આરબીઆઈએ ચાવીરૂપ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નહીં

8 Oct 2021 : આરબીઆઈએ સતત આઠમી વાર ચાવીરૂપ ધિરાણ દર – રેપો રેટ કોઈ પણ ફેરફાર કર્યા વિના એને 4 ટકા જાળવી રાખ્યો છે. છ સભ્યોની નાણાવિષયક નીતિ સમિતિ (એમપીસી)એ લીધેલા વિવિધ નિર્ણયોની જાહેરાત કરતાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપીમાં 9.5 ટકાની વૃદ્ધિ થવાની ધારણા છે.

ગર્વનર દાસે ઉમેર્યું હતું કે, એમપીસીએ ટકાઉ આધારે વૃદ્ધિદરને સુધારવા અને એને જાળવી રાખવા તેમજ અર્થતંત્ર પર કોવિડ-19 મહામારીની અસર ઓછામાં ઓછી થાય એ માટે જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી સાનુકૂળ વલણ જાળવી રાખવાનો નિર્ણય પણ લીધો છે. સાથે સાથે મોંઘવારી લક્ષિત નિર્ધારિત દરની અંદર જળવાઈ રહે એ પણ સુનિશ્ચિત કર્યું છે.”

ગવર્નરે મહામારીની શરૂઆતથી પછી અત્યાર સુધી અર્થતંત્રની વૃદ્ધિને ટેકો આપવા અને એમાં સુધારો કરવા આરબીઆઈએ લીધેલા વિવિધ પગલાં વિશે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ 6 મહિનામાં ઓપન માર્કેટની કામગીરી દ્વારા નાણાકીય વ્યવસ્થામાં રૂ. 2.37 લાખ કરોડની લિક્વિડિટી (નાણાકીય પ્રવાહિતતા) ઉમેરી છે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ઉમેરેલા રૂ. 3.1 લાખની લિક્વિડિટી ઉમેરી હતી.

શ્રી શક્તિકાંત દાસે લઘુ વ્યવસાયો અને અસંગઠિત ક્ષેત્રોને ટેકો આપવા વધારાના પગલાંઓની જાહેરાત કરી હતી. તેમાં આ પગલાં સામેલ છેઃ

  1. આઇએમપીએસ (ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ ટ્રાન્ઝેક્શન – નાણાંની તાત્કાલિક ચુકવણી કરવાની સેવા)ની દૈનિક મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે, જેથી ગ્રાહકોની સુવિધા વધશે, તેઓ 24 x 7 તાત્કાલિક દેશની અંદર ફંડ હસ્તાંતરિત કરી શકશે.
  2. સ્મોલ ફાઇનાન્સ બેંક (એસએફબી) માટે રૂ. 10,000 કરોડની ઓન-ટેપ સ્પેશ્યલ લિક્વિડિટી લોંગ ટર્મ રેપો ઓપરેશન (એસએલટીઆરઓ) સુવિધા 31 ડિસેમ્બર, 2021 સુધી વધારી છે.
  3. ઇન્ટરનેટની ઓછી કે અતિ ઓછી સુવિધા ધરાવતા વિસ્તારો માટે ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ માટે અખિલ ભારતીય માળખું પ્રસ્તુત કર્યું છે
  4. આઇએમપીએસ વ્યવહારોની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી છે
  5. પેમેન્ટ્સ સ્વીકાર્ય માળખાની પહોંચ વધારવા હાલના તમામ અને નવા પેમેન્ટ સિસ્ટમ ટચપોઇન્ટનું જિયો-ટેગિંગ કર્યું છે
  6. ફિનટેક ઇકોસિસ્ટમને વધુ વેગ આપવા આરબીઆઈની નિયમનકારી સેન્ડબોક્ષમાં નવી ધોખેબાજી નિવારક સિસ્ટમ
  7. રાજ્યો માટે એન્હાન્સ્ડ વેઝ એન્ડ એડવાન્સ લિમિટ (ડબલ્યુએમએ) અને ઓવરડ્રાફ્ટની સંવર્ધિત સુવિધાને 31 માર્ચ, 2022 સુધી જાળવી રાખવી
  8. 31 માર્ચ, 2022 સુધી પ્રાથમિક ક્ષેત્રના ધિરાણ તરીકે એનબીએફસીનું વર્ગીકરણ જાળવી રાખવું
  9. આંતરિક ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબૂત કરવા શ્રેષ્ઠ ગ્રાહક ઇન્ટરફેસ સાથે એનબીએફસી માટે આંતરિક લોકપાલ યોજના

ગવર્નરે ખાતરી આપી હતી કે, આજે જાહેર થયેલા વધારાના પગલાં લઘુ વ્યવસાયો અને અસંગઠિત ક્ષેત્રોને ટેકો આપશે, જે ઇન્ટરનેટનું ઓછું જોડાણ કે જોડાણ ન ધરાવતા અંતરિયાળ વિસ્તારો મદદરૂપ થશે, જે ફિનટેક ઇકોસિસ્ટમને વધુ વેગ આપશે અને ફિનટેકમાં સતત નવીનતા સુનિશ્ચિત કરશે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાહત આપવા માટે આરબીઆઈએ 31 માર્ચ, 2022 સુધી વેઝ એન્ડ મીન્સ એડવાન્સ (ડબલ્યુએમએ)ની વચગાળાની મર્યાદા પણ વધારીને રૂ. 51,560 કરોડ કરી છે. તેમણે કહ્યું હતું કે, “એનાથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મહામારીને કારણે સતત અનિશ્ચિતતા વચ્ચે રોકડપ્રવાહનું વ્યવસ્થાપન કરવામાં મદદ મળશે.”

ગવર્નરે કહ્યું હતું કે, “ઉપભોક્તા કિંમત સૂચકાંક (સીપીઆઇ) મોંઘવારી મધ્યમ છે.” તેમણે ઉમેર્યું હતું કે, સરકાર શાકભાજીના ભાવમાં વધઘટને નિયંત્રણમાં લેવા મદદરૂપ થવા વિવિધ પગલાં લઈ રહી છે.

2021-22 માટે સીપીઆઈ મોંઘવારી 5.3 ટકા રહેવાની ધારણા

બીજો ત્રિમાસિક ગાળો – 5.1%, ત્રીજો ત્રિમાસિક ગાળો – 4.5%, ચોથો ત્રિમાસિક ગાળો – 5.8%, પ્રથમ ત્રિમાસિક ગાળો (નાણાકીય વર્ષ 2022-23નો) – 5.2%

નાણાકીય વર્ષ 2021-22 માટે રિયલ જીડીપીમાં 9.5 ટકાની વૃદ્ધિની ધારણા છે

બીજો ત્રિમાસિક ગાળો – 7.9%, ત્રીજો ત્રિમાસિક ગાળો – 6.8%,ચોજો ત્રિમાસિક ગાળો – 6.1%,પ્રથમ ત્રિમાસિક ગાળો (નાણાકીય વર્ષ 2022-23નો) – 17.2%

ગવર્નરે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન દેશ 400 અબજ ડોલરના આપણા નિકાસ લક્ષ્યાંકને પાર પાડવા સક્ષમ હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો, કારણ કે સપ્ટેમ્બર, 2021માં સતત સાતમા મહિને 30 અબજ ડોલરથી વધારેની નિકાસ જળવાઈ રહી છે.

ગવર્નરે કહ્યું હતું કે, ભારતમાં નાણાવિષયક નીતિ બનાવવામાં સતત સ્થાનિક સ્થિતિસંજોગોને ધ્યાનમાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે શું હાંસલ કર્યું છે એના પર આધાર રાખવો જોઈએ નહીં, પણ આપણે શું હાંસલ કરવાનું બાકી છે એના પર નજર રાખીને સતત કામ કરવું જોઈએ.” ગવર્નરે અર્થતંત્રને ટેકો આપવા તમામ ક્ષેત્રના સહિયારા પ્રયાસો માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સંપૂર્ણપણે કુલ માગ વધી રહી છે, પણ હજુ પણ એને પર્યાપ્ત વેગ મળ્યો નથી; ઉત્પાદન હજુ પણ મહામારી પૂર્વેના સ્તરથી ઓછું છે અને સુધારો અસમાન જળવાઈ રહ્યો છે અને એનો આધાર સતત નીતિગત ટેકા પર આધારિત છે.”