હાલોલ માં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 49,050/- રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર

30 Jan 22 : હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 49,050/- રૂપિયાના માલમત્તા ની ચોરી કરી ફરાર થઈ જતા નગર ખાતે ચકચાર મચી જવા પામી છે જેમાં શુક્રવારે સાંજના સુમારે મકાનમાં રહેતા દંપતી પોતાના મકાન ને બંધ કરીને વડોદરા પોતાના પુત્રને ગયા હતા તે દરમ્યાન રાત્રિના સુમારે ચોરોએ મકાન બંધ હોઈ મોકાનો લાભ ઉઠાવી ચોરી કરવા માં સફળતા મેળવી હતી જેમાં ચોરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને મકાનમાં આવેલા સીસીટીવી કેમેરાનું ડી.વી.આર. પણ ચોરી ગયા હતા જેમાં બનાવની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે મકાનનું નિરીક્ષણ કરી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખાતે રહેતા ચીમનભાઈ મંગળભાઈ પ્રજાપતિ અને તેઓના પત્ની ઉષાબેન પ્રજાપતિ શુક્રવારના રોજ સાંજના સુમારે પાવાગઢ રોડ ખાતે પોતાના મકાનને તાળું માળી વડોદરા ખાતે ગોત્રી હોસ્પિટલ સામે નર્સિંગ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા પોતાના પુત્ર આશિષ ને ત્યાં ગયા હતા જેમાં શનિવારે વહેલી સવારે તેઓના પાડોશમાં રહેતા રતિલાલ શનાભાઇ વરીયાએ ચીમન ભાઈ પ્રજા પતિ ના પુત્રને ફોન કરીને જાણ કરી હતી કે તમારા ઘરનું તાળું તૂટેલી હાલતમાં છે.  જેને લઇને પરિવારજનો વડોદરાથી હાલોલ ખાતે પોતાના પાવાગઢ રોડ ખાતેના મકાનમાં દોડી આવ્યા હતા . જેમાં તેઓએ પોતાના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલ હાલતમાં જોતા તેઓને ધ્રાસકો પડયો હતો અને ઘરમાં પ્રવેશી જોતા ઘરમાંનો તમામ સામાન વેરવિખેર હાલતમાં હતો-ઘરમાં આવેલ તિજોરી નું લોક પણ તૂટેલ હાલતમાં હતું.

જેમાં તપાસ કરતા તિજોરીમાં મુકેલ સોના ચાંદીનાદાગીના જેની અંદાજે કિંમત 48,700/- રૂપિયાની માલમત્તા ગાયબ હતી જ્યારે સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ગાયબ હતું જેમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં ઘૂસી CCTV  કેમેરાની દિશા બદલી નાખી સોના ચાંદીના દાગીના અને ડી.વી.આર.મળી કુલ 49050/- રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની જાણ તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસ મથકે કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરેલ.ચીમનભાઈ પ્રજાપતિના પુત્ર ગૌરાંગ ભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે અજાણ્યા ચોરી ઇસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર : સંજય ગોહિલ ( હાલોલ )