ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ,વાજતે ગાજતે થયેલ આપ – બીટીપી નું ગઠબંધન તૂટ્યું.

12 Sep 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિવિધરાજકીય પક્ષોના દાવપેચ શરૂ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ વર્તમાન સમયમાં જામતી જોવા મળી રહી છે,ભરૂચ જિલ્લામાં પણ આદિવાસી ઓના મસીહા કહેવાતા છોટુ વસાવા ની પાર્ટી બીટીપી પાર્ટી લોકો વચ્ચે યેનકેન પ્રકારે ચૂંટણીઓ ટાણે ચર્ચાનું કેન્દ્ર બનતી આવી છે,અત્યાર સુધી બીટીપી એ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે ગઠબંધન કરી પોતાની રાજકીય ઇનિંગ ચાલુ રાખી છે,તેવા માં આજે વહેતા થયેલ આપ અને બીટીપી વચ્ચેની ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચારોએ રાજકીય ક્ષેત્રે વધુ એક વાર ભૂકંપ સર્જ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વાજતે ગાજતે વાલિયા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું ગઠબંધન કરનાર છોટુ વસાવા નું આજે એક ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું હતું,જેમાં તેઓએ આપ સાથે ગઠબંધન તોડ્યું હોવાના સ્પષ્ટ સંદેશ આપતા રાજકીય માહોલ વધુ એક વાર ગરમાયો છે, બીટીપી ના સંયોજક છોટુ વસાવાએ અચાનક એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે ટોપીઓ વાળા આપના લોકો દેખાતા નથી,વધુ માં તેઓએ જણાવ્યું હતું કે આપ ના નેતાઓ બીટીપી નું કહેલું માનતા નથી,એટલા માટે તેઓએ હવે ગઠબંધન તોડ્યું છે,તે પ્રકારના નિવેદનો ઝઘડિયા બીટીપી ના ધારાસભ્ય છોટુ વસાવા ના સામે આવતા જ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે અને વધુ એક વાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે બીટીપી કોની સાથે ગઠબંધન કરશે કે પછી એકલા હાથે ચૂંટણીના મેદાન માં ઝંપલાવશે તેવી અનેક અટકળો રાજકીય પંડિતો માં ચર્ચાનું કેન્દ્ર બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળ માં કોંગ્રેસ સાથે ગઠબંધન માં રહી ચૂકેલ બીટીપી પાર્ટીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી થોડા સમય અગાઉ એમ.આઈ.એક સાથે ગઠબંધન કર્યું હતું જોકે તે ગઠબંધન નો પણ બીટીપી ને જોઈએ તેવો ફાયદો થયો ન હતો જે બાદ આખરે બીટીપી એ આપ સાથે ગઠબંધન કરી વાલિયા નજીક વિશાળ સંમેલન યોજી ભાજપ,કોંગ્રેસ ને આડે હાથ લીધી હતી,ત્યારે હવે છોટુ વસાવાએ ઝાડું ને ટાટા બાય બાય કરતા વધુ એક વાર કોંગ્રેસ સાથે બીટીપી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગઠબંધન કરશે તેવી અટકળો આપ સામે થયેલ બીટીપી ની દુરીઓ બાદ થી લોકો વચ્ચે વહેતી થઇ છે,જોકે રાજકારણ માં કંઈ જ વહેલું કહેવું મુશ્કેલ છે તેમ પણ લોકો માની રહ્યા છે,