
15 May 23 : અમદાવાદ : ગુજરાતમાં હાલ લોકો આગ ઝરતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી નજીક પહોંચ્યો છે. ત્યારે બપોરના સમયે રોડ-રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ગરમીથી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગરમીને લઈને આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ તાપમાન ઘટશે તેવી સંભાવના છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો જોવા મળી શકે છે. જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે રવિવાર અમદાવાદનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં શહેરમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
બે દિવસ યેલો એલેર્ટ રહેશે. ! વિભાગે જણાવ્યું કે, પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનોના કારણે આગામી બે દિવસ શહેરમાં તાપમાન ઘટવાની સંભાવના છે. આગામી બે દિવસમાં તાપમાન 1-2 ડિગ્રી સુધી ઘટી શકે છે. જો કે, હાલ હિટ એક્શન પ્લાન હેઠળ બે દિવસ યેલો એલેર્ટ રહેશે. ઉલ્લેકખની છે કે શહેરમાં ગરમી વધવાની સાથે હીટ સ્ટ્રોક, ઝાડા-ઉલટી, લુ લાગવા સહિતના કેસોમાં વધારો થયો છે. શહેરના આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. ઉપરાંત, પાણી, છાશ સહિતના પીણાનું સેવલ પર્યાપ્ત પ્રમાણમાં કરવા સૂચન કરાયું છે.
વધુમાં વાંચો… કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, આ દિવસે આવશે અમદાવાદ, જાણો શું છે કાર્યક્રમ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઔડા અંતર્ગત આવતા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 મેના રોજ અમદાવાદ આવવાના છે. ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા વિસ્તારની યોજનાઓનું ઉદઘાટન પણ કરશે.
મળતી માહિતી મુજબ, એએમસી અને ઔડા હેઠળ આવતા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે 20 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. અમિત શાહ એએમસીના અંદાજિત 500 કરોડથી વધુના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નારણપુરા બેઠક પર 1.5 કરોડના ખર્ચે લાઇબ્રેરી અને રૂ.1.5 કરોડના ખર્ચે જિમનેશિયલનું નિર્માણ થશે. જ્યારે, ચાંદલોડિયામાં 17 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ડ પ્લાન્ટ બનાવાશે. ઉપરાંત, 300 કરોડના ખર્ચે નિર્માણ થનારા 2500 આવાસના ડ્રો પણ કરાશે. મણિપુરમાં હિંસા બાદ મુખ્યમંત્રીની અમિત શાહ સાથે મુલાકાત. જણાવી દઈએ કે, મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ફાટી નીકળી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ અને રાજ્ય ભાજપ અધ્યક્ષ સાથે 14 મેના રોજ દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી. જણાવી દઈએ કે, મણિપુરમાં 3 મેના રોજ મૈતેઈ અને કુકી આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધી 60 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે.
વધુમાં વાંચો… ગાંધીનગર – જમીન લે-વેચનું કામ કરતી યુવતીને રાંચરડામાં જમીન બતાવવાનું કહી અમદાવાદના યુવકે કારમાં દુષ્કર્મ આચર્યું, પછી ફેંકીને નાસી ગયો
જમીન લે-વેચનું કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકમાં નોંધાઈ છે. અમદાવાદના યુવકે કારમાં યુવતી સાથે બળાત્કાર કરી તેણીને ફેંકીને નાસી ગયો હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો છે. આ મામલે પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. માતા-પિતા વગર યુવતી અમદાવાદ માં રહેતી હતી. મળતી માહિતી મુજબ, માતા-પિતાથી અલગ અમદાવાદ ખાતે રહેતી 27 વર્ષીય યુવતી જમીન લે-વેચનું કામ કરે છે. યુવતી અમદાવાદ,ગાંધીનગર સહિત અન્ય વિસ્તારો માં જમીન લે-વેચનું કામ કરતી હોવાથી અમદાવાદના ચિરાગ નામના જમીન દલાલના સંપર્કમાં આવી હતી. છેલ્લા બે મહિનાથી યુવતી ચિરાગના સંપર્કમાં હતી ને ધંધાર્થે તેઓ એક બીજાને મળતા પણ હતા. ફરિયાદ અનુસાર,બે દિવસ પહેલા જમીન દલાલ ચિરાગ તેની કારમાં યુવતીને લઈ ગાંધીનગરના રાંચરડા ખાતે જમીન બતાવવા માટે લઈ ગયો હતો. જમીન જોયા બાદ જ્યારે બંને અમદાવાદ પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ચિરાગે યુવતી પાસે અઘટિત માગણીઓ કરી હતી.
યુવતીએ યુવકની માગણીઓનો પ્રતિકાર કર્યો હતો. જો કે, યુવતીએ ચિરાગની માગણીઓનો પ્રતિકાર કર્યો હતો. ત્યારે ચિરાગે રાંચરડા વિસ્તારની અવાવરું જગ્યાએ ગાડી ઊભી રાખીને યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ક્યો હતો. દુષ્કર્મ કર્યા બાદ ચિરાગ યુવતીને ગાડીમાંથી બહાર ફેંકી નાસી ગયો હતો. જેમ તેમ કરી યુવતી ઘરે પહોંચી હતી. આ મામલે યુવતીએ સાંતેજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ચિરાગ વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં વાંચો… બગસરા તાલુકા ભાજપના પ્રમુખનો સિંહ સાથેનો સેલ્ફી વીડિયો વાઈરલ થતા વિવાદ સર્જાયો

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં અને હાઈવે પર સિંહની અવરજવરના વીડિયો વાઈરલ થતા રહે છે. પરંતુ, હાલ બગસરા તાલુકા ભાજપના પ્રમુખનો સિંહ સાથેનો સેલ્ફી વીડિયો વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. મારણ આરોગી રહેલા સિંહ સાથે પ્રદીપ ભાખરનો વીડિયો વાઈરલ થતા વનવિભાગે તપાસના આદેશ આપ્યા છે. ભૂતકાળમાં સિંહ સાથે અનેક સેલિબ્રિટીઓના ફોટાને લઈને પણ વિવાદ થઈ ચૂક્યો છે.
પ્રદીપ ભાખરે પોતાના ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખરે જાણે સામે ચાલીને જ વિવાદને આમંત્રણ આપ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રદીપ ભાખરે રાત્રિના સમયે સિંહ દર્શન કર્યા હોવાનું અને મારણ આરોગી રહેલા સિંહ સાથે સેલ્ફી સાથેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. આ મામલે પ્રદીપ ભાખર સાથે’ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો ફોન સતત નો રિસિવ થયો હતો. બગસરા તાલુકા ભાજપ પ્રમુખનો સિંહ સાથેની સેલ્ફીનો વીડિયો વાઈરલ થતા વિવાદ થયો છે. ત્યારે અમરેલી ડિવિઝનના ડીસીએફનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવે છે. જ્યારે આ મામલે જૂનાગઢ વનવિભાગના સીસીએફ આરાધના સાહૂ સાથે વાત કરતા તેઓ દ્વારા આ મામતે તપાસના આદેશ આપવામાં આવ્યો હોવાની વાત કરી હતી.
વધુમાં વાંચો… ફેસબુકે યુઝર્સની પ્રાઈવસી સાથે કરી દીધી મોટી રમત, મેટાએ માંગી માફી, જાણો સમગ્ર મામલો
જો તમે ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે હાલમાં જ એક સમસ્યા જોઈ હશે, કેટલાક લોકોને તમારા એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હશે પરંતુ તમે તેને મોકલી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આ સમસ્યા ફેસબુકના પ્લેટફોર્મમાં જોવા મળી હતી. ફ્રેન્ડ રિક્વેસ્ટ આપોઆપ અજાણ્યા લોકો પાસે જતી હતી, જોકે હવે કંપની દ્વારા આ સમસ્યાને ઠીક કરી લેવામાં આવી છે. મેટાએ ફેસબુકમાં એક બગને ઠીક કરી દીધું છે જે યુઝર્સ દ્વારા કોઈની પ્રોફાઇલ પર જવા પર આપમેળે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દેતું હતું. અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર મોટા પાયે ગોપનીયતા ભંગ અંગે ઘણા યુઝર્સ દ્વારા ફરિયાદ કર્યા પછી કંપનીએ ભૂલ માટે માફી માંગી.
કંપનીએ કહ્યું – સમસ્યા ઠીક કરી લેવામાં આવી છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમે તાજેતરના એપ અપડેટથી સંબંધિત બગને ઠીક કરી દીધું છે જેના કારણે કેટલીક ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ ભૂલથી મોકલવામાં આવી હતી. અમે આને થતું અટકાવી દીધું છે અને કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.” એક યુઝરના જણાવ્યા અનુસાર, ફેસબુકે એક વ્યક્તિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી જેને તે બ્લોક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘણા ફેસબુક યુઝર્સે કહ્યું કે તેઓએ તેમના એકાઉન્ટને નિષ્ક્રિય કરી દીધું છે. દરમિયાન, મેટાએ કહ્યું કે તેણે માલવેર ક્રીયેટર્સ શોધી કાઢ્યા છે જેઓ ChatGPT માં જાહેર હિતનો લાભ લઈ રહ્યા છે અને આ રસનો ઉપયોગ યુઝર્સને હાનિકારક એપ્લિકેશનો અને બ્રાઉઝર એક્સ્ટેંશન ડાઉનલોડ કરવા માટે લલચાવવા માટે કરે છે.