
06 March 23 : વિકાસના પથ ઉપર અગ્રેસર રહેવાની નેમ સાથે કામ કરતી સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન ક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે ગઈકાલે આશરે રૂપિયા ૮૯ કરોડના ખર્ચે ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા સિકસ લેન ઓવરબ્રિજનું ઉદઘાટન કરીને લોકાર્પિત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિધિ વત શ્રીફળ વધેરીને તકતીનું અનાવરણ કરીને બ્રિજને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રીશ્રીને ગોંડલ ચોકડી બ્રિજની કામગીરી અંગેની વિગતો આપી હતી.
ઉલ્લેનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત આ ૧.૨૦ કિલોમીટર લાંબા સિકસ લેન ઓવરબ્રિજને કારણે રાજકોટ – જેતપુર – ગોંડલ સહિત અમદાવાદ, પોરબંદર અને સોમનાથની મુસાફરી વધુ સુગમ બનશે. સિંગલ પિયર પર સિક્સ લેન એલિવેટેડ આ ફ્લાયઓવર બંને બાજુઓ પર કેન્ટીલીવર પોરિયન પ્રીકાસ્ટ RCC પર આધારિત છે. આ ફ્લાયઓવરના નિર્માણથી ભારે ટ્રાફિકની સમસ્યા હળવી થવા સાથે મુસાફરી ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે. આગામી સમયમાં ફ્લાયઓવરની નીચે લેન્ડસ્કેપીંગ ની કામગીરી પણ કરવામાં આવશે. છોડ અને ફૂલોની વચ્ચે સરળતાથી હરી ફરી શકાય તેવી સુવિધા સાથે અત્યાધુનિક કોંક્રિટ સ્ટ્રકચર સાથે નૈસર્ગિક સૌંદર્યના સમન્વય સાથેનું સુંદર દૃશ્ય ઊભું કરશે.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી સર્વેશ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ સર્વેશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, મેયર શ્રી પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીશ્રી કમલેશ મીરાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પોલીસ કમિશનર શ્રી રાજૂ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અમીત અરોરા, પી.જી.વી.સી.એલ.એમ.ડી શ્રી વરુણ કુમાર બરનવાલ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક અધિકારીશ્રી એન. એન. ગિરી, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય યાદવ, પ્રાંત અધિકારશ્રી સંદીપ વર્મા તેમજ શ્રી સૂરજ સુથાર તેમજ બ્રિજ નિર્માણ સાથે જોડાયેલા સંબંધિત મુખ્ય અધિકારીશ્રીઓ અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતાં.
વધુમાં વાંચો… ૧૨૮૨ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૩.૫ કરોડની રકમની લોનનું વિતરણ કરાયું
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ પોલીસ વિભાગ દ્વારા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નાગરિકો માટે લોન વિતરણ મેળો યોજાયો હતો. જે અંતર્ગત ૧૨૮૨ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૩.૫ કરોડની રકમની લોનનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોલીસની સામાજિક ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, રાજ્યના સામાન્ય નાગરિકોને વ્યાજના ચક્રમાંથી બહાર કાઢવા માટે ઝુંબેશ સ્વરૂપે લોન મેળાનું આયોજન કરી સામાજિક દાયિત્વ નિભાવ્યું છે,જે બદલ સમગ્ર પોલીસ વિભાગ અભિનંદનના અધિકારી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સામાન્ય માણસને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના આયોજનની વિભાવના સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સામાન્ય માણસને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનું વડાપ્રધાનશ્રી મોદીનું સ્વપ્ન રાજકોટ પોલીસે ચરિતાર્થ કર્યું છે. વિકાસની રાજનીતિમાં જન સંવેદનાને સાંકળીને સામાન્ય માણસ આર્થિક શોષણનો ભોગ ન બને તેનું ધ્યાન પણ વડાપ્રધાનશ્રીએ રાખ્યું છે તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું અને આ સંદર્ભમાં રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓ ની ટૂંકી રૂપરેખા પણ મુખ્યમંત્રીશ્રીએ રજૂ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈએ પોલીસ કર્મચારીઓની કાર્યદક્ષતાની સરાહના કરતા જણાવ્યું હતું કે આજે યોજાયેલા લોન વિતરણ મેળાથી સામાન્ય માણસમાં પોલીસની છાપ ઉજળી બની છે, અને સામાન્ય પ્રજા પોલીસને પોતાનો મિત્ર માનતી થઈ છે. પી એમ. સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી મોદીનો સામાન્ય નાગરિકો પ્રત્યેની પ્રતિબધ્ધતા નો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે નાના માણસો માટે કોરોના કાળમાં સરકારે કોઈ પણ ગેરંટી વગરની લોન આપીને દેશના આર્થિક વિકાસની ગતિ જાળવી રાખી છે. આર્થિક ભીંસના કારણે નાણાંની તંગી અનુભવતા લોકોને પી.એમ.સ્વનિધિ યોજના થકી મોટી રાહત મળી છે, તેમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ યોજનાનો લાભ લઇ વિકાસની રાહમાં અગ્રેસર થવા રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિતોના હસ્તે લોન મેળાના ૧૦ લાભાર્થીઓને ગોલ્ડ, હાઉસિંગ, પી.એમ.સ્વનિધિ, મુદ્રા, એગ્રીકલ્ચર, પર્સનલ વગેરે લોનનું પ્રતિક વિતરણ કરવામાં આવ્યું હતું. સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને તેમણે ગુમાવેલ રોકડ રકમ તથા મોબાઈલ ગુમાવનાર નાગરિકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમના મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા.