ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાને લઈને પીએમ મોદી ગંભીર, વડાપ્રધાન અલ્બેનીઝ સામે ઉઠાવ્યો સુરક્ષાનો મુદ્દો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં તોફાની તત્વો દ્વારા મંદિરો પર કરવામાં આવતા લક્ષિત હુમલાની ગંભીર નોંધ લીધી છે. બુધવારે તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બે નીઝ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ તેમને ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાની તાજેતરની ઘટનાઓ અને ખાલિસ્તાન તરફી કાર્યકરોની ગતિવિધિઓ અંગે ભારતની ચિંતાઓથી વાકેફ કરાવ્યા. ચર્ચા દરમિયાન બંને વડા પ્રધાનોએ વ્યાપક આર્થિક સહકાર કરાર ને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો, જે દ્વિપક્ષીય વેપાર સંબંધોને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. તેમના મીડિયા સંબોધનમાં, વડા પ્રધાન મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા સહકારના મહત્ત્વ પર ભાર મૂક્યો,કહ્યું કે તે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, “વડાપ્રધાન અલ્બેનીઝ અને મેં પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓના મુદ્દા પર ચર્ચા કરી છે. અમે આજે પણ તેના વિશે વાત કરી છે.” તેમણે કહ્યું, “તે અમને સ્વીકાર્ય નથી કે કોઈ પણ વ્યક્તિ, તેમની હરકતો અથવા વિચારધારા દ્વારા, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મૈત્રી પૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડે.” મોદીએ આવી ઘટનાઓમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવા બદલ અલ્બેનીઝનો આભાર માન્યો. વડા પ્રધાન મોદીએ કહ્યું, “વડાપ્રધાન અલ્બેનીઝે ફરી એકવાર મને ખાતરી આપી કે તેઓ ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે.” તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથેની તેમની સતત થઈ રહેલી બેઠકોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોની ઊંડાઈ દર્શાવે છે. તેમણે કહ્યું, “છેલ્લા એક વર્ષમાં આ અમારી છઠ્ઠી મુલાકાત છે. આ આપણા વ્યાપક સંબંધોની ઊંડાઈ અને આપણા સંબંધોની પરિપક્વતા દર્શાવે છે. ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો અમારા સંબંધો ટી20 ફોર્મેટમાં છે.” મોદીએ જણાવ્યું કે બંને પક્ષોએ ખાણ કામ અને નિર્ણાયક ખનિજોના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહકાર પર ફળદાયી ચર્ચાઓ પણ કરી. વાટાઘાટો દરમિયાન, બંને પક્ષોએ ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ નિર્ણય કર્યો. તે જ સમયે, અલ્બેનીઝે તેમના નિવેદનમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા બેંગલુરુમાં એક નવું કોન્સ્યુલેટ જનરલ ખોલશે. ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ ડેવિડ હર્લી સાથે પણ કરી મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ ડેવિડ હર્લી સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાના લોકો વચ્ચે સંપર્ક અને લાંબા સમયથી ચાલી રહેલી દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે વ્યાપક વાટાઘાટો બાદ મોદીએ હર્લી સાથે મુલાકાત કરી. અલ્બેનીઝ સાથેની બેઠક દરમિયાન, બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ક્ષેત્રો ઉપરાંત એકંદરે દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ચર્ચા કરી.

વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ હર્લી વચ્ચે સિડનીમાં વાતચીત થઈ. બંને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાના લોકો વચ્ચે સંપર્ક અને લાંબા સમયથી ચાલી રહેલી દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.”

વધુમાં વાંચો… પાટણ- સમાજ સુધાર ચળવળ: પ્રી-વેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથા બંધ કરાશે

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની આ પ્રથા જે છેલ્લા કેટલાક સમયથી પાશ્ચાત્ય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી શરુ થઈ છે તે બંધ કરાવવા સમાજ સુધાર ચળવળ અંતર્ગત 28 મેએ પાટણમાં 3000 બહેનો સોગંદ લેશે. સામાજિક સુધારણાના ભાગરૂપે બહેનોની બેઠક શંખલપુર ગામે યોજાઇ હતી.ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વસતી સમાજની મહિલાઓ જોડાઇ હતી. જેમાં 65 વર્ષ પછી મહિલાઓ બંધારણ તૈયાર કરશે. પ્રી-વેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ-બિનજરૂરી પ્રથા બંધ કરાશે. પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ , રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખા દેખી માટે શરૂ થયેલી પ્રથાઓ સહિતનારિવાજો બંધ કરવા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય લીધો છે. સાથે જ શુભ-અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા દૂર કરવા પણ ઉત્તર ગુજરાતનાં 53 ગામો ઉપરાંત અમદાવાદ,સુરત,વડોદરા,અંકલેશ્વર,કચ્છ,રાજકોટ અને મુંબઇમાં રહેતી સમાજ ની બહેનો મક્કમ છે. આ માટે 28મી મેએ પાટણમાં વિશાળ મહિલા સંમેલન યોજીને 2500થી 3000 બહેનો નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લેશે. એટલું જ નહીં, સમાજે જે રીતે વર્ષ 1958માં સામાજિક બંધારણ તૈયાર કર્યું હતું, તે રીતે 65 વર્ષ પછી પ્રથમવાર બહેનો સામાજિક બંધારણ તૈયાર કરવા જઇ રહી છે.

નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લેશે. બેતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠનનાં અગ્રણી અનિતાબેન પટેલ કહે છે, અમારા પૂર્વજોએ જે પરંપરા, જે રિવાજો શરૂ કર્યા હતા જેમાં અમે કોઇ સુધારો કે વધારો નથી કરતા. અમે તો ખાસ કરીને 20-25 વર્ષમાં ટીવી સિરિયલો અને ફિલ્મો જોઇને લગ્નમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ,હલ્દી રસમ,ડીજે પાર્ટી ના દેખાડા પાછળ કરાતા ખર્ચ અને રીસેપ્શન , હવન, સગાઇ જેવા પ્રસંગોએ કવર આપવા-લેવા, મરણ પ્રસંગે સોનાના દાગીના આપવો, પુત્ર-પુત્રીના જન્મ વખતે પેંડાના બદલામાં પૈસા આપવા, મોટી રકમનાં મામેરાં કરવાં જેવા રિવાજો પહેલાં ક્યારેય નહોતા. આ નવી પેઢીએ ઉમેરેલા છે. આધુનિક જીવનશૈલી અને મોંઘવારીમાં આવા નવા રિવાજોથી સુખી-સંપન્ન પરિવારોને ફરક નથી પડતો, પણ મધ્યમ વર્ગના પરિવારોએ સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે પણ ખર્ચ કરવા પડતા હોય છે. એટલે અમે આવા નવા ખર્ચ બંધ કરવા માંગીએ છીએ.

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના વર્ષ 1958માં બંધારણમાં કરાયેલા સુધારા

  1. લગ્નપ્રસંગે જાનને 2 દિવસ અને 4 ટંક જમણને બદલે એક જ રાત રોકવી, 2 ટંક જમાડીને વિદાય આપવી.
  2. મામેરામાં અમર્યાદિત રકમો અને દાગીનાને બદલે રૂ. 1થી 1051 સુધીની રકમ અને દાગીના મૂકવા.
  3. જાનમાં બેન્ડવાજા સદંતર બંધ કરવા.
  4. લગ્નપ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા.
  5. લગ્નપ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગાણાં ગાવાં.
  6. મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી માત્ર એક જ દિવસે લોકાચારે જવું.
  7. મરણ જનારની પાછળ સજા ભરવાનું સદંતર બંધ કરવું.
  8. મરણ પાછળ મહિલાઓએ વાળ છૂટા કરી છાજિયા લેવાનું સદંતર બંધ કરવું.
    સમાજની શક્તિ મોટા ભાગના રિવાજો મહિલાઓને લગતાં હોઈ અપરિણીત યુવતીઓ જોડાઇ
    હાલ યુવાપેઢી ટીવી પર આવતી સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતી સિરિયલો અને ફિલ્મોનું અનુકરણ કરી રહી છે. ભવિષ્યમાં આ રિવાજો ખર્ચાળ બની શકે છે. એટલે અત્યારથી જ બંધ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. નવા રિવાજો મોટા ભાગે મહિલા સંબંધી હોઇ અપરિણીત યુવતીઓથી લઇ સાસુઓને આ સામાજિક સુધારણાની લડતમાં સામેલ કરાઇ છે. અમને આશા છે ભવિષ્યમાં ખૂબ સારું પરિણામ મળશે – પીનલબહેન પટેલ, કાંતાબહેન પટેલ, અગ્રણી, મહિલા સંગઠન
    મહિલા સંગઠનના આ પ્રયાસોથી અડિયા ગામના દશરથભાઈ પટેલે પુત્ર કૌશલના રિસેપ્શનમાં કવર ન લેવા પહેલીવાર શરૂઆત કરી હતી. 2 મહિનામાં 26 ગામોએ કવર પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અઘાર ગામના એક પરિવારે સીમંત પ્રસંગે ખોળામાં રૂપિયા નાખવાની પ્રથા બંધ કરવાની પહેલ કરી છે. બહેનોના આ પ્રયાસો ધીરે ધીરે સામાજિક ચેતના પ્રગટાવી રહ્યા છે, જે દરેક સમાજ માટે પ્રેરણાદાયક છે.

વર્ષ 2023માં મહિલા સંગઠન દ્વારા કરવામાં આવનારા સુધારા લગ્નમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દીરસમ , બેબીશાવર , ડીજે પાર્ટી પાછળનો ખર્ચ બંધ કરવો. લગ્ન પછી રિસેપ્શન, હવન, સગાઈ, સીમંત જેવા પ્રસંગોએ કવર આપવા અને લેવા નહીં. મરણપ્રસંગે સોનાનો દાગીનો અને કવર આપવાનું બંધ કરવું.

  1. પુત્ર કે પુત્રીના જન્મ પ્રસંગે પેંડા વેચે તેના બદલામાં પૈસા લેવા-આપવાનું બંધ કરવું.
  2. મોટી રકમનાં મામેરાં કરવાં નહીં.
  3. હોળી-હાયડા નિમિત્તે પૈસા આપવાનું બંધ કરવું.
  4. મરણ પ્રસંગે ધોતિયાના કવરની પ્રથા બંધ કરવી.
  5. ચૌલક્રિયા પ્રસંગે માથું ઢાંક્યાના ચાંલ્લા લખવાનું બંધ કરવું.
  6. સગાઇ વખતે લાગ આપવાનું બંધ કરવું.

વધુમાં વાંચો… હરિયાણામાં ઓનર કિલિંગ, પરિજનોએ કરી યુવતીની હત્યા, પોલીસે સળગતી ચિતામાંથી હાડકાં કાઢીને એકત્રિત કર્યા પુરાવા
હરિયાણાના રોહતકમાંથી ઓનર કિલિંગનો એક મામલો સામે આવ્યો છે. અહીં યુવતીની હત્યા કર્યા બાદ તેના પરિજનોએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા. આ મામલો રોહતકના રિથલ નરવાલ ગામનો છે. પોલીસે મૃતક યુવતીના પિતા અને પરિવારના અન્ય સભ્યો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે.

શું છે સમગ્ર મામલો – પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવતી દિવ્યા આશરે 20 વર્ષની હતી અને તેના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં જ થયા હતા. લગ્નના લગભગ એક સપ્તાહ બાદ યુવતી તેના પિયર આવી ગઈ. તેના સાસરિયાઓ સાથે મતભેદ થતાં તે અલગ થઈ ગઈ અને તેના પિયરમાં જ રહેવા લાગી. ઘણા દિવસોથી તે રિથલ નરવાલ ગામમાં જ રહેતી હતી.જ્યારે પોલીસે પરિવારજનોને મોતનું કારણ પૂછ્યું તો તેઓએ ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની વાત કહી. જે રૂમમાં આત્મહત્યા કરવાનું કહેવામાં આવી રહ્યું હતું ત્યાં પંખો પણ નહોતો. જેના કારણે પોલીસની શંકા વધી ગઈ. સાથે જ પરિવારના સભ્યો પણ ગુપ્ત રીતે યુવતીના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા.
પ્રેમ પ્રકરણના કારણે થઈ હત્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવતી શેરીમાં રહેતા છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ આ પ્રેમસંબંધને કારણે પરિવારે યુવતીના લગ્ન અન્ય ગામમાં કરાવી દીધા. પરંતુ યુવતીના બોયફ્રેન્ડે કેટલાક યુવકો સાથે મળીને યુવતીના પતિ સાથે મારપીટ કરી, જેના કારણે આ લગ્ન તૂટી ગયા. મંગળવારે યુવતીના પરિવારજનોએ તેની હત્યા કરી દીધી અને લાશના અંતિમ સંસ્કાર કરી દીધા. જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે રાત્રે 9 વાગે ગામમાં પહોંચી.પોલીસ આવે તે પહેલા જ સળગી ચુકી હતી ચિતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં યુવતની ચિતા સળગી ચુકી હતી. તાત્કાલિક એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી. જે બાદ ચિતામાંથી માત્ર હાડકાં જ મળ્યાં. ત્યારબાદ પોલીસે હાડકાંમાંથી પુરાવા એકત્ર કર્યા. ઘિલોડ પોલીસ ચોકીના ઈન્ચાર્જ મુકેશ કુમારે જણાવ્યું કે રિથલ નરવાલમાં યુવતીના મોતના મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકના પિતા સહિત પરિવારના સભ્યો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ મામલો સ્પષ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here