
15 May 23 : સચિન પાયલટ દ્વારા કાઢવામાં આવેલી જન સંઘર્ષ પદયાત્રા સોમવારે જયપુર પહોંચી ગઈ. અહીં સચિન પાયલટ અને તેના જૂથના નેતાઓએ મોટી જાહેર સભા યોજી. આ જાહેર સભાઓમાં તેમણે અશોક ગેહલોત અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા. આ પ્રહારો પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે પાયલટ જૂથે હવે અશોક ગેહલોત સામે સીધી લડાઈ શરૂ કરી દીધી છે. જયપુર નજીક ભાંકરોટામાં જનસભાને સંબોધતા પાયલટે કહ્યું કે આ ક્યાંની નીતિ છે, તમારા નેતાને બદનામ કરો, બીજી પાર્ટીના નેતાના વખાણ કરો, આ ચાલવાનું નથી.
સીએમ ગેહલોત પર આડકતરો પ્રહાર કરતા સચિન પાયલટે કહ્યું કે આજકાલ દૂધ અને લીંબુ બહુ ચાલી રહ્યું છે, પરંતુ શું મારા મોઢામાંથી ક્યારેય કંઈ ખોટું નીકળ્યું છે? આમ છતા શું મને ગાળો આપવામાં કોઈ કમી રાખી? પણ મને પરવા નથી. હું બધાને કહી દેવામાં માંગુ છું કે કોઈને ગેરસમજ ન હોવી જોઈએ, જનતા જ જનાર્દન છે. જનતાનો સાથ અને આશીર્વાદ મારી સાથે છે. તેમણે કહ્યું કે અહીં આવતા લોકોને રોકી દેવામાં આવ્યા, પરંતુ હવે તમે ગમે તે કરો, નેટ બંધ કરો અથવા રસ્તો બ્લોક કરો. કંઈ પણ કરો પણ હવે કંઈ થવાનું નથી. ‘જે વચન આપ્યું હતું તે પૂરું કરો’. સચિન પાયલટે કહ્યું કે જે પેપર લીકથી યુવાનો પ્રભાવિત થયા છે, તેમને આર્થિક વળતર મળવું જોઈએ. આરપીએસસીમાં માત્ર જુગાડ લાગે છે, મારી માંગ છે કે આરપીએસસીને ભંગ કરો. તેમણે કહ્યું કે જો સરકાર 15 દિવસમાં અમારી માંગ નહીં સ્વીકારે તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. બીજી તરફ મિલીભગતના મામલે પાયલટે કહ્યું કે મેં ક્યારેય એવું નથી કહ્યું કે કોઈની કોઈ સાથે મિલીભગત છે. હું ફક્ત એટલું જ કહું છું કે જે વચન આપવામાં આવ્યું હતું તે પૂરું કરો. બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી રાજેન્દ્ર ગૂઢાએ કહ્યું કે અમારી સરકારમાંથી ઈમાનદારીનું બીજ ગાયબ થઈ ગયું છે. સરકારની ગોઠવણી ખરાબ થઈ ચુકી છે. ભ્રષ્ટાચાર વગરની એક પણ ફાઇલ કચેરીઓમાંથી બહાર આવતી નથી. સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને બીજેપી નેતા વસુંધરા રાજેની મિલીભગત છે.
વધુમાં વાંચો… સઘન સુરક્ષા વચ્ચે લાહોર હાઈકોર્ટમાં હાજર થયા ઇમરાન; અલ કાદિર કેસમાં બુશરા બીબીને મળ્યા જામીન
પાકિસ્તાન : લાહોર હાઈકોર્ટે સોમવારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર કોર્પ્સ કમાન્ડરના ઘરને આગ લગાડવાના અને ગયા અઠવાડિયે તેમની ધરપકડ પછી થયેલી હિંસા સંબંધમાં લાગેલા આરોપો પર સુનાવણી હાથ ધરી. જ્યાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન લાહોર હાઈકોર્ટમાં કડક સુરક્ષા વચ્ચે હાજર થયા. તેમની સાથે પત્ની બુશરા બીબી પણ હાજર હતી. સુનાવણી બાદ ઇમરાનની પત્ની બુશરા બીબીને અલ કાદિર કેસમાં 23 મે સુધી જામીન આપવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, 9 મેના રોજ ઇમરાનની ધરપકડ બાદ અને લાહોરમાં કોર્પ્સ કમાન્ડર હાઉસમાં આગ લગાડ્યા બાદ થયેલી હિંસા ઉપરાંત રાજ્યની ઈમારતો અને સૈન્ય સ્થાપનો પર હુમલો કરવા અને નુકસાન પહોંચાડવાના અનેક કેસ નોંધવામાં આવ્યા હતા. આ મામલે આજે જ સુનાવણી હાથ ધરવામાં આવી. અગાઉ, શુક્રવારે જામીન મળ્યા હોવા છતાં, ઇમરાન ખાન ફરીથી ધરપકડના ડરથી ઇસ્લામાબાદ હાઇકોર્ટ પરિસરમાં કલાકો ગાળ્યા પછી શનિવારે તેના લાહોર નિવાસસ્થાન પરત ફર્યા હતા. ઇસ્લામાબાદ હાઈકોર્ટે 70 વર્ષીય ઇમરાન ખાનને 9 મે પછી નોંધાયેલા તમામ કેસોમાં ધરપકડ કરતા અટકાવતા તેમને જામીન આપ્યા હતા. તેમને વધુ રાહત માટે 15 મેના રોજ લાહોર હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઇમરાનની 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) એ અલ કાદિર ટ્રસ્ટ કેસમાં 9 મેના રોજ ઇમરાન ખાનની ધરપકડ કરી હતી. આ પછી, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇસ્લામાબાદ હાઇકોર્ટ પરિસરમાંથી ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી અને મામલો હાઇકોર્ટમાં મોકલી દીધો. દરમિયાન પંજાબના પોલીસ મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવરે રવિવારે જણાવ્યું હતું કે ઇમરાન ખાનની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસામાં સામેલ થવા બદલ પંજાબ પ્રાંતમાં 3,500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમાંથી મોટા ભાગના પર આતંકવાદ વિરોધી અદાલતોમાં કેસ ચલાવવામાં આવશે.
બીજીતરફ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનને મુક્ત કરવાના પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સત્તાધારી ગઠબંધન આજે સુપ્રીમ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ટિપ્પણી આવી છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે સરકાર લાચાર દેખાઈ રહી છે. દેશમાં ચૂંટણી યોજવાનો સમય આવી ગયો છે. અહેવાલ મુજબ, સત્તાધારી ગઠબંધને સુપ્રીમ કોર્ટની બહાર ધરણા આંદોલન કર્યું છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલનું કહેવું છે કે હિંસા વચ્ચે સંઘીય સરકાર ‘લાચાર’ દેખાઈ રહી છે. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJPએ પંજાબ ચૂંટણી પર ન્યાયિક આદેશોનું પાલન ન કરવા બદલ અધિકારીઓની નિંદા કરી. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશએ 14 મેના રોજ પંજાબમાં ચૂંટણી યોજવાના આદેશોની સમીક્ષા કરવા માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરતી ત્રણ સભ્યોની બેંચની અધ્યક્ષતામાં આ ટિપ્પણી કરી. ખરેખર, સુપ્રીમ કોર્ટે પંજાબ પ્રાંતમાં ચૂંટણીનો આદેશ આપ્યો હતો. પરંતુ એક યા બીજા કારણને ટાંકીને શાહબાઝ સરકાર પંજાબમાં ચૂંટણી કરાવવાનું ટાળી રહી છે. સુપ્રીમ કોર્ટના ટોચના જજ સાથે જસ્ટિસ ઈજાઝ ઉલ અહેસાન અને જસ્ટિસ મુનીબ અખ્તરની એ જ બેન્ચે 4 એપ્રિલે ECPના 30 એપ્રિલના બદલે 8 ઓક્ટોબરે ચૂંટણી કરાવવાના નિર્ણયને “ગેરકાયદેસર” ગણાવ્યો અને ચૂંટણી નિરીક્ષણ સંસ્થાને પંજાબમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી કંડક્ટિંગ ઓથોરિટી આદેશનું પાલન કરવાને બદલે તેના નિર્દેશોની સમીક્ષા કરવા માટે સર્વોચ્ચ અદાલત તરફ વળી હતી.
વધુમાં વાંચો… ઘટી રહેલા જન્મ દરથી પરેશાન ચીન શરૂ કરશે એક અનોખો પ્રોજેક્ટ, જૂના રિવાજો પર લગાવશે અંકુશ
ચીન ઘટતી વસ્તીને વધારવા માટે યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે, તે 20 થી વધુ શહેરોમાં એક ‘નવા યુગ’ લગ્ન અને બાળક પેદા કરવાની સંસ્કૃતિ બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. જેથી અધિકારીઓ દ્વારા બાળક પેદા કરવા માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપી શકાય.એક અહેવાલ અનુસાર, ચીનનું ફેમિલી પ્લાનિંગ એસોસિએશન, જે સરકારની વસ્તી અને પ્રજનનક્ષમતાનાં પગલાંને અમલમાં મૂકે છે, તે મહિલાઓને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રોજેક્ટ્સ શરૂ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ યુવકોને લગ્ન કરવા માટે સમજાવવામાં આવશે. સાથે જ માતા-પિતાને બાળકો અને યોગ્ય ઉંમરે તેમના ઉછેરની જવાબદારીઓ વહેંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તે જ સમયે, લગ્ન દરમિયાન દહેજ આપવા અને અન્ય જૂના રિવાજો પર અંકુશ પણ લગાવવામાં આવશે.
ગેરસમજો દૂર કરવાની જરૂર. પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ શહેરોમાં ચીનના હેબેઈ પ્રાંતમાં મેન્યુફેક્ચરિંગ હબ ગુઆંગઝુ અને હેન્ડનનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે એસોસિએશને ગયા વર્ષે બીજિંગ સહિત 20 શહેરોમાં પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. એક સ્વતંત્ર વસ્તીવિષયક હી યાફુનું કહેવું છે કે સમાજે યુવાનોને લગ્ન અને સંતાનપ્રાપ્તિ અંગે માર્ગ દર્શન આપવાની જરૂર છે. લગ્ન અને બાળક વિશે યુવાનોમાં ઘણીવાર ખોટો ખ્યાલ હોય છે, તેને નાબૂદ કરવાની જરૂર છે. પહેલા પણ શરૂ થઈ ચુકી છે યોજનાઓ. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે ચીને વસ્તી વધારવાનો નિર્ણય લીધો હોય. તેણે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. જેમ કે ટેક્સ ઈન્સેન્ટિવ, હાઉસિંગ સબસિડી અને ત્રીજા બાળક માટે મફત અથવા સબસિડીયુક્ત શિક્ષણ. ચીનમાં એક સમયે ‘એક બાળક’ નીતિ લાગુ હતી. ચીને 1980 થી 2015 સુધી કડક ‘એક-બાળક’ નીતિ લાગુ કરી હતી, જે તેના ઘણા વસ્તી વિષયક પડકારોનું મૂળ છે. આ નીતિએ ભારતને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાની તક આપી છે. હવે આ મર્યાદા ત્રણ બાળકો સુધી વધારી દેવામાં આવી છે.