રાજ્યના વોટરપોલો ખેલાડીઓ માટે નડિયાદ નગરપાલિકાનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર

16 Sep 22 : આગામી ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે.

નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પૂલ ૫૨ ચાલી રહેલા કેમ્પમાં ૨૧ ખેલાડીને ભારતીય વોટરપોલો ટીમના પૂર્વ ખેલાડી કોચ મયંક પટેલ, અલ્પેશ પટેલ, સ્નેહલ શાહ સહિતના સઘન તાલીમ આપી રહ્યાં છે.૨૫x૫૦ મીટર નું આ સ્વિમિંગ પૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટેની ક્ષમતા ધરાવે છે. નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પૂલ ની વિશેષતા જણાવતા કોચ શ્રી મયંક પટેલ કહે છે કે ફિલ્ટર પ્લાન્ટ, મસાજ સેન્ટર, હેલ્થ અને ન્યુટ્રીશન ગાઈડન્સ ની સુવિધાઓથી સજ્જ આ સંકુલ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા કટિબદ્ધ છે.

વોટરપોલો રમત ફુટબોલની જેમ રમાતી હોય છે પરંતુ તફાવત એટલી કે આ રમત પાણીમાં રમાય છે. વોટરપોલોમાં બોલથી પ્લેયર ગોલ કરે છે. રમતમાં એક ટીમમાં કુલ ૧૩ ખેલાડીઓ હોય છે જેમાંથી ૭ ખેલાડી રમત રમે છે જ્યારે અન્ય ખેલાડી અવેજ રહે છે. રમતમાં આઠ-આઠ મિનિટના ચાર રાઉન્ડ રમાડવામાં આવે છે અને જે ટીમ વધારે ગોલ કરે ટીમ વિજેતા બને છે.

ઉલ્લેખનીય છે કે ઘરઆંગણે યોજાઇ રહેલી આગામી નેશનલ ગેમ્સમાં વોટરપોલોમાં શાનદાર પ્રદર્શન કરવા ખેલાડીઓએ પણ સઘન પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. આગામી તા.25ના રોજ ગુજરાતના ૧૩ ખેલાડીની વોટરપોલો ટીમ જાહેર કરવામાં આવશે.