05 Sep 22 : અમદાવાદમાં છાસવારે ક્રાઈમને લગતી ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદ રીવરફ્રન્ટ પર ગળુ કપાયેલી હાલતમાં  યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગળુ કપાયેલી હાલતમાં લાશ મળતા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જેમાં વિગતો મેળવી પોલીસ દ્વારા આ ગંભીર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર માર્ચ 2022માં વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોલીસ દ્વારા પરીવારજનો ઉપરાંત સાસરીયાઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તાજેતરમાં જ લગ્ન થયા હતા. ગેરેજમાં આ યુવક કામ કરતો હતો.

ગઈકાલે હિતેશ ગુમ થઈ ગયો હતો ત્યારે આજે તેની લાશ મળી હતી. જેને લઈને અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.  આ હાલતમાં લાશ મળતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર બની રહી છે ત્યારે આ ઘટનામાં પણ પગેરું શોધવાનો પ્રયત્ન કરાશે. ત્યારે યુવકની ગઈ કાલે કોની સાથે વાત થઈ હતી, કોને મળ્યો હતો એ તમામ બાબતોને લઈને પણ પૂછપરછ કરવામાં આવશે.

  • જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોને લઇને કર્મચારી સંઘે મહારેલી યોજી

05 Sep 22 : પોરબંદર સહિત ગુજરાતભરના કર્મચારી મંડળોમાં જૂની પેન્શન યોજનાને લઇ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં બાઇકરેલી તેમજ શિક્ષકોની બેઠક બાદ જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને પત્ર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરવામાં આવી.

રાજ્યના વિવિધ વિભાગોના કર્મચારી મંડળમાં સરકાર વિરૂદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. જુના પડતર પ્રશ્નોનું અવાર નવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા અંતે કર્મચારીઓએ રાજ્યભરમાં દેખાવ કરી આવેદનપત્ર પાઠવ્યા હતા. પોરબંદર શહેરમાં શનિવારે ગુજરાત રાજ્ય પંચાયત કર્મ ચારી મહાસંઘ દ્વારા ચોપાટી ખાતેથી જિલ્લા સેવા સદન-૧ સુધી વિશાળ બાઇક રેલી યોજી હતી તો બીજી તરફ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા પોરબંદર દ્વારા સેવા સદન-૧ નજીક આશ્રમમાં બેઠક યોજી હતી. જ્યાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા. ચોપાટી ખાતેથી બાઇક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં કર્મચારી મંડળના સભ્યો અને અન્ય લોકો જોડાયા હતા.

કર્મચારીઓની વિવિધ માંગણીઓ સરકારે સ્વીકાર નહીં કરતા અંતે કર્મચારીઓએ આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવમાં આવી રહ્યું છે. કર્મચારી ઓની વિવિધ માંગણીઓ છે જેમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે, ૭માં પગારપંચની બાકી ભથ્થા તા.૧-૧-ર૦૧૬ની અસરથી લાગુ કરવા માં આવે, રહેમરાહે નિમાયેલા કર્મચારીઓની નોકરી મુળ નિમણુંક તારીખથી તમામ હેતુ માટે સળંગ કરવી, રૂા.૧૦ લાખની મર્યાદામાં કેસલેસ મેડિકલ કેમ્પની મર્યાદા આપવી, વર્ગ-૩ અને વર્ગ-૪માં આઉટ સોર્સિંગ પ્રથમાં થતુ સોશણ દુર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતા ના ધોરણે નિયમિત કરવા,૩૦મી જૂને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફા સહિત પેન્શનનો લાભ આપવો,વગેરે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળે માંગ કરી છે.

ઉપરાંત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા પોરબંદર જિલ્લા દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જૂની પેન્શન યોજના, ૭મા પગારપંચના ભથ્થા તેમજ એચ.ટી.એ.ટી. મુખ્ય શિક્ષકોના પ્રશ્નો બાબતે રજૂઆત કરાઇ છે. મોટી સંખ્યામાં કર્મચારી મંડળના લોકો સરકાર વિરૂદ્ધ મહારેલીમાં જોડાયા હતા. જો પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.