બજારમાં કડાકો છતાય આ શેર 62 ટકા સુધી ચડ્યો, 5 દિવસમાં 31 ટકાનો ઉછાળો

28 Sep 22 : Liberty Shoes Ltd Share – સપ્ટેમ્બર મહિનો શેરબજાર માટે સારો રહ્યો નથી. પરંતુ આ સમય દરમિયાન પણ એક એવો સ્ટોક હતો જેને બજારના ઘટાડાથી જરાય અસર થઈ ન હતી. અમે વાત કરી રહ્યા છીએ ફૂટવેર કંપની લિબર્ટી શૂઝ (Liberty Shoes) ની. સપ્ટેમ્બર મહિનામાં આ સ્ટોક રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આપને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં એસએન્ડપી બીએસઈ સેંસેક્સ (BSE Sensex) માં 4.5 ટકાના ઘટાડાની સરખામણીમાં 62 ટકાના વધારા સાથે શેર બજારથી સારું પ્રદર્શન કર્યું છે.

ચાર વર્ષના હાઈ પર લિબર્ટી શૂઝના શેર – લિબર્ટી શુઝનો શેર 282.35 રૂપિયાની ચાર વર્ષની ટોચે પહોંચ્યો હતો. બુધવારે જ્યારે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં બજાર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યું હતું, ત્યારે BSE પર શેર 13 ટકાના વધારા સાથે 282.35 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં શેરમાં 30.39 ટકા ટકાનો વધારો (Stock return)થયો છે અને તે જાન્યુઆરી 2018 થી અત્યાર સુધીની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા 22 જુલાઈ 2014ના રોજ તે 351 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો.

કંપનીનો વેપાર શું છે ? – લિબર્ટી શુઝની હાલમાં એક દિવસમાં 50,000 થી વધુ શૂઝ બનાવવાની ક્ષમતા છે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં દસ જુદી જુદી બ્રાન્ડ બનાવે છે. Leap 7X, Healer, Lucy & Luke અને AHA એ કંપનીની માલિકીની બ્રાન્ડ છે જેણે બજારમાં સારું પ્રદર્શન કર્યું છે અને કંપનીના કુલ વેચાણમાં તેમનો હિસ્સો વધારી રહી છે.

શેર માર્કેટમાં કડાકો – મંદીના ભય અને આરબીઆઈ તરફથી રેપો રેટ વધારવાની અપેક્ષા વચ્ચે આજે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં જોવા મળી રહેલી સુસ્તી વચ્ચે યુએસ માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ લાલ નિશાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 શેરો વાળા સેન્સેક્સ 397.39 પોઈન્ટ ઘટીને 56,710.13 પોઈન્ટ ના સ્તર પર ખુલ્યો હતો. આ સિવાય 50-શેર નિફ્ટીમાં પણ પ્રારંભિક ઘટાડો જોવા મળ્યો હતો અને તે 137 પોઈન્ટ ઘટીને 16,870.55 પોઈન્ટ પર ખુલ્યો હતો.