
11 May 23 : રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાથી મોત થયાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સુરતમાં એક જ દિવસમાં બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 27 વર્ષના યુવાન અને 46 વર્ષની મહિલાનું હૃદય અચાનક ધબકતું બંધ થતા બંનેના મૃત્યુ થયા છે.
મળતી માહિતી મુજબ, સુરતના સચિન કનકપુર વિસ્તારમાં 46 વર્ષીય નેના રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. સોસાયટીમાં એક લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં હાજરી આપ્યા બાદ નેનાબેન ઘર પરત આવ્યા હતા અને ટીવી જોઈ રહ્યા હતા. દરમિયાન નેનાબેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ ઢળી પડ્યા હતા. આથી પરિજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. નેનાબેનની અચાનક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. અન્ય એક ઘટનામાં 27 વર્ષીય વિકાસ લાખલાલ બહેન અને બનેવી સાથે સચિન વિસ્તારમાંથી જ રહેતો હતો. વિકાસ ટેક્સટાઇલના વ્યવસાય સાથે જોડાયેલો હતો. ગત રાતે વિકાસને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને પેટમાં દુ:ખાવો પણ થયો હતો. આથી પરિવારજનો વિકાસને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ફરજ પરના ડોક્ટરે વિકાસને મૃત જાહેર કર્યો હતો. પરિજનોનું કહેવું છે કે વિકાસ એકદમ સ્વસ્થ હતો. રાતે અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલ લઈ આવ્યા હતા. હાલ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં વાંચો… સુરતમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ વિસ્તારમાં સગીર, બે મહિલા સહિત કુલ ચારના આપઘાત, કોઈએ એસિડ પીધું તો કોઈએ ફાંસો ખાદ્યો
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના 4 અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. શહેરનાં ઉના, વેસુ, રાંદેર અને અલથાણ-ભીમરાડ રોડ વિસ્તારમાં સગીર, બે મહિલા સહિત કુલ ચાર લોકો એ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. આ મામલે જે તે વિસ્તારની પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના-1 : સુરતના અલથાણ-ભીમરાડ રોડ સ્થિત ઇકો પોઇન્ટમાં મૂળ હરિયાણાના 56 વર્ષીય પૂનમચંદ્ર રાઠી પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન સવારે પૂનમચંદ્ર મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે ભગવાન મહાવીર કોલેજ નજીક પૂનમચંદ્રે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે.
ઘટના-2 : સુરતના ઉના વિસ્તારમાં નાકા ખાતે ગેસ વેલ્ડિંગનું કામ કરતા 17 વર્ષીય સગીરે રાતના સમયે ઘરમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બીજા દિવસે જ્યારે મૃતકના ભાઈને આ મામલે જાણ થઈ તો શવને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે આપઘાત પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી.
ઘટના-3 : શહેરના વેસુ વિસ્તારમાં આવેલી સ્વાગત ક્લિપટોનમાં 75 વર્ષીય ગીતાદેવી કાનોડિયા પરિવાર સાથે રહે છે. ગીતાદેવીએ ઘરના બીજા માળેથી ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. ગીતાદેવીને સારવાર અર્થે સિવિલ લઈ જવાયા હતા. જ્યારે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, ગીતાદેવી ઘણા સમયથી બીમાર હોવાની સાથે ચાલવામાં પણ તકલીફ અનુભવતા હોવાથી કંટાળીને આ પગલું ભરી હોવાનું મનાઈ રહ્યું છે.
ઘટના-4 : સુરતના રાંદેરમાં આવેલા તુલસી ભવન એપાર્ટમેન્ટમાં કૈલાસબેન પટેલ (ઉં.વ. 63)એ રહે છે. દરમિયાન કૈલાસબેને અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જો કે, તેમની આત્મહત્યા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. આમ, શહેરમાં અલગ-અલગ 4 બનાવમાં નાગરિકોએ આપઘાત કરી જીવનલીલા સંકેલી લીધી હતી.
વધુમાં વાંચો…અમદાવાદમાં ગરમીના કારણે હીટવેવના કેસો વધતા સોલા સિવિલમાં શરુ થયો વોર્ડ
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીની સિઝનમાં હીટવેવ અને સ્ટ્રોકના પ્રમાણ વધતા સ્પેશિયલ વોર્ડ સોલા સિવિલ હોસ્પિટલમાં શરુ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. દરેક પ્રકારની વ્યવસ્થા ત્યાં વોર્ડમાં કરવામાં આવી રહી છે. આકાશી અગ્નિ વર્ષાની જેમ ગરમી પડી રહી છે ત્યારે 108ને પણ ગરમીના કારણે પેટની તકલીફો, હીટવેવના કારણ થતી મુશ્કેલીઓ સહીતના બનાવો બની રહ્યા છે ત્યારે આ તકેદારીના ભાગરુપે સોલા સિવિલ હોસ્પિટલમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. આકરા તાપના લીધે હીટવેવ અને સ્ટ્રોકના બનાવોના કારણે પ્રશાસને સતર્કના ભાગરુપે આ વોર્ડ શરુ કર્યો છે. તમામ સુવિધાઓથી સજ્જ આ વોર્ડ છે. અમદાવાદમાં બે દિવસ માટે ઓરેન્જ અને ત્યાર બાદ યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં પણ ગરમી વધી શકે છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ચાળાને જોતા કેટલાક કેસો સામે આવી રહ્યા છે. કમળો, ટાઈફોઈડ, મેલેરીયા સહીતના મચ્છરજન્ય કેસો પણ એક સપ્તાહમાં કેટલાક સામે આવ્યા હતા.
રોગચાળાના એક સપ્તાહમાં નોંધાયા કેસો : કમળાના – 25 , સાદામેલેરીયાના – 9 , ટાઈફોઈડના – 43
વધુમાં વાંચો… મંગળવારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ છે. ઇમરાનના સમર્થકોએ દેશના અનેક શહેરોમાં જબરદસ્ત તોડફોડ અને આગચંપી કરી છે અને સેના પણ તેમના રોષથી બચી શકી નથી

મંગળવારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ છે. ઇમરાનના સમર્થકોએ દેશના અનેક શહેરોમાં જબરદસ્ત તોડફોડ અને આગચંપી કરી છે અને સેના પણ તેમના રોષથી બચી શકી નથી. દરમિયાન, પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બુધવારે સેના તૈનાત કરી છે. બેઠક બાદ વડાપ્રધાન શહેબાઝ શરીફે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો એમ્બ્યુલન્સને પણ નથી છોડી રહ્યા.
ઇમરાન 8 દિવસના પોલીસ રિમાન્ડમાં. અગાઉ, પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે, બુધવારે એક વિશેષ અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાનને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના આઠ દિવસ ના રિમાન્ડ પર મોકલ્યો હતો, જ્યારે સેશન્સ કોર્ટે તેના પર ભ્રષ્ટાચારના એક અલગ કેસમાં આરોપ મૂક્યો હતો. રાષ્ટ્રને સંબોધનમાં, વડા પ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું હતું કે ઇમરાનના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસાએ “સંવેદનશીલ જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું”, જેને કારણે તેમને રાજધાની ઇસ્લામાબાદ, પંજાબના ગીચ વસ્તી વાળા પ્રાંત અને ઉત્તર પશ્ચિમમાં સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને તૈનાત કરવી પડી રહી છે. હિંસાની ઘટનાઓમાં 6 લોકોના મોત. જણાવી દઈએ કે મંગળવારે ઇમરાનની ધરપકડ બાદ તેના સમર્થકોએ ઇસ્લામાબાદ અને અન્ય મોટા શહેરોમાં રસ્તા રોક્યા, પોલીસ સાથે અથડામણ કરી અને પોલીસ ચેકપોસ્ટ અને સૈન્ય સ્થાપનોને આગ લગાવી દીધી. આ ઘટનાઓમાં છ લોકોના મોત થયા અને સેંકડોની ધરપકડ કરવામાં આવી. વડાપ્રધાન શહેબાઝ શરીફે કેબિનેટની બેઠક બાદ કહ્યું, “પાકિસ્તાનના લોકોએ આ પહેલા ક્યારેય આવા દ્રશ્યો જોયા નથી. દર્દીઓને પણ એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેને પણ આગ ચાંપી દેવામાં આવી.”
સેનાએ ઇમરાન સમર્થકોને ચેતવણી આપી : શહેબાઝ શરીફે પ્રદર્શનકારીઓને ચેતવણી આપી કે જો તેઓ શાંતિ નહીં રાખે તો તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, પાકિસ્તાની સેનાએ પણ પોતાના સ્થાનો પર હુમલાને લઈને પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સમર્થકોનેને ‘તાડબાતોડ જવાબ’ આપવાની ચેતવણી પણ આપી અને કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત, સેનાએ 9 મેના રોજ તેના સ્થાનો પરના હુમલાને દેશના ઈતિહાસમાં એક કાળો અધ્યાય ગણાવ્યો હતો. ત્યારે બીજી તરફ, ઇમરાન સમર્થકો ચેતવણીઓ છતાં પીછેહઠ કરવાના મૂડમાં નથી અને જોરશોરથી વિરોધ કરવાનું ચાલુ રાખી રહ્યા છે.