રાજકોટમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારની જાહેરાત થતા જ જે વિવાદ ઉઠ્યો હતો તે હવે સમેટાયો !

રાજકોટમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારની જાહેરાત થતા જ જે વિવાદ ઉઠ્યો હતો તે હવે સમેટાઈ ગયો છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉપર સવાલો ઉઠાવનાર ડો. પુરુષોત્તમ પીપરિયા હવે કોઈ નિવેદનો નવી આપે તેવું તેઓએ જાહેર કર્યું છે. આયોજકો યોગીન છનિયારા સહિતના સાથે યોજાયેલ બેઠકમાં આ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.હિન્દુ રાષ્ટ્ર ના અભિયાનના નારા લગાવતા સનાતન ધર્મના પ્રચારક બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર ને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દિવ્ય દરબાર તા.1 અને 2 જૂનના રોજ રેસકોર્ષ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમની જાહેરાત થતા રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું હતું. પુરુષોત્તમ પીપળીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી હતી. જેમાં પુરુષોત્તમ પીપળીયાએ લખ્યું હતું કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે? પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તાંત્રિક બાબા વાઘેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું હતું કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટ માં લખ્યું હતું કે, બીલીવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠિઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો! આ વિવાદ બાદ ડો. પુરુષોત્તમ પીપરિયાની આયોજકો યોગીન છનિયારા અને ભરતભાઇ દોશી સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ જાહેર કરાયુ છે કે રાજકોટના ડો.પુરૂષોત્તમ પીપરીયા પોતે સનાતન ધર્મના ચુસ્ત હિમાયતી છે. ચુસ્ત સનાતની છે. ભગવાન શિવજીનું મંદિર રાજકોટમાં સંપૂર્ણ સ્વખર્ચે બાંધેલ છે. બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે અંધશ્રદ્ધાને આવરી લઈ તેમણે ફેસબુક ઉપર પોતાના મંતવ્યો મૂકયા હતા. આ બાબતે રાજકોટ મુકામે બાગેશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરનાર આયોજક કમીટી તરફથી અમે ડો. પીપરીયા ચુસ્ત સનાતની છે. તે બાબતને હૃદયથી આવકારીએ છીએ.અંધશ્રદ્ધા અંગેના જે મુદ્દો ડો. પીપરીયાએ ઉઠાવ્યો છે તે અંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાગેશ્વર ધામ સરકારના મુખ્ય ટ્રસ્ટીઓ, સંયોજકોનું ધ્યાન દોર્યુ છે. આથી અમો આ 1-2 જૂનના કાર્યક્રમની આયોજક સમિતિના સભ્યો, હોદ્દેદારો ડો. પુરૂષોત્તમ પીપરીયાને આ મુદ્દો ટ્રસ્ટના, આયોજકોના સક્રિય વિચારણા હેઠળ હોઈ, હવે આ પ્રશ્ન અહિં પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. ડો. પીપરીયા પણ આ બાબતથી સંતુષ્ટ છે અને હાલ તુર્ત કોઈ નિવેદન કરતા નથી તેવું જાહેર કરેલ છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી પહેલી જૂન તેમજ બીજી જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે.

વધુમાં વાંચો… ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે રાજકોટમાં રૂ. ૨૫૪૫.૨૨ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨૦ પોલીસ આવાસોનું લોકાર્પણ
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ગઈકાલે તા.19 મી મેં ના રોજ રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે રૂ. ૨૫૪૫.૨૨ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨૦ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ લાભાર્થી પરિવારોને સુવિધાસભર આવાસોની ચાવી સોંપીને પ્રગતિની શુભકામના પાઠવી હતી. આ તકે ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ‘‘આ ઘરને સરકારનું નહિ પરંતુ તમારું પોતાનું સમજજો. અને આ ઘરમાં આપ ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામના પાઠવું છું.’’
શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે મંત્રીશ્રીને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. મંત્રીશ્રી સંઘવીએ ‘‘સી’’ તથા ‘‘બી’’ શ્રેણીના મકાનોનું લોકાર્પણ કર્યું હતું અને આવાસોમાં જઈને સુવિધા ઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ તકે રાજકોટ શહેરના મેયરશ્રી પ્રદીપ ડવ,સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા,ધારાસભ્યો સર્વશ્રી ઉદય કાનગડ,શ્રી દર્શિતાબેન શાહ,શ્રી રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કર પટેલ, રાજકોટ કલેક્ટરશ્રી પ્રભવ જોશી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસ, ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી.શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશ મીરાણી, અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આવાસોના લોકાર્પણ બાદ મંત્રીશ્રી સંઘવીએ પોલીસ મુખ્ય મથકના સમગ્ર પરિસરની મુલાકાત લઈને પોલીસ સ્ટાફને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ક્રિકેટ ગ્રાઉન્ડ નિહાળ્યા બાદ મંદિર ખાતે દર્શન કર્યા હતા, પરિસરમાં પોલીસ સ્ટાફ તેમજ પરિવાર માટેના જીમ્નેશિયમ તેમજ પોલીસ કેન્ટીનની પણ તેમણે મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા શહેર પોલીસના મુખ્ય મથક ખાતે ૯૧.૮૬ ચોરસ મીટરના ‘‘સી’’ કક્ષાના ૪૦ આવાસો તથા ૭૮.૮૫૫ ચોરસ મીટરના ‘‘બી’’ કક્ષાના ૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અંગે પોલીસ આવાસના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ.જી. પાનસુરીયાએ જણાવ્યું હતું કે, બે બેડરૂમ ફર્નિચર સાથે, ડ્રોઈંગ રૂમ, બાલ્કની અને કિચન ફર્નિચર સાથેના આ સુવિધાયુક્ત આવાસોના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, અદ્યતન ટાઇલ્સ, આંતરિક પ્લાસ્ટિક પેઇન્ટ તથા બાહ્ય વેધર પ્રૂફ એક્રેલિક ઈમલ્સન પેઇન્ટ સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ આવાસોમાં લાઈટિંગ, એટેચ ટોઇલેટ બાથરૂમ, અદ્યતન ડોર, સ્લાઇડર વિંડોમાં મચ્છર જાળી સહિતની સુવિધા છે. ‘‘સી’’ કક્ષાના આવાસોમાં કુલ ૨૯ કાર પાર્કિંગ જ્યારે ‘‘બી’’ કક્ષાના આવાસોમાં ૨૫ કાર પાર્કિંગની સુવિધા છે. ઉપરાંત ગાર્ડનમાં લોન, બાળકો માટે રમતગમતનાં સાધનો તથા જીમ ઇક્વિપ મેન્ટ એરીયાની સુવિધા તેમજ મકાનોની ચારે બાજુ પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે.

વધુમાં વાંચો… ‘આંતરરાષ્ટ્રિય મ્યુઝિયમ દિને’ વોટસન મ્યુઝિયમમાં ૨૦ મે સુધી ચાલનારા મહાન હસ્તીઓના ઓટોગ્રાફનું પ્રદર્શન
‘આંતરરાષ્ટ્રિય મ્યુઝિયમ દિને’ વોટસન મ્યુઝિયમ, રાજકોટ દ્વારા તા. ૨૦ મે ૨૦૨૩ સુધી ચાલનારા રાજકોટના યુવા સંગ્રાહક શ્રી રક્ષિત પાંભરના વિશ્વ વિખ્યાત હસ્તીઓના ઓટોગ્રાફના – ‘મહાનુભાવોના ભાવભર્યા હસ્તાક્ષર’નું પ્રદર્શન અને કલર થેરાપી આધારિત પેપર આર્ટનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ બંને કાર્યક્રમોનો શુભારંભ પ્રાદેશિક માહિતી કચેરી ના નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષીના દિપપ્રાગ્યટય થકી થયો હતો.
આ તકે નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષીએ કહયું હતું કે, ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસારૂપ નમુનાના સંરક્ષણ પ્રત્યે સભાનતા કેળવાય અને કલા પ્રવૃતિમાં રસ ઉત્પન્ન થાય એ હેતુથી મ્યુઝિયમ દિનની ઉજવણીરૂપે આ શૈક્ષણિક, સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. સોશિયલ મીડિયાના આ સમયમાં બાળકો મોબાઇલથી દૂર રહે અને શારીરિક તથા રચનાત્મક પ્રવૃતિ કરે તે ઉદેશથી મ્યુઝિયમ દ્વારા આયોજિત કરાયેલા આ વર્ક શોપને સારો એવો પ્રતિસાદ બાળકો ને તેમના વાલીઓ તરફથી મળ્યો છે,જે સરાહનીય છે. રાજકોટના જ ધો.૧૨ના વિદ્યાર્થી અને યુવા કલાકાર – હિરલ રાઠોડના નિદર્શનમાં બાળકો-વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા કેળવાય, માનસિક સ્વાસ્થ્ય સારુ રહે તેવા કલર થેરેપી આધારીત પેપર આર્ટના વર્કશોપ યોજાયો હતો, જેમાં ધો ૧૨ સુધીના ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વોટસન મ્યુઝિયમના કયુરેટરશ્રી સંગીતા એન.રામાનુજે પેપર આર્ટ વર્કશોપ સંદર્ભે જણાવ્યુ હતું કે, થોડા સમય પહેલા અમારા મ્યુઝિયમની મુલાકાતે લાલબહાદુર સ્કુલના વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ દરમિયાન શાળાના શિક્ષકે મને કહયુ કે અમારી વિદ્યાર્થિની હિરલ રાઠોડ સરસ પેપર આર્ટ કરે છે. તેના આ હુન્નર થકી અમારી શાળાની ‘મેરી ટેલેન્ટ મેરી પહેચાન’ સ્પર્ધામાં વિજેતા બની છે. તેથી ૧૮ વર્ષીય ધો.૧૨ની છાત્રા હિરલના આ હુન્ન્રરને અમે પિછાણી વિદ્યાર્થીઓનો હસ્ત કલાકારીમાં ઝુકાવ કેળવે તે માટે મ્યુઝિયમ ડેના દિવસે જ મ્યુઝિયમ દ્વારા જ કુ. હિરલના નિદર્શનમાં વર્કશોપનું આયોજન કર્યુ. મ્યુઝિયમ દ્વારા બાળકોને હાર્ડબોર્ડ, ઓઇલ પેઇન્ટ, ટીસ્યુ પેપર, ફેવિકોલ, બ્રશ સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. આમ મ્યુઝિયમમાં બાળકોના લાભાર્થે પેપર વર્કનો વર્કશોપ પ્રથમ વખત કર્યો. આ પેપર આર્ટના વર્કશોપમાં ભાગ લેનાર ધો.૯ની ૧૪ વર્ષની છાત્રા પ્રકૃતિ નાકરાણી કહે છે, આ વર્કશોપ દ્વારા મને ઓઇલ પેઇન્ટ અને ટીસ્યુના ઉપયોગથી હેન્ડીક્રાફટના પોસ્ટર્સ બનાવતાં શીખવા મળ્યુ. હાર્ડ બોર્ડ ઉપર પહેલા ડ્રો પણ જાતે કર્યુ હતું. આ વર્ક શોપ અમારા જેવા વિદ્યાર્થીઓની કલા અને કૌશલ્ય બહાર લાવે છે. અને અમને આર્ટની વધુ નજીક લઇ જાય છે.
મહાનુભાવોના ભાવભર્યા હસ્તાક્ષરના પ્રદર્શનમાં ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર, રમતવીર કેપ્ટન ધ્યાનચંદ, સચીન તેંદુલકર, શ્રી રાજેન્દ્ર પ્રસાદ સહિત આઝાદી માટે જેમનું અણમોલ યોગદાન છે તેવા મહાત્મા ગાંધીજી, ધર્મગુરુ દલાઇ લામા તેમજ ભારતના પ્રથમ અવકાશયાત્રીશ્રી રાકેશ શર્મા, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતા વગેરે વિખ્યાત હસ્તીઓના હસ્તાક્ષરનું કલેકશન લોકો માટે ખુલ્લુ મુકાયુ છે. આ પ્રદર્શન થકી એ મેસેજ પણ આપવામાં આવે છે કે અભિલેખિત વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત કરવી અને તેનું કલેક્શન કેમ કરવું. આવી કલાકૃતિઓની જાળવણી માટે યુવાઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળે એવો ઉમદા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમો યોજાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here