ગુજરાત સામેની જીત બાદ મુંબઈની પોઈન્ટ ટેબલમાં છલાંગ, વાંચો તમારી ફેવરિટ ટીમ કયા નંબર પર

13 May 23 : મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સને મેચ જીતવા માટે 219 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ 20 ઓવરમાં 8 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. રોહિત શર્માની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા નંબરે સરકી ગઈ છે. આ હાર છતાં ગુજરાત ટાઇટન્સ ટોપ પર યથાવત છે. જ્યારે બીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સ છે.

ગુજરાત ટાઇટન્સ પાસે 12 મેચમાં સૌથી વધુ 16 પોઈન્ટ છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સના 12 મેચમાં 15 પોઈન્ટ છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના 12 મેચમાં 14 પોઈન્ટ છે. રોહિત શર્માની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ 12 મેચમાં 12 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ 11 મેચમાં 11 પોઈન્ટ સાથે પાંચમા નંબર પર છે. પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ અનુક્રમે છઠ્ઠા, સાત મા અને આઠમા નંબર પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ 10-10 પોઈન્ટ ધરાવે છે. આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ 10 મેચમાં 8 પોઈન્ટ સાથે નવમા નંબર પર છે. ડેવિડ વોર્નરની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ 11 મેચમાં 8 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ટોપ-4માં સ્થાન ધરાવે છે. જો કે, સત્તાવાર રીતે હજુ સુધી કોઈ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી. પરંતુ દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ટોપ-4માં પહોંચવું અશક્ય છે. બીજી તરફ, જો પંજાબ કિંગ્સ તેની બાકીની ત્રણેય મેચ જીતી જશે તો તે ક્વોલિફાય થઈ જશે.

મુંબઇ ઇન્ડિયન્સનું પ્લે ઓફમાં પહોંચવું નક્કી, જાણો અન્ય ટીમો માટે આવા છે સમીકરણ
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 57મી મેચ 12 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ ગુજરાતને 27 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. વિજય માટે 219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 8 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. ગુજરાત ટાઇટન્સ સામેની જીત બાદ મુંબઈએ પ્લેઓફ તરફ મજબૂત આગેકૂચ કરી છે. હવે રોહિત શર્માની ટીમનું અંતિમ ચારમાં પહોંચવું નિશ્ચિત છે. મુંબઈની આ જીતથી કેટલીક ટીમોનું ટેન્શન વધી ગયું છે. ચાલો તમને IPL 2023ની બાકીની ત્રણ ટીમોના પ્લેઓફના સમીકરણ વિશે જણાવીએ. રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલ 2023ના પ્લે ઓફમાં પહોંચવાનું નિશ્ચિત છે. જો મુંબઈ તેની બાકીની બંને મેચો જીતી લે તો તે 18 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. હાલમાં મુંબઈના 14 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. ધારો કે મુંબઈની ટીમ 2માંથી એક મેચ હારી જાય તો પણ તેની પ્લેઓફમાં પહોંચવાની તકો વધુ છે. IPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સે 12 મેચ રમી છે જેમાંથી 7 જીતી છે અને 5 હારી છે.

GT-CSK નો રસ્તો સાફ : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ માટે IPL 2023 પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ સ્પષ્ટ છે. આ બંને ટીમોનું અંતિમ ચારમાં પહોંચવું પણ નિશ્ચિત છે. ગુજરાતે હજુ 2 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં જો હાર્દિક પંડ્યાની ટીમ એક પણ મેચ જીતે છે તો તે સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. બીજી તરફ, જો ગુજરાત બંને મેચ જીતવામાં સફળ રહે છે, તો તે 20 પોઈન્ટ સાથે તેની સફર સમાપ્ત કરશે. હાલ ગુજરાતની ટીમ 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજી તરફ CSKનો પ્લેઓફમાં જવાનો રસ્તો પણ સાફ છે. જો તમે પોઈન્ટ ટેબલ પર નજર નાખો તો ચેન્નઈના 15 પોઈન્ટ છે અને તે બીજા નંબર પર છે. એમએસ ધોનીની ટીમ પાસે હજુ 2 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં તે અંતિમ ચારમાં પહોંચશે તે નિશ્ચિત છે.

LSG-RR માં સખત સ્પર્ધા : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પરંતુ ચોથી ટીમ કોણ હશે તે માટે લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર મુકાબલો છે. IPL 2023માં લખનઉની ટીમે 11 મેચ રમી છે, જેમાંથી 5માં જીત અને 5માં હાર થઈ છે. લખનૌની ટીમ 11 પોઈન્ટ સાથે પાંચમા નંબર પર છે. કૃણાલ પંડ્યાની ટીમે હજુ ત્રણ વધુ મેચ રમવાની છે. જો લખનઉ તેની બાકીની મેચો જીતે છે તો તેના 17 પોઈન્ટ્સ થઈ જશે. આવી સ્થિતિમાં તેના માટે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ આસાન બની જશે. પરંતુ જેવો તે મેચ હારી જશે તેમ તેનું સમીકરણ બગડી જશે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ માટે આ કરો યા મરો જેવી સ્થિતિ છે. તેણે અંતિમ ચારમાં જવા માટે બાકીની બે મેચ વધુ સારા માર્જિનથી જીતવી પડશે.

મુંબઈની જીતના ‘હીરો’ સૂર્યકુમાર યાદવે ‘પ્લેયર ઑફ ધ મેચ’ બન્યા બાદ જણાવ્યો ગેમ પ્લાન

IPL 2023 ની 57મી મેચ શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 191 રન બનાવી શકી હતી. મુંબઈએ આ મેચ 27 રને જીતી લીધી હતી. આ સિઝનમાં મુંબઈની આ 7મી જીત છે. 14 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

મુંબઈની જીતનો હીરો સૂર્યકુમાર યાદવ હતો. તેણે 49 બોલમાં 103 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. સૂર્યાની આઈપીએલ કારકિર્દીની આ પ્રથમ સદી છે. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. મેચ બાદ તેને કહ્યું, એવું કહી શકાય કે તે મારી સર્વશ્રેષ્ઠ ટી20 ઇનિંગ્સમાંથી એક હતી. જ્યારે પણ હું રન બનાવું છું ત્યારે મને લાગે છે કે ટીમ જીતવી જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે અમે આજે પ્રથમ બેટિંગ કરી હતી અને કહ્યું હતું કે જ્યારે તમે 200-220 રનનો પીછો કરી રહ્યા છો ત્યારે અમે તે જ ગતિને વળગી રહીશું. મેદાન પર ઘણું ઝાકળ હતું અને મને ખબર હતી કે કયા શોટ રમવાના છે, હું સીધો મારવાનું વિચારતો નહોતો. મારા મનમાં બે શોટ હતા – એક ઓવર ફાઈન લેગ અને એક ઓવર થર્ડ મેન. રમત પહેલા ઘણી પ્રેક્ટિસ હોય છે, તેથી જ્યારે રમતની વાત આવે છે, ત્યારે હું ખૂબ જ સ્પષ્ટ છું અને મારી જાતને વ્યક્ત કરું છું. જ્યારે મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આ એક રસપ્રદ રમત હતી, ખાસ કરીને અમારા દૃષ્ટિકોણથી, બે પોઈન્ટ મેળવીને ખુશ છું. તે દરેક રમતને નવેસરથી શરૂ કરવા માંગે છે અને પાછલી રમતમાં પાછું વળીને જોતો નથી. ક્યારેક તમે પાછા બેસીને ગર્વ અનુભવી શકો છો પરંતુ તેની સાથે એવું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here