ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા : ઘટનાની CCTV ફૂટેજ વાયરલ

22 AUG 22 : રાજકોટમાં રહેતા ૩૦ વર્ષીય પરપ્રાંતિએ ટ્રક નીચે આવી કરી આત્મહત્યા. આ બનાવમાં CCTV ફૂટેજ વાઇરલ થતાં પોલીસે આત્મહત્યા કરનાર પરપ્રાંતિય યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ પાસે ચાલુ ટ્રક નીચે પડતું મૂકી નીલમ નામના ૩૦ વર્ષીય પરપ્રાંતીય યુવાને આપઘાત કાર્યો હોવાનું સામે આવ્યું છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પરિવાર માટેની શોધખોળ હાથ ધરી છે.

ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. જે ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું CCTV ફુટેજના આધારે બહાર આવ્યું હતું. બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

  • રાજકોટમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ૯૫૦૦થી વધુ ફોર્મ ભરાયા

22 Aug 22 : ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૧૨-૦૮-૨૦૨૨ થી તા. ૧૧-૦૯-૨૦૨૨ સુધી જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ગઈકાલ તા. ૨૧ ઓગસ્ટને રવિવારના રોજ કુલ ૨૨૫૩ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં મતદાર યાદીમાં નવા નામની નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક માટે ખાસ ઝુંબેશ યોજાઈ હતી.

આ ઝુંબેશ હેઠળ રાજકોટ શહેરના ત્રણ ઝોન અને રાજકોટ ગ્રામ્ય ઉપરાંત જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી તાલુકા ખાતે મતદારો દ્વારા કુલ ૯૬૫૦ જેટલી અરજી કરવામાં આવી હતી.

આ ખાસ ઝુંબેશ હેઠળ ૨૧ ઓગસ્ટની સ્થિતિએ ફોર્મ નં.૬,ફોર્મ નં.૬(ખ) ફોર્મ નં.૭ ,ફોર્મ નં. ૮ની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ગઈકાલ રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસે ફોર્મ નં. ૬માં ૩૬૦૮, ફોર્મ નં. ૬ (ખ)માં ૨૮૫૩, ફોર્મ નં. ૭માં ૭૭૩ અને ફોર્મ નં. ૮માં કુલ ૨૪૧૬ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. વધુમાં ફિઝીકલ મળેલ ફોર્મ પૈકી ઓનલાઈન એન્ટ્રી કરેલાં ફોર્મની સંખ્યા ફોર્મ નં. ૬માં ૧૯૭૨, ફોર્મ નં. ૬ (ખ)માં ૧૯૫૧, ફોર્મ નં. ૭માં ૪૨૫ અને ફોર્મ નં. ૮માં ૯૩૯ સમાવિષ્ટ છે. આમ કુલ ૯૬૫૦ જેટલાં વિવિધ શ્રેણીનાં ફોર્મ ભરાયા હતા. જેનો મતદારો તરફથી પણ ખુબ સારો મળ્યો હતો તેમ અધિક જિલ્લા ચુંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું હતું.

આ સમગ્ર ઝુંબેશ સફળ રહે તે માટે કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી સંદીપ વર્મા, ઈ.આર.ઓ., એ.ઈ.આર.ઓ. વિવિધ મતદાન મથકે ઉપસ્થિત રહ્યા હતા.