
યુવતીઓ,મહિલાઓ, બાળકો અને વડીલો માટે 24 કલાક સતત કાર્યરત રહેતી રાજકોટ શહેર પોલીસની સી ટીમએ ગુરુવારે ત્રિકોણ બાગ કા રાજા ગણેશ પંડાલની મુલાકાત લઈ સંધ્યા મહા આરતીનો લ્હાવો લીધો હતો.
આ પ્રસંગે ટીમના મહિલા અધિકારીએ ઉપસ્થિત જનમેદનીને સી ટીમની કાર્યપ્રણાલી, શહેરીજનો માટે તેનું મહત્વ અને કઈ રીતે કયા સંજોગોમાં તેઓ આ સેવાનો લાભ લઇ શકે છે તે વિસ્તારથી જણાવ્યું હતું. માત્ર 100 નંબર ડાયલ કરવાથી જ બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીનીઓની મદદ કરવા ઘડીના છઠ્ઠા ભાગમાં સી ટીમના પોલીસ કર્મચારીઓ શહેરના કોઈપણ ખુણે પહોંચી જાય છે.
રાજકોટ શહેરના બે ઝોન પાડીને તેમાં આ રીતે ત્વરિત સ્થળ પર પહોંચી જવામાં માટે કુલ પાંચ સી ટીમ કાર્યરત છે. ખાસ કરીને મહિલા, યુવતીઓની છેડતી, ચિલઝડપ, પરિવારથી વિખૂટા પડી ગયેલા બાળકો, મહિલાઓ, વડીલો જેવી આકસ્મિક ઘટનાઓમાં સી ટીમની કાર્યપદ્ધતિની લોકો દ્વારા પ્રસન્નતા થઈ રહી છે. આ ઉપરાંત પતિ – પત્નીના, સાસુ વહુના ઘરેલુ ઝઘડા, પાડોશીઓ સાથે મહિલાઓની તકરાર નિવારણ માટે અને કાઉન્સિલિંગ કરવામાં સી ટીમની ભૂમિકા વિશે જાણીને ઉપસ્થિતોએ આ કામગીરીને દાદ આપી હતી. સી ટીમ શાળા કક્ષાએ જઈને બાળકો, સગીરાઓને ગુડ ટચ, બેડ ટચ વિશે માહિતી આપીને સંભવિત પ્રતાડના સામે કેવી રીતે વર્તવું તે શીખવે છે. વળી આવી પરિસ્થિતિમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ સુરક્ષા સેતુના સહયોગથી આપવામાં આવે છે. શાળા કોલેજ, શોપિંગ મોલ કે વિવિધ વિસ્તારોમાં ભરાતી ગુજરી બજારોમાં સી ટીમના મહિલા કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં ફરતા રહે છે. જે સમગ્ર પરિસ્થિતિ પર બાજનજર રાખી કોઈ અણધારી ઘટનાને ત્વરિત અટકાવવા હંમેશા તત્પર રહે છે. બાળકો મહિલાઓના મોબાઇલ વળગણ અને નશાની લત છોડાવવામાં પણ સી ટીમ અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. રાજકોટ પૂર્વ વિભાગ સી ટીમના ઇન્ચાર્જ પલ્લવીબેન બી રાઠોડ, કાજલબેન, મધુબેન કિશોરભાઈ, ભાવનાબેન કણજારીયા એ ઉપરોક્ત માહિતી આપીને નગરજનોને કોઈપણ આકસ્મિક મુસીબતમાં સી ટીમની સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આવનારા દિવસોમાં 181 નંબર જેવી હેલ્પલાઇન એપ્લિ કેશન મારફત આ સેવા વધુ સક્ષમ રીતે કાર્યરત થવા જઈ રહી છે, જેનાથી વધુ ઝડપથી કોઈપણ બાળક, મહિલા, વડીલ સી ટીમ એમને સેવાનો લાભ લઇ શકશે. હાલ દરરોજના ત્રણ થી ચાર કોલ એક સી ટીમને મળી રહ્યા છે. તે જોતા પાંચ ટીમને મળીને આશરે વીસેક કોલ દરરોજ મળી રહ્યા છે.
Follow us on X ( Twitter )
ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવમાં ભક્તોનો મહાસાગર હિલ્લોળે ચડ્યો. ક્રાંતિ બેન્ડ શૉની ગણેશ ભક્તિ સંગીતમાં ભાલચંદ્રના ભકતો રસતરબોળ
ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવના ત્રીજા દિવસે દિવસભર ભાવિકોએ બાપ્પાના દર્શન માટે લાઈનો લગાવી હતી. સાંજે શહેરના પ્રબુદ્ધજનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં ગજાનન ભક્તોએ મહા આરતીનો સુખ શાતા અર્પતા લાભ લીધો હતો. રાજકોટ શહેર પોલીસની સી – ટીમના મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ મહા આરતીનો લ્હાવો લીધો હતો. ત્રિકોણ બાગ કા રાજાના સ્ટેજ પરથી સી ટીમએ ઉપસ્થિતોને સી ટીમની કામગીરીથી વાકેફ કરી માર્ગદર્શિત કર્યા હતા. ખાસ કરી ને મહિલાઓ બાળકો અને વડીલો માટે ઉપલબ્ધ સી ટીમની સેવા, નિષ્ઠા અને કાર્ય ભૂમિકા જાણી ઉપસ્થિત દર્શક, શ્રોતાઓ ભારે અભિભૂત થયા હતા. મહા આરતી બાદ ક્રાંતિ બેન્ડના શૉની સુરાવલીઓમાં ગણેશ વંદનાની ધૂનથી સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતાનો સ – ધાર્મિક માહોલ છવાયો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથિરીયા, હંસરાજભાઇ ગજેરા ( પૂર્વ અધ્યક્ષ બિન અનામત આયોગ), રઘુવંશી સમાજ મહિલા અગ્રણી જાગૃતિબેન ખીમાણી, કિરણબેન માકડિયા (રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ), રીટાબેન સખીયા, શોભાબેન સોમૈયા, રાજકોટ મનપા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, વિજુડી યુ-ટ્યુબ ચેનલ ફેઇમ ક્રિષ્ના બેસ (કિશુડી) અને દર્શનાબેન બેસ, સી.જે. ગ્રુપના ચિરાગ ધામેચા, જેન્તીભાઇ સાપરિયા, રાજેન્દ્રભાઈ રાઘેલિયા, મનુભાઈ પ્રજાપતિ, હરેશ ડાંગર તથા નીનાબેન વજીર (રાજકોટ શહેર પૂર્વ મંત્રી ભાજપ), ભાજપ મહિલા અગ્રણી દિવ્યાબેન ચૌહાણ, રાષ્ટ્રીય કરણી સેના મહિલા પ્રમુખ દિક્ષિતાબા ચૌહાણ, વિજય ગઢિયા, (ડિરેક્ટર), સંગીતા ગઢિયા (માતૃ મંદિર કોલેજ),સચિન કોટક, હરેશ બોરીચા, અભય નંદા સહિતના આમંત્રિત મહેમાનોએ સંધ્યા મહા આરતીનો લાભ લીધો હતો.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ .વલ્લભ કથીરિયાએ તેના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ત્રિકોણબાગ કા રાજાએ જાજરમાન સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવાનું પ્રણેતા છે. છેલ્લા 25 વર્ષથી થતાં આ આયોજનમાં હું પ્રારંભથી જ દર્શન કરવા આવતો રહું છું. ડૉ . કથિરીયાએ આઝાદીના આંદોલનને મજબૂત કરવા મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકએ પ્રારંભ કરાવેલા સાર્વજનિક ગણેશ મહોત્સવના પ્રારંભિક કાળને યાદ કરીને સામાજિક સમરસતા,એકતા અને ભાઈચારાના સૌહાર્દને સુદ્રઢ કરવામાં ત્રિકોણ બાગ કા રાજાના યોગદાનને બિરદાવ્યું હતું. આજે શુક્રવારે રાતે ૮:૩૦ કલાકે મહા આરતી બાદ રાત્રે ૯ કલાકે મુંબઈના કલાકારોની સપ્તક સુર સંધ્યા પ્રસ્તુત થશે. જેનો સહપરિવાર આનંદ લેવા આયોજક જીમ્મીભાઈ અડવાણીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.