31 Aug 22 : મોરબી જીલ્લામાં આપઘાતના બનાવોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે જેમાં ટંકારાના દેવડિયા ગામના રહેવાસી જીનીંગ મિલના સંચાલકે ધંધામાં નુકશાનીને પગલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના દેવડીયા ગામના રહેવાસી મયુરભાઈ હરિભાઈ ભાલોડીયા (ઉ.વ.૩૨) નામના યુવાને દેવડીયા ગામ નજીક અવેક શ્રી કોટેક્ષ જીનીંગ ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આપઘાતના બનાવ મામલે ટંકારા પોલીસના વી આર વઘેરા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મયુરભાઇના લગ્ન 4 વર્ષ પૂર્વે થયા હતા અને તેમને સંતાનમાં 10 માસનું બાળક છે. તેમના આપઘાતને પગલે પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું છે.

મયુરભાઇને વ્યવસાયમાં રૂ. 2 કરોડની ખોટ આવી હતી. આ ઉપરાંત બેંકમાંથી ઓડિટ પણ આવવાનું હતું. જેને પગલે તેઓ ચિંતામાં હતા.

તા.૩૦/૦૮/૨૨ ના રોજ તેઓ ઘરેથી ફેકટરીએ ગયા બાદ પરત આવ્યા ન હતા જેથી પરિવારજનોએ તેમની શોધખોળ કરતા તેમનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. જેને પગલે મયુરભાઇએ વ્યવસાયમાં આવેલી નુકસાનીને પગલે આપઘાત કર્યો હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

  • મોરબીમાં પોલીસકર્મીએ પૂછ્યા વિના ભાઈને બાઈક આપ્યું તો પત્ની લાકડી લઈને તૂટી પડી

31 Aug 22 : મોરબીમાં પોલીસકર્મીએ પૂછ્યા વિના ભાઈને બાઈક આપ્યું તો પત્ની લાકડી લઈને તૂટી પડી.પોલીસ કર્મચારીએ પત્ની વિરુદ્ધ મારામારી ની ફરિયાદ નોંધાવી.

પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ સાથે અત્યાચાર કરાય છે અને મારકૂટ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો જોવા મળતી હોય છે જોકે મોરબીમાં ઉલટી ગંગા વહેતી હોય તેમ પોલીસમાં ફરજ બજાવતા પતિએ ભાઈને બાઈક આપવા જેવી બાબતે પત્ની લાકડી લઈને તૂટી પડી હતી અને માર મારતા ભોગ બનનાર પોલીસ કર્મચારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના પંચાસર રોડ પર રહેતા અને મોરબી સીટી એ ડીવી. માં ASI તરીકે ફરજ બજાવતા જનકભાઈ છગનભાઈ મારવણીયાએ તેના પત્ની મનીષા બેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તે પોતાની ફરજ પર પોલીસ સ્ટેશન હાજર હોય ત્યારે પત્ની મનીષાનો ફોન આવ્યો હતો અને તેની તબિયત સારી ના હોવાથી દવાખાને જવાનું કહેતા તેઓ ઘરે ગયા હતા જ્યાં દવાખાને જવાની વાત કરતા પત્નીએ ગોળગોળ જવાબ આપી સવારે દવા લીધી કોઈ ફેર પડ્યો નથી તેમ કહ્યું હતું .

બાદમાં અચાનક ઉશ્કેરાઈ જઈને બે દિવસ પહેલા તમારો ભાઈ નવીન ઘરે આવેલ ત્યારે મોટરસાયકલ મને પૂછ્યા વગર કેમ આપી દીધું કહીને પત્નીએ ઝઘડો કરતા પોલીસ કર્મીએ સમજાવ્યું હતું કે હમણાં સિરામિક બંધ છે એટલે થોડા દિવસ ભલે વાપરતો કહેતા પત્નીએ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગી અને ઘરમાં પડેલ પોલીસની લાકડી લઈને મારવા લાગી હતી અને મારતા મારતા તમારા ઘરના કોઈ સભ્યો આપણા ઘરે આવવા જોઈએ નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો.

આમ પોલીસ કર્મચારી તેના પત્ની સાથે છેલ્લા દસ વર્ષથી સ્વતંત્ર રીતે રહેતા હોય અને પોલીસ કર્મીના કુટુંબના સભ્યો પ્રત્યે પત્નીને અણગમો હોય અને ઘરે આવવા દેવા માંગતા ના હોય તેમજ ભાઈને પૂછ્યા વિના બાઈક આપવા મામલે બોલાચાલી કરી ઝઘડો કરી માર મારી પતિને ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.