મોરબીમાં પ્રસરી માનવતાની મહેક – અનેક સામાજિક સંસ્થાઓ તેમજ સ્થાનિકો એ આદર્યો સેવાનો સ્વયંભૂ યજ્ઞ

01 Nov 22 : મોરબીનો ઝૂલતો પુલ તૂટી જવાના કારણે સર્જાયેલ દુર્ઘટનામાં મોરબી તથા સૌરાષ્ટ્રની અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્થાનિક નાગરિકોએ સ્વયંભૂ રીતે જ આગળ આવી સેવાનો યજ્ઞ આદરી સૌરાષ્ટ્રના ખમીરના દર્શન કરાવ્યા છે. નાત-જાત કે ધર્મના ભેદભાવ ભૂલી સમગ્ર મોરબીવાસીઓએ આ આપદાની ઘડીમાં શકય તમામ રીતે સ્થાનિક વહીવટી તંત્ર તથા બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલ આર્મી, નેવી, એન.ડી.આર.એફ, ફાયર, પોલીસ વગેરેને મદદરૂપ થઈ પોતાની આગવી સંવેદના વ્યક્ત કરી છે. મચ્છુ નદીના પ્રવાહમાંથી લોકોને બહાર લાવવા, દુર્ઘટનાના સ્થળેથી અસરગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા, ભોજન તથા રહેઠાણની વ્યવસ્થા, ફૂડ પેકેટ, દવા, વાહન, ચા-પાણી-નાસ્તો વગેરે જેવી નાનામાં નાની વ્યવસ્થાઓ પણ તાત્કાલિક ઉભી કરી તંત્રને તાકીદના સમયે મદદરૂપ થવાનું સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓએ ગૌરવવંતુ કામ હાથ ધર્યું છે. દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શહેરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી ઉત્કૃષ્ટ નાગરિક ધર્મ બજાવ્યો હતો.

આ સેવા યજ્ઞમાં મોરબીના સ્થાનિક નાગરિકો ઉપરાંત મોરબી સીરામીક એસોસીએશન, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, જયદીપ સોલ્ટ, જલારામ યુવક મંડળ, મુસ્લીમ યુવક મંડળ, મેડીકલ એસોસિએશન, પેપરમીલ એસોસિએશન, તરવૈયા ટીકર, તરવૈયા માળીયા (મીં), રઘુવંશી એસોસિએશન, ક્રેઇન સર્વિસ ક્વોરી (ભેડીયા), આઇ.એમ.એ. મોરબી, ફીશીંગ બોટ એસોસિએશન, રાજપુત સમાજ, સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર વગેરે જેવી અનેક સંસ્થાઓનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો હતો.

મોરબી ઝૂલતા પુલના મૃતકોના માનમાં બીજી નવેમ્બરે રાજયભરમાં રાજકીય શોક

મોરબી ખાતે બનેલી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી સમગ્ર રાજ્યમાં બીજી નવેમ્બરને બુધવારના રોજ રાજકીય શોક જાહેર કરવા માં આવ્યો છે. જેના ભાગ રૂપે નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવતો હોય તે તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ લહેરાવવાનો રહેશે અને કોઈ પણ સરકારી જાહેર, સત્કાર સમારંભો, મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહીં. રાજકોટ જિલ્લના તમામ તાલુકાઓના ગામડાઓ,નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં દિવંગત આત્માઓ ને શાંતિ મળે તે માટે પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here