સુરતમા જીલ્લા LCBએ ઘડફોર ચોરીને અંજામ આપનાર ટોળકીના બે આરોપી ઓને ઝડપી પાડી

02 Nov 22 : બારડોલી – સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના મળી કુલ ચાર ગુના ઉકેલી કાઢ્યા હતા. પોલીસે ચોર ટોળકીઓ પૈકી બેને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ટેમ્પો, મોટર સાયકલ, મોબાઇલ ફોન અને અન્ય નાની મોટી 70થી વધુ ઇલેક્ટ્રીક ચીજવસ્તુઓ મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા LCBની ટીમ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કૈલાશ મારવાડી નામના ઇસમે તેના સાગરીતો સાથે મળી અલગ અલગ ઇલેક્ટ્રીક સરસામાનની કોઈ જગ્યાએથી ચોરી કરી જે ચોરીનો મુદ્દામાલ એક ટેમ્પોમાં ભરી ટેમ્પોની આગળ તેનો સાગરીત મોટરસાયકલ પર પાયલોટિંગ કરી રહ્યો છે અને તેઓ વલથાણ નહેરથી સુરત શહેર તરફ વેચાણ માટે જઇ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ સુરત શહેર તરફ જવાના કૅનાલ રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની મોટર સયાકલ તથા છોટા હાથી ટેમ્પો આવતા તેને રોકી આરોપીઓની અટક કરી હતી અને ટેમ્પોમાં તપાસ કરતાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ભરેલ હોય તમામ આરોપીઓની સઘન ઊલટ પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા મદનલાલ લહેરીલાલ માલી (રહે બગુમરા, સિલ્વર પોઈન્ટ સોસાયટી, તા. પલસાણા, મૂળ રહે રાજસમંદ, રાજસ્થાન) અને સંતોષ આનંદ હૈયળ (રહે હલધરું ગામ, અયોધ્યા રેસિડેન્સી, મૂળ રહે સુંદરગઢ, ઓડીસા)એ જણાવ્યુ હતું કે આ ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ તેમણે માંગરોળ ખાતેથી અન્ય સ્ગરીતો સાથે ચોરી કરેલ હતો તેમજ ટેમ્પો અને મોટર સાયકલ પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની હદમાંથી ચોરી કરી હતી. પોલીસે મદન અને સંતોષની અટક કરી અન્ય સાગરીતો કૈલાશ લહેરીલાલ માલી (રહે હલધરું, રાજમંદિર સોસાયટી, તા. કામરેજ), કૈલાશ મારવાડી અને શકીલ રહે તાતીથૈયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટેમ્પો કિંમત રૂ 1.25 લાખ, મોટર સાયકલ રૂ. 25 હજાર, બે મોબાઇલ ફોન કિંમત રૂ 10 હજાર તેમજ 70 થી વધુ ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ મળી કુલ 6 લાખ 9 હજાર 91 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે માંગરોળ પોલીસ મથકના બે અને પલસાણા પોલીસ મથકના બે મળી કુલ 4 ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા.

વધુમાં વાંચો… સુરત, પલસાણા ચાર રસ્તા પાસે ગૅસ કટરથી ATM કાપી 17.70 લાખ રૂપિયાની ચોરી

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ કોમ્પલેક્સમાં રાત્રિના 2.10 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં આવેલા તસ્કરોએ માત્ર પાંચ થી સાત મિનિટમાં ગૅસ કટરથી IDBI બેન્કનું ATM મશીન કાપી અંદરથી 17.70 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે.

દિવાળીના તહેવારો બાદ હજી રજાનો માહોલ પૂર્ણ થયો નથી. ત્યાં તો તસ્કરોએ પલસાણા ચાર રસ્તા વિસ્તારમાં આવેલા IDBI બેન્કના ATM મશીનને નિશાન બનાવ્યું છે. તસ્કરો ગૅસ કટરથી મશીન કાપી અંદરથી 17.70 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે સ્થળ પરથી મળતી માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા પર કેસરીનંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં પહેલા માળે IDBI બેન્કની શાખા આવેલી છે અને નીચે જ ATM મશીન આવેલું છે. આ મશીનમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી. બુધવારે મળસ્કે સવા બે વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં ચારથી પાંચ તસ્કરો બે ગૅસ કટર મશીન લઈને IDBI બેન્કના એટીએમમાંપ પ્રવેશે છે અને ગણતરીની મિનિટોમાં ATM મશીન ગૅસ કટર વડે કાપી તેમાંથી 17.70 લાખ રૂપિયા રોકડા ચોરી કરી નાસી છૂટે છે. અંદાજિત 5 થી 7 મિનિટની અંદર સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને મોટી રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

વહેલી સવારે કોમ્પ્લેક્સમાં લોકોની અવરજવર વધતાં ચોરીની ઘટનાની જાણ થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પલસાણા પોલીસ તેમજ જિલ્લા LCB અને SOGની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી . આ અંગે બેન્ક મેનેજરની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાય હોવાનું જાણવા મળે છે. ચોરીનું ગૅસ સિલિન્ડર સ્થળ પર જ મૂકી ગયા – પલસાણા ચાર રસ્તા પાસે આવેલા IDBI બેન્કના ATM મશીનમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ગૅસ કટરનો ઉપયોગ કર્યો હતો. તેમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે લાવેલ એક કોમર્શિયલ ગૅસ સિલિન્ડર સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. આ ગૅસ સિલિન્ડર નવસારી વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા વારંવાર નોટિસ છતાં બેન્કો સિક્યુરિટીની વ્યવસ્થા કરતી નથી – પોલીસની વારંવારની લેખિત નોટિસ અને મિટિંગ કરી બેન્ક મેનેજરોને જાણ કરવામાં આવી હોવા છતાં ATM મશીન અને બેન્કોની સિક્યુરિટી માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેને લઈ આ પ્રકરાની ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ બેન્ક ઉપર રાખવામાં આવેલા ગાર્ડને છેલ્લા દોઢ મહિનાથી ખસેડી લેવામાં આવ્યો છે. પરિણામે ચાર રસ્તા પર ભરચક વિસ્તાર માં રાત્રિ દરમ્યાન ચોરીની ઘટના બની હતી.

તસ્કરો રીઢા હોવાનું અનુમાન – પોલીસની પ્રાથમિક તપાસમાં અને ચોરીની ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતાં તસ્કરો રીઢા હોવાનું જણાઈ આવ્યું છે. જે રીતે માત્ર પાંચથી સાત મિનિટ માં ATM મશીન કાપી ચોરી કરી ગયા તે જોતાં પ્રોફેશનલ ગેંગ ફરી સક્રિય થઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પ્રાથમિક તબક્કે પોલીસ પણ CCTV ફૂટેજના આધારે તપાસ કરી આ જ દિશામાં વર્ક આઉટ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here