SPECIAL INTERVIW – વિકાસની વાતો કાગળ પર, 27 વર્ષથી બીજેપી ગુમરાહ કરી રહી છે બીજેપી ને 50 થી વધુ સીટ નહીં મળે…

20 Sep 22 : સરકારે ગૌચર વેચી ખાધા, ઉદ્યોગ પતિઓને જંત્રીના ભાવે આપીને રુપિયા બનાવ્યા અને તેમાંથી ધારાસભ્યો ખરીદાય છે. – કોંગ્રેસ ધારાસભ્ય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીના આ સંગ્રામની અંદર દરેક પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને 2022ની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણીના આગામી સમયમાં યોજાઈ રહેલા જંગ પહેલા બાયડ-માલપુર વિધાનસભા બેઠક, કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલે કેટલાક સવાલોના જવાબો ઈન્ટરવ્યૂ દરમિયાન આપ્યા હતા. ધારાસભ્યએ ઈન્ટરવ્યૂ દરમિયાન રેવડી કલ્ચર, યુવાનોની બેરોજગારીને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત રખડતા પશુઓ મામલે તેમજ આ વખતે પ્રથમ વખત ચૂંટણીનો મુદ્દો ગુજરાતમાં ઉમેરાયો છે ત્યારે શિક્ષણ સહીતના મુદ્દે પણ પેટછૂટી વાત કરી હતી.

આ ઉપરાંત ખાસ કરીને આમ આદમી પાર્ટી એ આ વખતે ત્રીજા પક્ષ તરીકે ઉમેરાયો છે ત્યારે આ વખતે પ્રથમ વખત 182 વિધાનસભાની બેઠકો પર આપ ચૂંટણી લડવા જઈ રહી છે, ત્યારે આપ પાર્ટીના આવવાથી શું ફર્ક પડશે તેને લઈને પણ ધારાસભ્યએ જણાવ્યું હતું. ત્યારે પ્રસ્તુત છે બાયડ-માલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ.

પ્રશ્ન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે ત્યારે તમારા મત વિસ્તારમાં તમારા માટે કેવા પડકારો રહેશે? શું મતોનું ધ્રુવીકરણ થશે?

કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલ – આમ આદમી પાર્ટીને લાવવાવાળી ભાજપ છે. આ તેમની બી ટીમ છે. આપને તેઓ લાવ્યા છે પરંતુ આપ પાર્ટીને તેઓ લાવતા તેઓ લાવી ગયા છે પરંતુ શહેરોની હાલત ખરાબ થઈ રહી છે. આ બધા વચ્ચે મને કોઈ નુકશાન કે બાયડ વિસ્તારમાં કોઈ નુકશાન નહીં થાય. બાયડ વિસ્તારમાં કોંગ્રેસની જ સીટ આવશે.

પ્રશ્ન – રેવડીનો મુદ્દો આ વખતે રાજકીય ક્ષેત્રે ચર્ચામાં છે ત્યારે તમામ ધારાસભ્યોને સરકારી કેટલીક ફ્રી સુવિધા મળી રહી છે, આ મુદ્દાને કઈ દ્રષ્ટીએ જૂઓ છો?

કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલ – રેવડીનો મુદ્દો જ ખોટો છે. ચૂંટવાવાળા પ્રતિનિધીઓ જ્યારે લોકોની સગવડતાની વાત કરતા હોય ત્યારે તેમની ફરજ છે લોકોને સગવડ આપવી જોઈએ. ભૂતકાળમાં કાશ્મીરમાં ટેક્સ જે તે વખતના મુખ્યમંત્રીએ ખૂબ ઘટાડેલો, ટેક્સ ઘટાડ્યા પછી રાજ્યની સુખાકારી માટે સૌથી વધુ નાણાં મેળવ્યા હતા. વડાપ્રધાન કે તેઓ જ્યારે ગુજરાતમાંથી દિલ્હી ગયા એ પહેલા તેમણે 15 લાખ આપવાની વાત કરી હતી એ વાત મોદી સાહેબ ભૂલી ગયા લાગે છે. બીજેપી રેવડીની વાત કરે છે પરંતુ એ આ વાત તેમને કરી હોવાથી તે હવે આ વાત કરે એ યોગ્ય જ નથી.

પ્રશ્ન – ગુજરાતમાં સરકારી આંકડા મુજબ 3.46 લાખ યુવાનો બેરોજગાર છે, સરકારી ભરતીના પેપરો ફૂટ્યા, ત્યારે સરકાર તરફી યુવાનોની નારાજગીને લઈને શું કહેશો?

કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલ – પેપરો ફૂટવાની વાત જ નથી, પેપરો તો અગાઉથી જ નક્કી જ કરેલું છે. ભરતી ના કરવી પડે માટે બીજેપીએ પેપરો ફોડે છે. જે પૈસાનો ઢગલો થાય તેમાં ધારાસભ્યો, સરકાર ખરીદવાનું અને ફતવા કરવાના ઉત્સવ કરવાના કામો થાય છે. વિકાસનો વિચાર એવા મુદ્દાને લઈને સરકારી તંત્રનો ઉપયોગ કરે છે. રાજ્યમાં મને યાદ છે કે, એક એક ઓફિસમાં મંજૂર થયેલું મહેકમ આજે 10 ટકા પણ નથી. આ હાલતમાં પેપર ફોડવાનું, જરુર પડે તો કોર્ટમાં જવાનું, ભરતી નહીં કરવાની તેમજ જે પૈસા બચે તો એસ આરામ, મોટી મિટીંગો કરવાની, જમણવાર આપવા આ બધું જ કામ સરકારી પૈસે થાય છે. જેમને નોકરી કરવી છે તેમને તો કહ્યું છે કે, પકોળા તળો કોઈ ભરતી કરવાની જ નથી.

પ્રશ્ન – તમારા મત વિસ્તારમાં રોડ રસ્તા, રખડતા પશુઓના પ્રશ્નો છે તેને લઈને મતદારો નારાજ છે આ વખતે આ પ્રશ્નો સામે કયા પ્રકારના કામો તમે કરશો?

કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલ – રખડતા ઢોરની વાત કરીએ તો સરકારે ગૌચર વેચી ખાધા, ઉદ્યોગ પતિઓને જંત્રીના ભાવે આપીને રુપિયા બનાવ્યા અને તેમાંથી ધારાસભ્યો ખરીદાય છે. ગૌચર વેચી ખાધા, રખડતા ઢોર રોડ પર આવે તેના માટે બીજેપી સરકાર જવાબદાર છે. જે પશુઓનો ધંધો કરતા ગાય, ભેંસ, ઉંટ રાખતા તેમને ચરાવવાની જગ્યા ના હોવાથી રોડ પર ના છૂટકે આવવું પડી રહ્યું છે. તેઓ ના આવે તો બીજે ક્યાં જાય. જેથી હું તેમને નહીં બીજેપીને જવાબદાર ગણું છું, ગૌચર વેચી દિધા હોય તો છેવટે થાય જ શું ?

પ્રશ્ન – હાલની રાજનિતીમાં રાજ્યમાં પ્રથમ વખત શિક્ષણનો મુદ્દો ઉમેરાયો છે, તમારા વિસ્તારમાં શિક્ષણનું સ્તર કેવું છે, 5 વર્ષમાં તમે કયા કામો કર્યા છે?

કોંગ્રેસ ધારાસભ્ય જશુભાઈ પટેલ – અરવલ્લી જિલ્લામાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રાજ્યના મુખ્યમંત્રીને મેં કાગળ લખ્યો હતો. એક પણ ઓરડો બનાવ્યો નથી. શાળાઓ બંધ કરાવનું કામ કર્યું, મર્જ કરવાનું કામ થયું છે. વિકાસની વાતો કાગળ પર જ છે. શિક્ષણ કે ઉદ્યોગોની વાત હોય તે માત્ર કાગળ પર જ છે. કોઈ કામ કરવાનું નહીં, લોકોને પાછળ ફેરવવાના અને મત લેવાના, જમણવારો, બારેમાસ ઉત્સવો કરે છે. 27 વર્ષથી બીજેપી પ્રજાને ગુમરાહ કરી રહી છે. પ્રજા જાગી ગઈ છે, તેમને પણ ખબર છે કે તેઓ માત્ર જુઠ્ઠાણાં જ ફેલાવે છે. ગડકરી સાહેબે પણ આ મામલે કહ્યું જ છે. સત્તા મેળવવા માટે ગબારા ચલાવ્યા છે. તેમની જે પોલ હતી તે પ્રજાની સામે ખૂલી ગઈ છે. આ વખતે 50થી વધુ ભાજપની સીટો આવવાની નથી નથી ને નથી.