મહેસાણા – મરચાને કલર કરવા માટે વેપારી કરતો હતો સિંદુરનો ઉપયોગ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો મોટો ખુલાસો

10 May 23 : વિજાપુરમાંથી 3849 કિલો ભેળસેળયુક્ત મરચા મળવાના કેસ મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. મરચાને કલર કરવા માટે સિંદુરનો ઉપયોગ થયો હતો. લેબના રીપોર્ટ બાદ વિજાપુરનમાં મુકેશ પૂનમચંદ મહેશ્વરીએ આ મામલે કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગ ફૂડ સેફ્ટી એક્ટની કલમ 63 હેઠળ કાર્યવાહી કરશે. ફૂડ વિભાગે રવિવારે રાત્રે હિંમતનગર હાઇવે પર મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાંથી રૂ.10.45 લાખની કિંમતના 3849 કિલો ભેળસેળયુક્ત મરચાં જપ્ત કર્યા હતા. ફેક્ટરીમાં મુકેશ મહેશ્વરી મરચામાં કલર દેખાડવા માટે સિંદુરનો ઉપયોગ કરતો હતો. મરચાં ભેળસેળ કર્યા બાદ ઉંચા ભાવે વેચવામાં આવી રહ્યા હતા ત્યારે તગડી કમાણી થતી હતી. જેથી આ મામલે ભેળસેળ કરીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરતો હતો.

આરોગ્ય વિભાગના લાયસન્સ વિના જ મરચાની ફેક્ટરી ચલાવતો હોવાથી આ મામલે કાર્યવાહી કરાતા વડોદરાની લેબમાં અગાઉ વિજાપુરમાં થયેલી મરચાની તપાસ માટેના નમૂના લઈ ને લેબમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે આ નમૂનાનો રીપોર્ટ 14 દિવસે આવ્યો હતો આ મરચું અસુરક્ષિત છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ રીપોર્ટમાં સામે આવ્યું છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે. મુકેશ મહેશ્વરી દ્વારા મરચાના મામલે ભેળસેળનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. સતત આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. ફૂડમાં આ પ્રકારની ભેળસેળના કારણે લોકોનું જીવન જોખમાઈ રહ્યું છે. જેના કારણે અનેક રોગોનો શિકાર લોકો બની રહ્યા છે. ફૂડ વિભાગ દ્વારા દરેજ જિલ્લા અને શહેરમાં આ મામલે મોટાપાયે ઝૂંબેશ ચલાવવી જોઈએ જેથી કરીને આ પ્રકારના ભેળસેળીયા વેપારીઓને પકડીને કાર્યવાહી કરી શકેય તેમજ અન્ય લોકો પણ આ પ્રકારે ભેળસેળ કરતા અટકે. પ્રાથમિક તપાસમાં વેપારી એકમમાં બીજી વખત ભેળસેળ મળી આવતાં ફૂડ વિભાગે આગળ શું કાર્યવાહી કરી શકાય તે અભ્યાસ કર્યો. જેથી આ પ્રકારના મામલો પણ પ્રકાશમાં આવી રહ્યા છે.

વધુમાં વાંચો… મોરબીમાં ભાજપ શાસિત નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરી પગલા લો : કોંગ્રેસ

મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકા છેલ્લા બે વર્ષમાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે તેમજ ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યોની અણઆવડત અને વહીવટી જ્ઞાનની કમીને કારણે નગરપાલિકાની તિજોરી ખાલી કરી નાખી છે આજે મોરબીમાં ગાર્બેજ કલેક્શન કરતી ગાડીઓ બંધ છેરસ્તા પર કચરાના ઢગલાઓ ખડકાયેલા જોવા મળે છે જેથી પ્રજા પરેશાન થઇ છે ત્યારે મોરબીમાં ભાજપ સદસ્યોએ છેલ્લા બે વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે કાયદેસર પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇક ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર થયેલો છે જે જનરલ બોર્ડમાં પણ ચર્ચામાં આવેલો તેવી જ રીતે મોરબી શહેરમાં પ્રજાની માંગણી વગર ફોલ્ડીંગ સ્પીડ બ્રેકર નાખવામાં આવેલા જે ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર આજ મોરબી શહેરના એક પણ રોડ ઉપર દેખાતા નથી ત્યારે આ સ્પીડ બેકર કયા વિસ્તારમાં નાખવામાં આવ્યા હતા અને તેનું બીલ ચૂકવાયું છે તેમાં કેટલા ટકાનું કમીશન લીધું છે તેની તપાસ કરવામાં આવે રોડ રસ્તાની નબળી ગુણવત્તા હોવાથી સમય પહેલા જ રોડ તૂટી ગયા છે જેથી આવા નબળા રોડ બનાવનાર કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં બે વરસ દરમ્યાન ભાજપના સદસ્ય દ્વારા ભરતી થયેલ રોજમદાર કર્મચારીની તપાસ કરવામાં આવે કે તેઓ ખાલી હાજરી પુરવા જ આવે છે અને પ્રજાના પેસાનો ખોટો પગાર મેળવે છે તેમજઅનેક કર્મચારીના બોગસ બેંક ખાતા ખોલાવી પગાર બારોબાર લેવામાં આવે છે નગરપાલિકાના પ્રમ્ખે પોતાને મળેલી સત્તાના ભાગરૂપે ૪૫ ડી મુજબ કરેલા ખર્ચની રકમ જનરલ બોર્ડમાં મંજુર થઇ નથી જેથી તેમની પાસેથી તાત્કાલિક વસુલાત કરવામાં આવે તેવી માંગ મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયા, માલધારી સેલના રમેશભાઈ રબારી, કે ડી બાવરવા સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ કરી છે.

વધુમાં વાંચો… રાજકોટ – આઇ વે પ્રોજેક્ટ હેઠળના 995 કેમેરા ને મોતિયો લાગી ગયો કે કેમ ? : ઇન્દુભા
રાજકોટ મહાનગરપાલિકાને ૧.૬૮ કરોડનો ધુંબો મારનારની વિજીલન્સ તપાસ કરવા લોક સંસદ વિચાર મંચ ની મુખ્યમંત્રીને રાવ
લોક સંસદ વિચાર મંચના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, જિલ્લા નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્ય સરકારે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળી હતી અને રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક શાસનનો અને જ્યાં માનવી ત્યાં સુવિધા ના વચનો આપી શાસનની ધુરા સંભાળી હતી. પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર અને લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ નું શાસન ચાલે છે તે જગ જાહેર છે.

તાજેતરમાં રાજકોટ શહેરમાં એક નવું જ કૌભાંડ સામે આવ્યું છે જેમાં ટ્રાફિક પોલીસને સોંપવામાં આવેલા બુથો પર જાહેરાતના હોર્ડિંગ્સ ચાર-ચાર વર્ષો સુધી પોલીસના આંખમિચામણા ને પગલે અંદાજે ૧.૬૮ કરોડનો ધુંબો રાજકોટ મહાનગરપાલિકાને લગાવી દેવામાં આવેલ છે. પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાનું રેઢિયાળ તંત્રનો વહીવટ કેવો છે તે આ દ્રષ્ટાંત ઉપરથી સાબિત થાય છે. પોલીસ અને મહાનગરપાલિકાના કુંભકર્ણોને પગલે ચાર-ચાર વર્ષો સુધી બુથ પર જાહેરાતો લગાવી રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગો ના 70 જેટલા ટ્રાફિક બૂથો પર શાસક પક્ષના આદેશથી સત્તાધિશો ની સીધી દોરવણી હેઠળ મસ મોટું નવતર કૌભાંડ કયા રાજકીય ગોડ ફાધરના છુપા આશીર્વાદથી કરવામાં આવેલ છે અને ચાર ચાર વર્ષોથી આ ભેદી પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં પોલીસ અને મહાનગરપાલિકાના રેઢિયાળ અને બિનકાર્યક્ષમ તંત્ર અંધારામાં રહ્યું તે એક આશ્ચર્યની બાબત છે. રાજકોટ શહેરમાં કરોડોના ખર્ચે લગાવેલા આઇ વે પ્રોજેક્ટ હેઠળ 995 કેમેરાની બાજ નજર રહે છે. જેમાં થુંકનારા કે ટ્રાફિકના સામાન્ય નિયમોનો અજાણતા ભંગ કરનારા સી સી ફૂટેજમાં આવી જાય છે અને મનપા અને પોલીસ આવા લોકોને રૂપિયા 500 થી 1500 સુધીના તોતિંગ દંડનીય કાર્યવાહી કરે છે. અને ચાર મેમા નહીં ભરનારા ના વાહનો ડીટેઇન કરવાની તાજેતરમાં પોલીસે ધમકી આપી છે. ગાંધીના ગુજરાતમાં માનવતા અને સાદગીને મહત્વ આપવાને બદલે આડેધડ મન ફાવે તે પ્રકારે દંડનીય કાર્યવાહી કરી વાહનો જપ્ત લેવામાં આવે છે. તે બાબત ગુજરાતની ભાજપની નેતાગીરી એ આત્મમંથન કરવાની જરૂર છે. રાજકોટ શહેરની જાબાજ પોલીસ આ 1.68 કરોડના કૌભાંડમાં સી સી ફૂટેજ મેળવી અને જવાબદારો સામે નિષ્ઠાપૂર્વક તપાસ કરશે કે કેમ ? પોલીસ અને મહાનગરપાલિકા આવા કૌભાંડ કારો શા માટે ઘૂમટો તાણી રહી છે ?

સમગ્ર પ્રકરણની લોક સંસદ વિચાર મંચના ઉપરોક્ત આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે વિજીલન્સ તપાસની માગણી કરી છે. રાજકોટ મહાનગરપાલિકા કે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના આ નવતર કૌભાંડકારો સામે આંખમીચામણા કરી ધૃતરાષ્ટ્રનીતિ દાખવનારા જે કોઈ જવાબદારો હોય તેઓને ઘર ભેગા (સસ્પેન્ડ) કરી દોષિત અધિકારીઓ પાસેથી અંદાજિત 1.68 કરોડ ની રકમની તેઓના પગારમાંથી રિકવરી થવી જોઈએ. રાજકોટ શહેર પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના યોગ્ય સંકલનના અભાવે જે કાંઈ કૌભાંડ બહાર આવેલ છે તે શરમજનક અને લાંછન રૂપ ગણાય તેમ અંતમાં દિલીપભાઈ, ગજુભા, ઈન્દુભા અને પ્રવીણભાઈ ની યાદીમાં જણાવાયું છે.

વધુમાં વાંચો… સુરત : પોલીસ કર્મી સહીત 5 સામે ખંડણી માંગવાના મામલે નોંધાયો ગુનો
સુરતમાં પુણાના કેમિસ્ટ પાસે 50 હજારનો તોડ કરવાનો મામલો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ સહીત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 5 પોલીસ કર્મી સામે ખંડણીના મામલે ગુનો નોંધાો છે જેમાં 50 હજારના તોડ બાદ વધુ 1.5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. એક પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો. વેલનેસ મેડિકલ સ્ટોરના માલિકને ધમકી આપી હતી. આ ધમકી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની આપવામાં આવી હતી. રુપિયા 1.5 લાખની માગણીઓ કર્યા બાદ 50 હજારનો તોડ કર્યો હોવાની ફરીયાદ નોંધવા માં આવી છે. આ મામલે આખરે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલાવીને રુપિયા પરત આપ્યા હતા.

આ સમગ્ર મામલે સ્ટોરના વેપારી ભવાનીશંકર રામલાલે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસકર્મી પર કેમિસ્ટ પાસેથી ખંડણી માંગવાનો આરોપ છે. પુણે વિસ્તારમાં એક વેલનેસ મેડિકલ સ્ટોરના માલિકને દવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ.1.5 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદ નોંધતા પહેલા કેમિસ્ટે પોલીસ કમિશનર સમક્ષ મામલો રજૂ કર્યો હતો. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુમાં વાંચો… રાજકોટમાં ચોરો બન્યા બેફામ..! ચાર સ્થળોએથી બે મોબાઈલ અને બે બાઈક ચોરી થયાની ફરિયાદ
શહેરમાં જાણે તસ્કરોને ખાખીનો ખોફ વિસરાઈ ગયો હોય તેમ ચાર સ્થળોએથી બે મોબાઈલ અને બે બાઈક ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આર.એમ.સી. કમિશનર બંગલાની બાજુમાં રહેતી દ્રષ્ટિબેન ભરતભાઈ કાચા નામની 22 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ગઇ કાલે કોઈ અજાણ્યા શખ્સે તે સૂતી હતી તે વેળાએ તકિયા નીચે રાખેલો મોબાઈલ સેરવી લીધો હોવાનુ જણાવ્યુ હતુ. તો અન્ય બનાવમાં માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા મનોજભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ.34) એ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા તેના ઘર પાસેથી કોઈ અજાણ્યો ચોર તેમનું રૂ.25,000ની કિંમતનું બાઈક ચોરી ગયો હોવાનું નોંધાયું છે. તો અન્ય બનાવમાં કોટડા સાંગાણીના બગદડીયા ગામે રહેતા એકતાબેન કાથડ ભાઈ મહેતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ ગઈકાલે પોતે જલારામ પ્લોટ પાસે શિવ સંગમ સોસાયટી નજીક હતા ત્યારે કોઈ તસ્કર તેમનો મોબાઈલ ચોરી ગયા પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે. તો ચોથા બનાવમાં મહાદેવ પાર્ક પાસે રહેતા વિજયભાઈ જયંતીભાઈ દેગામા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેના ઘર પાસેથી બે દિવસ પહેલા કોઈ તસ્કર બાઇકની ઉઠાંતરી કરી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.

વધુમાં વાંચો… ગરમીનો કહેર, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડીગ્રી પારો ઉંચકાઈ શકે છે, મોટાભાગના જિલ્લામાં 42 ડીગ્રી તાપમાન
ગરમીનો પારો અમદાવાદમાં સતત વધી રહ્યો છે ત્યારે 43થી 44 ડીગ્રી અમદાવાદ શહેરમાં ગરમીનો પારો જોવા મળે તેવી શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધવાની શક્યતા છે. ગઈકાલથી જ અમદાવાદજમાં ઓરેન્ડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે વિવિધ જિલ્લાઓ અને શહેરમાં પણ 42 ડીગ્રી આસપાસ ગરમીનો પારો જોવા મળી શકે છે. ગરમીનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ફરી આગઝરતી ગરમીનો સામનો કરવો પડશે. સૂકા અને ગરમ પવનો મોડી સાંજ સુધી જોવા મળતા હોય છે. ગરમીના પ્રકોપ વચ્ચે એક તરફ બાળકો સાથે તેપરીવારો પણ વોટરપાર્કમાં જઈ રહ્યા છે. રાજ્યમાં તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ઉંચકાઈને 43 થી 44 ડીગ્રી સુધી જઈ શકે છે. લોકોને ગરમીમાં બિન જરુરી બહાર ના નિકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે.

ગરમીના કારણે અમદાવાદમાં લોકો અત્યારે અવનવા નુસકાઓ લોકો અજમાવી રહ્યા છે ત્યારે વધુ ગરમી પડવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોની વાત કરવામાં આવે તો પાટણ, જૂનાગઢ, ભુજ સહીતના વિવિધ શહેરો અને જિલ્લામાં ગરમીની અસર વર્તાશે આ સિવાય રાજકોટ, અમરેલી, સુરત, ભાવનગરમાં પણ ગરમીનો પારો ઉંચકાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here