્મિત મહેતા, મંથન સીંરોજા, નમ્રતા, ભવ્ય બળદેવ, અભિષેક પાનેલીયા અને ઋત્વિક ફળદુએ આ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉત્સાહ બદલ રાજકોટના લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.