26 Aug 22 : રાજકોટમાં વિવિધ પાંચ જગ્યાએ બ્રિજની કામગીરી ચાલી રહી છે. કોન્ટ્રાકટરોને વધુ પૈસા ચૂકવ્યા હોવા છતાં પણ સમયસર બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. કાલે મનપા દ્વારા તેઓની ઝાટકણી કરવામાં આવી હતી અને ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા બ્રિજની કામગીરી પૂરી કરવા તાકીદ કરી હતી. પરિણામે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું લોકાર્પણ માટેની તારીખ બહાર પાડવામાં આવી છે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ નું આવતા મહિને ૧૫ થી ૨૫ સપ્ટેમ્બરની વચ્ચે લોકાર્પણ કરી દેવામાં આવશે.

આ માટે વડાપ્રધાન પાસે સમય પણ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન નવરાત્રિ આસપાસ નાના મવા બ્રિજ પણ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે. કરોડો રૂપિયાની ઓન ચૂકવવા છતાં બ્રિજના કામ સમયસર પૂરા થતાં નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી વર્ષમાં લોકરોષ પાલવે તેમ ન હોય ગઇકાલે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષના નેતા વિનુભાઇ ઘવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓએ અલગ-અલગ પાંચ બ્રિજનું નિર્માણ કામ કરતી એજન્સીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

૧૫ નવેમ્બર સુધીમાં અને કેકેવી સર્કલ ખાતે હયાત બ્રિજ પર બની રહેલા મલ્ટીલેવલ ઓવરબ્રિજનું કામ જાન્યુઆરી-૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવા અલ્ટી મેટમ આપી દેવામાં આવ્યું છે. શિડ્યુલ મુજબ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવી દેવામાં આવ્યું છે. દરમિયાન આગામી ૧૫ થી ૨૫ સપ્ટેમ્બર સુધીમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે. આ બ્રિજ સહિતના અલગ-અલગ પ્રોજેક્ટો લોકાર્પણ અને ખાત મુહુર્ત માટે વડાપ્રધાન પાસે સમય માંગવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા પૂર્વે નવરાત્રિ આસપાસ નાના મવા સર્કલ બ્રિજ અને દિવાળી પૂર્વે રામાપીર ચોકડી ખાતે આકાર લઇ રહેલા બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.