12 Sep 22 : સોનગઢ થી કપડબંધ વચ્ચે ફોરલેન હાઈવે નિર્માણ થનારો છે. આ સૂચિત હાઈવે માટે જમીન સંપાદન કરવા માટેની કાર્યવાહી શરુ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. જોકે આજરોજ એટલે તા.૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૨ નારોજ સોનગઢ થી કપડબંધ સુધીનો ફોરલેન રસ્તો બનવા માટે લોકોને પૂછ્યા વગર જમીન માપણીની નોટિસ આવતા સ્થાનિક લોકોએ આંદોલન કરી વિરોધ કર્યો હતો. સોનગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદા વ્યવસ્થા ના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યું હતું.

ગામડાઓના ખેડૂતોએ એક થઈને વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. જે આવનારી ચૂંટણીઓને ધ્યાને રાખી સ્થાનિક રાજકારણને માટે મુશ્કેલ પ્રશ્ન બની શકે છે. આ કાર્યક્રમમાં આદિવાસી આગેવાનો અનંતભાઈ પટેલ,સુનિલભાઈ ગામીત સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સ્થાનિક લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સોનગઢ થી કપડબંધ ફોરલેન હાઇવે જમીન જમીન સંપાદન બાબતે ગ્રામ પંચાયતને નોટિસ આપી ભરાડદા ગામેથી માપણી કરવા માટે માપણી અધિકારીઓ આવ્યા હતા,પરંતુ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ અને આગેવાનોની લાંબી ચર્ચા બાદ માપણી અટકાવવામાં આવી હતી. સમગ્ર મામલે જાણ થતા સોનગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદા વ્યવસ્થા ના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યું હતું. ગામડાઓના ખેડૂતોએ એક થઈને વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે.

  • ભાવનગરના મહુવામાં આજે માત્ર બે કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

12 Sep 22 : ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલા વરસાદની આગાહીને લઈને આજે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો અને રાજ્યના 20 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આજે ભાવનગર જિલ્લામાં મહુવામાં માત્ર 2 કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ વરસાદતા પાકને ખુબ જ ફાયદો થયો છે અને છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીથી પરેશાન લોકોને રાહત અનુભવી છે. શહેરમાં ત્રણ ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુજરાતમાં અનેક જગ્યાએ સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મન મૂકીને વરસ્યો હતો. ભાવનગરમાં આજે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હતા. આ વરસાદથી ખેડૂતો ખુશ થઇ ગયા હતા. આજે સવારથી જ બફારા જેવું વાતાવરણ હતું જે બાદ બપોર પછી મેઘરાજાની તોફાની બેટિંગથી ધોધમાર વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરવાને કારણે વાહનવ્યહાર પર અસર પડી હતી.

આજે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો અને હજુ પણ હવામાંન ખાતાની આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસ વરસાદ આવશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતા છે. છેલ્લા બે ત્રણ દિવસમાં ગાજવીજ વરસાદ પડી રહ્યો છે. આજે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં તેમજ પોરબંદર, કચ્છ અને ભાવનગર સહીત અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો.