પિતાએ અંગ્રેજોને હંફાવ્યા અને પુત્રએ પાકિસ્તાનમાં તિરંગો ફરકાવ્યો

13 Aug 22 : જેમના નામનો અર્થ ‘‘પુષ્પમાંથી મેળવેલ ઉચ્ચ રંગ’’ તેવો થાય છે. રાજકોટના જેઠાલાલભાઈ એવા સ્વાતંત્ર સેનાની હતા, જેમનું જીવન સ્વદેશની ભાવનાથી રંગાયેલ હતું. તેમનો જન્મ તા.૨૩ મે ૧૯૦૨ના રોજ થયો હતો. સંપન્ન પરિવારમાં જન્મ અને સુવિધાવાળું જીવન છોડીને આઝાદીના માર્ગે વળ્યાં હતા. તેઓ દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા. જેઠાલાલભાઈ વિદ્યાર્થી જીવનથી જ દેશપ્રેમ તરફ વળ્યાં હતા.અસહકાર ની ચળવળ વર્ષો સુધી ચાલેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્વનો તબક્કો હતો. જે ૧૯૨૦ થી શરૂ થઈ અને ફેબ્રુઆરી ૧૯૨૨ સુધી મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ઉદ્દેશ્ય અહિંસક પદ્ધતિથી ભારતમાં બ્રિટીશ રાજનો વિરોધ કરવાના આશયથી ચલાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત બ્રિટિશ માલનો બહિષ્કાર, સ્થાનિક હસ્તકળાને અપનાવવી, દારૂની દુકાન સામે પીકેટિંગ અને ભારતીય સ્વમાન જાળ વવાનો ઉદ્દેશ્ય હતો. રોલેટ એક્ટ – જલિયાંવાલા બાગ હત્યાકાંડ, ભારતીય મિલ્કતોનું બ્રિટનમાં સ્થળાંતર વગેરે થતાં પ્રજાની આર્થિક હાડમારી, બ્રિટિશ માલની ઉપલબ્ધતાને કારણે હસ્ત શિલ્પ કારીગરોની બેકારી સહિતના કારણોથી જનતામાં રોષ છવાયો હતો.એવા સમયે આ ચળવળમાં સાથ આપવા માત્ર ૧૯ વર્ષની યુવા વયે જેઠાભાઈએ અભ્યાસ છોડીને રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જોડાઈને રાષ્ટ્રીય શાળાની સ્થાપનામાં ભાગ લીધો હતો.

પોતાની કારકીર્દીને કોરાણે મૂકીને દેશ માટે દેશના ખૂણે ખૂણે થી આવા લાખો જેઠાભાઇ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. શોષિત મજૂરોના કલ્યાણ માટે જેઠાભાઇ સૌરાષ્ટ્ર  જન-જાગૃતિ મંગળાચરણમાં મજૂર સંઘના મંત્રી રહ્યા હતા. રાજકોટની કાપડ મિલના કામદારોને થતા અન્યાય સામે લડત ચલાવી હતી ત્યારે ત્રીજા તાનાશાહ કહેવાયા હતા.આ સાથે દેશની આઝાદીની લડાઈમાં મહિલાઓ વધુને વધુ જોડાય તે માટે  મહિલા વિકાસની પ્રવૃતિઓ શરૂ કરી હતી.

બળ અને બુદ્ધિના સમન્વયમાં માનનાર જેઠાભાઈએ રાજકોટ ખાતે પુસ્તકાલય તેમજ વ્યાયામ પ્રવૃત્તિ વિકસાવી હતી.મીઠાની લડત વખતે મીઠાના કાયદાનો ભંગ કરતાં ખારાઘોડાથી પકડાયા હતા અને એક વર્ષની સજા ભોગવી હતી. ૧૯૩૭માં  કાઠિયાવાડ પરિષદનું છઠ્ઠું અધિ વેશન રાજકોટમાં દરબાર ગોપાળદાસ દેસાઈના પ્રમુખપદે યોજાયું હતું. આ અધિવેશનમાં સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રે ઉછરંગરાય ઢેબરનો પ્રવેશ થયો હતો.આ અધિવેશન ભરાયું જેમાં અગ્રેસર જેઠાલાલભાઈ હતા.

૧૯૩૮ની રાજા અને પ્રજા વચ્ચે લડાયેલી રાજકોટની લડતમાં પણ જેઠાલાલભાઈ મોખરે રહ્યા હતા. જેઠાલાલભાઈએ આ માટે બે વાર જેલ વાસ પણ ભોગવ્યો હતો. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં સવિનય કાનૂનભંગ કરીને જેલવાસ ભોગવ્યો હતો. ૧૯૪૨માં ‘હિન્દ છોડો’ લડત વખતે તેમની ધરપકડ થઈ હતી ત્યારે લાંબો જેલવાસ ભોગવ્યો હતો.

૧૯૪૭માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ૫૬૨ દેશી રજવાડાઓ હતા જેમાં ફક્ત ગુજરાતમાં ૩૬૬ અને સૌરાષ્ટ્રમાં ૨૨૨  રજવાડાઓ હતા. ૫૬૨ માંથી ૫૫૯ રજવાડાઓ ભારત સાથે જોડાઈ ગયા પરંતુ 3 રજવાડાઓ હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢે ભારત સાથે જોડાવા ની ના પાડી હતી.જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાએ ભારતમાં જોડાવાની ના પાડી હોવાથી જૂનાગઢની મુક્તિ માટે કામચલાઉ  સરકાર બનાવી આરઝી હકૂમતની શરૂઆત કરી હતી. તેમાં જેઠાલાલભાઈ જોશીનો પણ સમાવેશ થયો હતો.

સ્વરાજ મળતા તેઓ સૌરાષ્ટ્ર વિધાનસભાના નાયબ સ્પીકર બન્યા હતા.

૧૯૫૨ની ચૂંટણીમાં જેઠાલાલભાઇ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯૫૭માં રાજ્યસભાના સભ્યપદે રહીને સેવા બજાવી. તેઓ રાજકોટ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ  સ્મારક ભવનના ચેરમેન પણ રહી ચુક્યા હતા.જેમાં સરદાર પટેલના જીવનની  મહત્વની ઐતિહાસિક ક્ષણોને આ ભવનમાં સાચવીને રાખવામાં આવ્યા છે.

જેઠાલાલભાઈનું જીવન ખુબજ સાદગીભર્યું હતું. તેઓ આજીવન દેશભક્ત રહ્યા હતા.તેમનું નિધન ૨૦ એપ્રિલ ૧૯૮૦ના રોજ થયું હતું. તેમના પુત્ર ઈન્દુભાઈ ૧૯૭૧માં યુદ્ધ વખતે કચ્છના માહિતી ખાતામા કાર્યરત હતા. પાકિસ્તાને કચ્છના નાના રણ આસપાસના વિસ્તારમાં અચાનક હુમલો કર્યો હતો તે સમયે ઈન્દુભાઈનું પોસ્ટીંગ ત્યાં હોવાથી તેઓ ભારતીય સેનાને મદદરૂપ થયા હતા.ભારતીય સેનાએ વળતો પ્રહાર કર્યો ત્યારે પાકિસ્તાનના નાગરપારકર ગામ પર કબ્જો કરીને તહેસીલદારની ઑફિસે પાકિસ્તાનનો ઝંડો ઉતારીને ભારતીય તિરંગો ફરકાવ્યો હતો. આ સિદ્ધિ એ આજના હર ઘર તિરંગા અભિયાનને ઉદાહરણ પૂરું પાડતી સિદ્ધિ છે.

આલેખન : રિદ્ધિ