
26 Aug 22 : નારી સુરક્ષા સમિતિના (રાજકોટ) પ્રમુખ હેમાબેન કક્કડ, ઉપપ્રમુખ પારૂલબેન સિધ્ધપુરા, મહામંત્રી સરલાબેન પાટડીયા (લોક સંસદ વિચાર મંચ), મંત્રી હંસાબેન સાપરિયા, પ્રફુલાબેન ચૌહાણ, ભાવનાબેન જોગીયા, કિરણબેન વડગામા, આશાબેન પંડ્યા ની સંયુક્ત યાદી જણાવે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અણ આવડતને પગલે મોંઘવારી બેકાબૂ બની છે.
રાંધણ ગેસમાં રૂપિયા ૧૦૫૮ જેટલો તોતિંગ ભાવ વધારો કરી આમ જનતાને દાઝ્યા પર ડામ ની જેમ સીંગતેલનો ૧૫ દિવસમાં રૂપિયા ૧૮૦ નો ભાવ વધારો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવડત છતી કરે છે. સીંગતેલમાં આગ ઝડપી બેકાબુ તેજીને પગલે ડબ્બો 3000 તરફ આગળ ધપી રહ્યો હોય ત્યારે પુરવઠા મંત્રીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવા નારી સુરક્ષા સમિતિના અને લોક સંસદ વિસ્તારના મહિલા આગેવાનોએ માંગ ઉઠાવી છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત અને શાસકો તાઈફા અને ચૂંટણીમાં વ્યસ્ત છે.
હાલ તમામ ખાદ્ય સામગ્રી, કઠોળ,અનાજ,શાક બકાલુ,તેમજ પેટ્રોલ,ડીઝલ,ચોપડા,સ્ટેશનરીમાં અને તોતિંગ થી વસૂલતી શાળાઓ સામે સરકારની ધૃતરાષ્ટ્ર નીતિ અને આંખ નીચામણા ને પગલે બેફામ ફી વધારો, દરેક વસ્તુ મોંઘી દાટ બનવાને પગલે મોંઘવારીના કપરા કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે પરિણામે આપઘાતનું પ્રમાણ વધવા પામ્યું છે. બજેટમાં સસ્તુ કરવાની જાહેરાતો ભ્રામક બની છે અને છેતરામણી સાબિત થઈ છે.
અગાઉ શાસકોએ ‘અચ્છેદીન’ ના સપનાઓ બતાવ્યા હતા ને હાલ તો આ અચ્છે દિનનું ટેટુ છેતરામણુ સાબિત થયું છે. અચ્છે દિન શાસકો ના આવી ગયા હોય અને જે પગલે દેશભરમાં કરોડો રૂપિયાની ભાજપની કાર્યાલયો બની છે. કારણકે મોંઘવારી અને બેરોજગારી ડામવામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ પુરવાર થઇ છે. વિકાસના બણગા ફૂકનારા શાસકો એક સમયે રાંધણ ગેસ અને સીંગતેલના ભાવ વધારા મુદ્દે શેરી ગલી અને રસ્તાઓ પર આંદોલન કરતા હતા આજે એ આંદોલન કરનારા ભૂગર્ભમાં હોય તેમ જણાય છે. અને ભાવ વધારાના મુદ્દે મહિલા ભાજપની અને શાસકોની બોલતી બંધ થઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે મારી બહેનો તમને તકલીફ હોય તો એક પોસ્ટકાર્ડ લખજો આ તમારો ભાઈ દોડતો આવશે અને તમારી સમસ્યાનું નિરાકરણ કરશે. અત્યારે હાલ તો કાળઝાળ મોંઘવારીમાં બેન અને બનેવી બેવડા વળી ગયા છે અને કપરી પરિસ્થિતિમાં છે ત્યારે મોંઘવારી ડામવામાં આ બેનડી નો ભાઈ અસરકારક પગલાં ભરે અને ભાઈના મળતીયાઓ મોંઘવારીના મુદ્દે યોગ્ય કરે તે ઇચ્છનીય છે. અન્યથા આગામી દિવસોની વિધાનસભાની ચૂંટણીઓમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપને તેનો જવાબ આપવા ગુજરાતની 6 કરોડની જનતા તલ પાપડ બની છે. તેમ અંતમાં જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) અને લોક સંસદ વિચાર મંચ મહિલા આગેવાનોની યાદીમાં જણાવ્યું છે.