
24 Nov 22 : શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસ હવે સમગ્ર રહસ્ય ઉકેલવાની નજીક પહોંચી ગઈ છે. આજે શ્રદ્ધાની હત્યાનો ગુનો કબૂલી લેનાર આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ થશે. રોહિણીની ફોરેન્સિક સાયન્સ લેબમાં આફતાબનો પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસ બુધવારે જ આ ટેસ્ટ કરાવવા માંગતી હતી, પરંતુ આફતાબની ખરાબ તબિયતને કારણે આ ટેસ્ટ એક દિવસ માટે સ્થગિત કરવો પડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જો આ ટેસ્ટ નાદુરસ્ત તબિયત વચ્ચે કરવામાં આવ્યો હોત તો તેની અસર પોલીગ્રાફી ટેસ્ટના રિપોર્ટ પર પડી શકે એમ હતી.
કસ્ટડી સમાપ્ત થાય તે પહેલાં પોલીગ્રાફી ટેસ્ટ જરૂરી – જણાવી દઈએ કે આરોપી આફતાબની કસ્ટડી આવતીકાલે સમાપ્ત થઈ રહી છે, તેથી આજે પોલીગ્રાફી ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. દરમિયાન, દિલ્હી પોલીસે તેના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ બનાવી છે જે સમગ્ર તપાસમાં સલાહકાર તરીકે કામ કરી રહી છે. આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. શ્રદ્ધા વોકરનો જૂનો પત્ર સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ તત્કાલીન ઉદ્ધવ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે શ્રદ્ધાની ફરિયાદ પર કાર્યવાહી કેમ ન કરવામાં આવી. આ રાજનીતિની વચ્ચે આજે આફતાબનું સત્ય ઉજાગર કરવાનો વૈજ્ઞાનિક પ્રયાસ કરવામાં આવશે.
શ્રધ્ધાનો પત્ર સામે આવ્યો – આ દરમિયાન 23 નવેમ્બર 2020ના રોજ શ્રદ્ધા દ્વારા લખાયેલો એક પત્ર સામે આવ્યો છે. તેમાં શ્રદ્ધાએ લખ્યું છે કે, “હું શ્રદ્ધા વિકાસ વોકર, ઉંમર 25 વર્ષ… હું આફતાબ પૂનાવાલા, ઉંમર 26 વર્ષ વિરૂદ્ધ ફરિયાદ આપું છું કે તે મારી સાથે ગેરવર્તન કરે છે અને મારપીટ કરે છે. આજે તેણે મને ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી. તેણે મને ડરાવી અને બ્લેકમેલ કર્યું કે એ મને મારી નાખશે અને મારા ટુકડે-ટુકડા કરીને ક્યાંક દૂર ફેંકી દેશે. તે છેલ્લા 6 મહિનાથી મારી સાથે મારપીટ કરે છે, પરંતુ મારી પાસે પોલીસમાં જવાની હિંમત ન હતી કારણ કે તેણે મને ધમકી આપી હતી કે તે મને મારી નાખશે. તેના માતા-પિતાને ખબર છે કે તે મારી સાથે મારપીટ કરે છે અને તેણે મને મારી નાખવાનો પ્રયાસ કર્યો. હું અત્યાર સુધી તેની સાથે રહેતી હતી કારણ કે તેના પરિવારની મરજીથી અમે લગ્ન કરવાના હતા. પણ હવે હું તેની સાથે નહીં રહી શકું. એવામાં મારી સાથે થતા કોઈપણ શારીરિક નુકસાન માટે એ જ જવાબદાર રહેશે.”
વધુમાં વાંચો… સરનામું પૂછવાના બહાને 4 મહિલાઓએ યુવકનું અપહરણ, નિર્જન જગ્યાએ લઈ જઈ કર્યું યૌન શોષણ
પંજાબના જલંધરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એવા જ કિસ્સાઓ સામે આવ્યા છે કે પુરુષોએ મહિલાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. પણ અહીં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અહીં કારમાં આવેલી ચાર મહિલાઓએ એક વ્યક્તિને સરનામું પૂછવાના બહાને તેનું અપહરણ કર્યું. આ પછી આ મહિલાઓએ તે વ્યક્તિનું યૌન શોષણ કર્યું. પીડિત ચામડાની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે.
જોકે, પીડિત તરફથી પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પીડિતે એવો દાવો કર્યો કે જ્યારે તે તેમને સરનામું જણાવી રહ્યો હતો ત્યારે મહિલાઓએ તેની આંખોમાં કંઈક છાંટીને તેનું અપહરણ કર્યું. તેણે જણાવ્યું કે મહિલાઓ સફેદ રંગની કારમાં મુસાફરી કરી રહી હતી. યુવકે કહ્યું કે તેણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી ન હતી. હકીકતમાં પીડિતે સ્થાનિક મીડિયાને ઘટનાની જાણકારી આપી છે. જો કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ કહ્યું કે જો તેનું યૌન શોષણ થયું હોય, તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
4 મહિલાઓએ કર્યું યૌન શોષણ
પીડિતે દાવો કર્યો હતો કે તેની પત્નીએ તેને ફરિયાદ નોંધાવતા અટકાવ્યો હતો. આ વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે કારમાં ચાર મહિલાઓ દ્વારા તેનું અપહરણ કર્યા બાદ તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. યુવકે કહ્યું કે જ્યારે કાર મારી નજીક આવી ત્યારે એક યુવતીએ સ્લિપ પર લખેલા એડ્રેસ વિશે પૂછ્યું. જ્યારે તે સરનામું વાંચી રહ્યો હતો, ત્યારે તેમાંથી એકે તેની આંખોમાં કંઈક છાંટ્યું, જેના પછી તેને દેખાતું બંધ થઈ ગયું. તેણે આરોપ લગાવ્યો હતો કે મહિલાઓ તેને એક સુમસાન જગ્યાએ લઈ ગઈ જ્યાં તેમણે પીડિતને નશીલો પદાર્થ ખવડાવ્યો અને તેનું યૌન શોષણ કર્યું. આ પછી મહિલાઓ તેને નિર્જન જગ્યાએ ફેંકીને ભાગી ગઈ હતી.