
05 May 23 : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મહત્વની યોજના છે,જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ ને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ મહિલાઓ બેંકમાંથી આવશ્યક ધીરાણ મેળવી પગભર બની શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલાઓ સ્વમાન સાથે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનીને જીવી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દ્રષ્ટિવાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગ્રામીણ વિકાસ પર સવિશેષ ભાર મુક્યો છે ત્યારે તેમનું “આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ “આત્મનિર્ભર નારી” થકી ચરિતાર્થ થઈ રહ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એસ.ઠુંમરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં મહિલાઓનાં સર્વાંગી ઉત્કર્ષ માટે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીનાં માર્ગ દર્શન હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૩૫૦૦ જેટલા સખી મંડળ કાર્યરત છે.સખીમંડળ સાથે જોડાયેલા મહિલા સભ્યોને આર્થિક રીતે પગભર થવા માટે વિનામૂલ્યે કૌશલ્ય વર્ધન તાલીમ આપી હસ્તકલા અને ભરતગુંથણ, ઇમિટેશન-હેન્ડમેડ જ્વેલરી જેવી ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે જિલ્લા, રાજ્ય અને રાજ્ય બહાર માર્કેટ મેળામાં ભાગ લેવાની તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાને પ્રદૂષણમુક્ત કરવા માટે બહેનોને રીક્ષા ચલાવવાની તાલીમ આપી ૨૨ બહેનોને બેટરીવાળી રીક્ષા, આજીવિકા એક્સપ્રેસ યોજના હેઠળ ૩ ઇકો વાન આપવામાં આવેલી છે. સરકારી અને બિન સરકારી સંસ્થાઓમાં સખી મંડળની બહેનો દ્વારા ૧૦ જેટલી સખી કેન્ટીન, મહિલા સંચાલિત ઝેરોક્ષની દુકાન કાર્યરત છે. સખી બહેનો દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટ પણ લેવામાં આવે છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા માટે ગર્વની વાત છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણની નેત્રદીપક કામગીરી કરવા બદલ રાજકોટ જિલ્લો જરૂરી તમામ મૂલ્યાંકનમાં અવ્વલ આવી ૩૩ જિલ્લામાંથી પ્રથમ ક્રમાંકે આવ્યો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રાજ્ય કક્ષાએ દરેક જિલ્લામાં થતી જુદીજુદી પ્રવૃતિઓ જેવી કે, નવા સખી મંડળોની નોંધણી, માનવબળની ભરતી, વિલેજ ઓર્ગેનાઈઝેશન ની નોંધણી, ક્લસ્ટર લેવલ ફેડરેશન, રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, આધારકાર્ડ લીંક અપ, કેશ ક્રેડીટ, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ, બિઝનેસ કોરોસ્પોન્ડસ સખી, પ્રધાનમંત્રી ફોર્માલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ, લખપતિ દીદી, કસ્ટમર હાઈરીંગ સેન્ટર, સહીત વહીવટી પ્રક્રિયા, ફંડની વહેંચણી, ચૂકવણાની કામગીરી, નિયત સમયમર્યાદામાં જુદાજુદા લક્ષ્યાંકોની પૂર્તિ સહીતની વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીને ધ્યાને લઈને દરેક જિલ્લાની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. જિલ્લા આજીવિકા અધિકારી વિરેન્દ્રસિંહ બસિયાએ રાજકોટ જિલ્લાની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામીણ મહિલાઓ માટે જુન ૨૦૧૧ થી શરૂ કરીને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં આશરે ૩૫૦૦ જેટલા સ્વસહાય જૂથની બહેનો પોતાના દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરીને આજીવિકા મેળવે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે ૧૨ કરોડ થી પણ વધુની કેશ ક્રેડીટ થકી ગ્રામીણ મહિલાઓનાં જીવનમાં અજવાસ પથરાયા છે.
આગામી વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલાઓને તાલીમ આપીને, તેઓને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે વધુમાં વધુ સાંકળવામાં આવશે. વધુમાં વધુ સખી મંડળો થકી વધુમાં વધુ મહિલાઓ જોડાઈ,આર્થિક રીતે પગભર થાય,કૌશલ્ય વર્ધન તાલીમ મેળવીને વ્યાવસાયિક પ્રવૃતિઓ થકી રાજકોટની મહિલાઓ સ્વની સાથે અન્ય મહિલાઓને મદદરૂપ બની રહે તે માટે તમામ પ્રયાસો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
વધુમાં વાંચો… કણકોટ ઈજનેરી કોલેજ ખાતે રવિવારે “ધો.૧૨ પછી શું?” તેમજ પ્રવેશ પ્રક્રિયા અંગે કાઉન્સેલિંગ સેમિનાર યોજાશે
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી) દ્વારા ધોરણ ૧૨(વિજ્ઞાન પ્રવાહ) પછી ઇજનેરી, ફાર્મસી તથા આર્કિટેક્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની કાર્યવાહી ઓનલાઇન હાથ ધરવામાં આવનાર છે. પ્રવેશ પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ-વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા તેમને પ્રવેશને લગતા વિવિધ પ્રશ્નોનું સમાધાન મળી રહે એ માટે પ્રવેશ સમિતિ દ્વારા તા.૭ મે અને રવિવારના રોજ, સરકારી ઇજનેરી કોલેજ (જી.ઈ.સી.), રાજકોટ (કણકોટ) ખાતે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર સંસ્થાના સરોજિની નાયડુ ઓડિટોરિયમ ખાતે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. જેમાં પ્રવેશ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ઓનલાઈન પ્રવેશપ્રક્રિયા અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને તેનો વધુમાં વધુ લાભ લેવા કોલેજની યાદીમાં જણાવાયું છે. સેમિનાર હોલમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આથી ભાગ લેવા ઇચ્છનારે કાર્યક્રમના અડધી કલાક પહેલા પોતાની જગ્યા મેળવી લેવી. વધુમાં વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે એ માટે એક વિદ્યાર્થી સાથે ફક્ત એક વાલીને પ્રવેશ આપવા માં આવશે. ઉપરાંત પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુસર સરકારી ઇજનેરી કોલેજ, રાજકોટ ખાતે હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે. જે આજરોજથી સતત કોલેજ સમય દરમ્યાન કાર્યરત રહેશે.
વધુમાં વાંચો… ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ કચેરી દ્વારા ફિટનેશ – પરમીટ વિનાની ૩ બસ ડીટેઈન રૂા. ૩૬,૦૦૦નો વસુલાયો દંડ
શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને વિવિધ વાહનોના ચાલકો નીતિ નિયમો મુજબ વાહનો ચલાવવા માટે જાગૃત થાય તે માટે રાજકોટ ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે વાહન ચેકિંગની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ટ્રાફિક એ.સી.પી જે.બી.ગઢવીની રાહબરીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફિટનેશ અને પરમીટ વિનાના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કુલ ૩ બસોને ડિટેઈન કરવામાં આવી હતી તેમજ રૂપિયા ૩૬,૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. વાહન ચાલકો એ સ્વયં અને મુસાફરોની રક્ષા માટે ભારે વાહનોનું સમયાંતરે નીતિ નિયમો મુજબ ફિટનેશ સર્ટીફિકેટ કઢાવવું જોઈએ. ઉપરાંત RTO કચેરીએ નિયમોનું પાલન કર્યા વગર ચલાવતી ડ્રાઈવીંગ સ્કુલોના વાહનોનું પણ ચેકીંગ કરી રહી છે તેમ આર.ટી.ઓ અધિકારી કે.એમ.ખપેડે જણાવ્યું હતું.
વધુમાં વાંચો… રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે તકેદારીના પગલાં
ભારત સરકારના હવામાન વિભાગની આગાહી અનુસાર ૦૭ મે, ૨૦૨૩ સુધી રાજકોટ જિલ્લામાં ગાજવીજ અને પવન ૩૦-૪૦ કી.મી. પ્રતિ/કલાક સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે નીચે મુજબ તકેદારીના પગલાં લેવા આવશ્યક છે. ઉભા પાકમાં વરસાદની આગાહીના સમય સુધી પિયત પાણી આપવાનું મુલત્વી રાખવું જોઈએ. તૈયાર ખેતપેદાશ અને પશુઓને સલામત જગ્યાએ રાખવો જોઇએ અને ખેતરમાં પડેલ પાકને પ્લાસ્ટિક તાલપત્રીથી ઢાંકી દેવો જોઈએ. ઉભા પાકમાં કોઇ પણ પ્રકારની દવાઓ તેમજ ખાતરોનો છંટકાવ કરવો જોઈએ નહીં. આ સમય દરમિયાન ખેત પેદાશ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લઇ જવી નહીં. જે વિસ્તારમાં અગાઉ કમોસમી વરસાદ થયેલ હોય ત્યાં શાકભાજી પાકોમાં અને આંબાવાડીયામાં ફૂગજન્ય રોગનો ઉપદ્રવ થાય નહીં, તે માટે કાર્બેન્ડાઝીમ ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો જોઈએ, તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગની યાદીમાં જણાવાયું છે.