
04 Jan 23 : અમેરિકા અફઘાનિસ્તાનની મહિલાઓની સાથે ઉભું છે અને દેશમાં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ લાદવાના તાલિબાનના તાજેતરના પગલાની સખત નિંદા કરે છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પિયરે તેની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે ઉભા છીએ અને તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ અને અધિકારોને મર્યાદિત કરવાના નિર્ણયની નિંદા કરીએ છીએ.”
કેરિન જીન-પિયર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અમેરિકામાં રહેતી અફઘાન મહિલાઓ રવિવારે વ્હાઈટ હાઉસની સામે તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધના વિરોધમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી. તો અમેરિકામાં રહેતી અફઘાન મહિલાઓ માટે રાષ્ટ્રપતિનો શું સંદેશ છે?
કેરિન જીન-પિયરે કહ્યું, “જેમ કે અમે પહેલા પણ કહ્યું છે કે, તાલિબાનના આ પગલાઓ તેને આંતરરાષ્ટ્રીય સમુદાયથી વધુ અલગ પાડશે અને તેના શાસનને કાયદેસર બનાવવાની તેની ઇચ્છા પણ પૂર્ણ થશે નહીં.” એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ‘અમે આ મુદ્દે અમારા ભાગીદારો અને સહયોગીઓના સંપર્કમાં છીએ. અમે અફઘાનિસ્તાનની મહિલાઓ અને છોકરીઓને સમર્થન આપવા માટે પગલાં લેવાનું ચાલુ રાખીશું અને અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાના અમારા સહિયારા પ્રયાસોને આગળ વધારીશું.’
ઉલ્લેખનીય છે કે તાલિબાન સરકારે તાજેતરમાં જ મહિલા શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કરી લીધો હતો. તે સમયે અમેરિકા અને અન્ય દેશોની સેના અને લોકો ત્યાંથી જલ્દી-જલ્દીમાં ચાલ્યા ગયા. લોકો કાબુલ એરપોર્ટની બહાર ઘણા દિવસો સુધી રાહ જોતા રહયા, જેથી તેઓને પણ તાલિબાનના શાસનમાં જીવવું ન પડે અને તેઓ કોઈક રીતે અન્ય દેશોમાં આશરો લઈ શકે. લોકોને કાર્ગો વિમાનોમાં ભરીને ભારત સહિત ઘણા દેશોમાં લઈ જવામાં આવ્યા હતા. પ્લેનની અંદર જગ્યા ન મળતા ઘણા લોકોએ વિમાન સાથે લટકી જવાની કોશિશ કરી, પરંતુ વીડિયોમાં તમે જોયું જ હશે કે એક વ્યક્તિ પ્લેન માંથી નીચે પડતો પણ જોવા મળ્યો હતો.
વધુમાં વાંચો… યૂક્રેન પર હુમલાનો વીડિયો ડોક્યુમેન્ટરી તરીકે બતાવશે રશિયા, પુતિનનો આદેશ
રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. દરમિયાન, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સેનાએ યૂક્રેનના વિવિધ વિસ્તારોમાં નાગરિકો પર નિર્દયતા દાખવી. આમાં, બુચાથી લઈને મારિયુપોલ સુધી ભીષણ રોકેટ હુમલા અને તેમાં માર્યા ગયેલા યૂક્રેનિયન નાગરિકોની સામૂહિક કબરો મળી આવ્યાના અહેવાલો સામે આવ્યા છે. દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હવે તેમના અધિકારીઓને દેશના સિનેમાઘરોમાં યૂક્રેન પર કરવામાં આવેલા હુમલાઓની ડોક્યુમેન્ટરી ફિલ્મોની સીરીઝ બતાવવાનું શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
અહેવાલોમાં કહેવામા આવ્યું છે કે પુતિને આદેશ આપ્યો છે કે રશિયાએ યૂક્રેનમાં જે રીતે યુદ્ધ કર્યું છે, તે સામાન્ય નાગરિકોને સિનેમા હોલમાં બતાવવામાં આવે, જેથી લોકો રશિયન શાસનની ‘નિયો-નાઝી’ વિચારધારા વિરુદ્ધ લડાઈ વિશે વાકેફ થાય. ક્રેમલિને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે રશિયાના સંસ્કૃતિ મંત્રાલયે 1 ફેબ્રુઆરી સુધીમાં આ આદેશનો અમલ કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, પુતિને ગયા વર્ષે જ યૂક્રેનમાં સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રશિયન રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું કે યૂક્રેનનું ડિમિલિટરાઇઝેશન જરૂરી છે. હવે, એક વર્ષ પછી, યૂક્રેનમાં રશિયાની મર્યાદિત સિદ્ધિઓ વચ્ચે, પુતિને સંરક્ષણ મંત્રાલયને આદેશ આપ્યો છે કે તેઓ એ રશિયન ફિલ્મ નિર્માતાઓને મદદ કરે, જે યૂક્રેન સામે રશિયાના હુમલાઓ પર ડોક્યુમેન્ટરી બનાવવા માટે તૈયાર હોય. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ નિર્માતાઓએ યૂક્રેનમાં રશિયાની સફળ સૈન્ય કાર્યવાહી અને તેને અંજામ આપનારા સૈનિકોની બહાદુરી દર્શાવવી પડશે. રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુને આ કાર્ય પૂર્ણ કરવા માટે 1 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રશિયા દ્વારા યૂક્રેન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું ત્યારથી મોટાભાગની રશિયન ચેનલો અને મીડિયા સંસ્થાઓએ પુતિનના સૈન્ય અભિયાનના સમર્થનમાં પ્રસારણ શરૂ કર્યું છે. જયારે સ્વતંત્ર મીડિયા ચેનલો કાં તો બંધ કરી દેવામાં આવી છે અથવા તેમનું ફંડિંગ રોકી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઘણા પત્રકારોએ પણ રશિયા છોડી દીધું છે.