રાષ્ટ્રીય ખેલ – સ્વિમિંગમાં રસાકસી વચ્ચે કર્ણાટક-સર્વિસિસની ટીમે જીત્યા બે-બે સુવર્ણ ચંદ્રક

03 Oct 22 : રાષ્ટ્રીય ખેલના જોશભર્યા માહોલ વચ્ચે રાજકોટમાં બીજા દિવસે સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે તરણની રસાકસીભરી સ્પર્ધાઓ જામી હતી. જેમાં કર્ણાટક અને સર્વિસિસના તરવૈયા સૌથી વધુ ચાર ચંદ્રકો જીતી ગયા હતા.

૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ-પુરુષની સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત જૈન અને ગુજરાતના આર્યન નહેરા વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી. આખરે અદ્વૈત જૈને પ્રથમ ક્રમે રહી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી લીધો હતો. જ્યારે આર્યને રજત ચંદ્રક, તો કર્ણાટકના અનીશ ગોવડાએ ત્રીજા ક્રમે રહી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

૮૦૦ મીટર ફ્રી સ્ટાઇલ મહિલાઓની સ્પર્ધામાં દિલ્હીની ભવ્યા સચદેવાએ સુવર્ણ ચંદ્રક જીતીને મેદાન મારી ગઈ હતી. તેલંગાણાની વૃત્તિ અગરવાલ બીજા ક્રમે રહી રજત ચંદ્રક તો કર્ણાટક ની અસ્મિતા ચંદ્રાએ ત્રીજા ક્રમે રહી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

૨૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક પુરુષની સ્પર્ધામાં સર્વિસિસ સ્પોર્ટસ્ કંટ્રોલ બોર્ડ (એસ.એસ.સી.બી.) એસ. પી. લિકીથએ સુવર્ણ, તમિલનાડુના એસ. દનુશએ રજત તો એસ.એસ.સી.બી.ના સ્વદેશ મોંડલએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાની સ્પર્ધામાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ સુવર્ણ, પંજાબની ચાહત અરોરાએ રજત તો કર્ણાટકની હર્ષીથા જયરામએ કાંસ્યચંદ્રક પોતાના નામે કરી લીધો હતો. ગુજરાતની કલ્યાણી સક્સેનાએ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક જીતવાનો જુસ્સો દર્શાવ્યો હતો. જો કે તે ચોથા ક્રમે રહી હતી.

૪ બાય ૧૦૦ મીટર મિડલે પુરુષની સ્પર્ધામાં એસ.એસ.સી.બી.ની ટીમે સુવર્ણ, કર્ણાટકની ટીમે રજત તો દિલ્હીની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓની સ્પર્ધામાં કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુની ટીમ વચ્ચે ભારે ઉત્તેજનાપૂર્ણ રસાકસી જામી હતી. આખરે કર્ણાટકની ટીમએ સુવર્ણ, મહારાષ્ટ્રની ટીમે રજત જ્યારે બંગાળની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

જ્યારે ૩ મીટર સ્પ્રિંગ બોર્ડ મહિલાઓની સ્પર્ધામાં મહારાષ્ટ્રની હ્રુતિકા શ્રીરામે સુવર્ણ, મધ્યપ્રદેશની પલક શર્માએ રજત તથા મહારાષ્ટ્રની એશા વાધમોડે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

આજે વોટરપોલો-મહિલા સ્પર્ધામાં કેરળ અને કર્ણાટકની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેરળની ટીમ ૨૩ ગોલ સાથે વિજેતા બની હતી. તો મહારાષ્ટ્રની ટીમે ૨૫ ગોલ સાથે મણિપુરની ટીમને ધોઈ નાંખી હતી. બીજી તરફ વોટરપોલો પુરુષોની સ્પર્ધામાં સર્વિસિસની ટીમે ગુજરાતની ટીમ પરાજય આપ્યો હતો જ્યારે કર્ણાટકને હરાવી બંગાળની ટીમ વિજેતા બની હતી.

ભારતીય અર્થવ્યવસ્થાનું કોવિડની મહામારી બાદ વિકસિત દેશોની સરખામણીમાં વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન

03 Oct 22 : કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતિમાં આર.કે.યુનિવર્સિટી ખાતે ‘ન્યૂ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટેકેડ ઓફ ઓપો ર્ચ્યુનિટીઝ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટની વિવિધ ઔદ્યોગિક સંસ્થાના પ્રમુખશ્રીઓ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ચેમ્બર્સના સભ્યો, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે ભારતની અર્થવ્યવસ્થા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા ભારતમાં ઉદ્યોગ સાહસિકો માટે પૂરતી તકો નહોતી. વસ્તુઓની આયાત વધુ અને નિકાસનું પ્રમાણ વધુ હતું. જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ આજે વિશ્વભરમાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બની છે. ઉદ્યોગકારો માટે નવી તકોના સર્જન સાથે નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા MSME હેઠળ નાના ઉદ્યોગકારોને આર્થિક રીતે ઘણો સહયોગ મળી રહ્યો છે. કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે એક સમયે ચાઈના પર નિર્ભર ભારત આજે દરેક સ્પેરપાર્ટસનું જાતે ઉત્પાદન કરીને આત્મનિર્ભર બન્યું છે.

કોરોનાને કારણે વિકસિત દેશોની અર્થવ્યવસ્થા ઘણી ખોરવાઈ છે. કોઈ દેશમાં આર્થિક રીતે નુકસાન થયું છે તો કોઈ દેશમાં સામાજિક અને આરોગ્યની દ્રષ્ટિએ ઘણી પછડાટ અનુભવી છે. માત્ર એક ભારત દેશએ વિશ્વભરમાં કોરોનાના અસરકારક નિયંત્રણ બાદ છેલ્લાં બે વર્ષમાં વિકસિત દેશોની સરખામણીમાં ગ્લોબલ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. વચેટિયાઓની બાદબાકી સાથે ડિજિટલાઇઝેશન થકી સરકારની વિવિધ યોજનાઓના નાણાકીય લાભો આજે નાગરિકોને સીધા મળી રહ્યા છે. અર્થવ્યવસ્થાના જાણીતા નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે ભારતની અર્થવ્યવસ્થાનો દશકો નહીં પણ સદી ચાલી રહી છે તેમ કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું.

i-hubનાં CEO શ્રી હિરન્મય મહંતાએ સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા જણાવ્યું હતું કે, ઇનોવેટિવ આઈડિયા ધરાવતાં યુવાઓના સ્વપ્નોને આકાર આપવા માટે સરકારશ્રીએ અનેક નવી તકોનું સર્જન કર્યું છે. વિદ્યાર્થીઓને આર્થિક રીતે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન અનુભવે તે માટે વિવિધ યોજનાઓ થકી નાણાકીય સહાય પુરી પાડી રહી છે. આવા કાર્યક્રમોના આયોજન થકી એકેડેમીયા અને ઉદ્યોગને સાથે લઈને ઓદ્યોગિક જગતમાં યુવાધનને એક નવી દિશા આપી શકીએ છીએ.

આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું ખાદીની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્મૃતિચિહ્નન અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ પાંચ ઉદ્યોગ સાહસિકોને ૧૭ લાખથી લઈને ૬૯ હજાર સુધીની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. વધુમાં પીજીવીસીએલ દ્વારા તૈયાર કરેલ ઊર્જા ક્ષેત્રે ઉદ્યોગકારો સાહસ કરી શકે તેની જાણકારી આપતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રી વરુણકુમાર બરનવાલ, આર.કે. યુનિવર્સિટીનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી ડેનિશ પટેલ, શ્રી ટી.આર.દેસાઈ, ઉદ્યોગ સાહસિકો તેમજ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here