ગાંધીનગર – માણસામાં ધોળા દિવસે ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં ત્રણ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો, ઘટના CCTV માં કેદ

ગાંધીનગરના માણસામાં મહાવીર કોમ્પ્લેક્સમાં આવેલા એક ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં ધોળા દિવસે ત્રણ જેટલા શખ્સોએ લોખંડની પાઇપો સાથે ઘૂસી આતંક મચાવ્યો હતો અને શોરૂમ ના કાંચ તોડી, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની તોડફોડ કરી રૂ. 71 હજારની લૂંટ કરી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉના બાકી રૂપિયા માગતા શખ્સ ઉશ્કેરાયો હતો. માણસામાં આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં સાગરભાઈ ઘનશ્યામભાઇ દરજી છેલ્લાં 15 વર્ષ થી પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામનું શોરૂમ ધરાવી વ્યવસાય કરે છે. બુધવારે બપોરે સાગરભાઈ તેમના પિતા સાથે શોરૂમમાં હતા ત્યારે ભરત ઉર્ફે ડિગ્રી દશરત ઠાકોર ત્યાં આવ્યો હતો અને તેની ઓફિસમાં બે એ.સી. ફીટ કરવાનું કહ્યું હતું. જો કે, અગાઉ તિજોરીના બાકી રૂ. 23 હજાર આપવાનું સાગરભાઈએ કહેતા ભરત ઠાકોર ઉશ્કેરાયો હતો અને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.
શોરૂમના માલિકને જાનથી મારવાની ધમકી આપી. ત્યાર બાદ સાંજના સમયે ભરત તેમના બે સાગરિતા સાથે સાગરભાઈના શોરૂમમાં આવ્યો હતો અને લોખંડની પાઇપ વડે શોરૂમના કાંચ તોડી અંદર પડેલા ટીવી, એસી, ફ્રીઝ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોની તોડફોડ કરી હતી. ત્યાર બાદ રૂ. 71 હજારની લૂંટ કરી ત્યાંથી ફરાર થયા હતા. જતા સમયે ભરતે સાગર ભાઈ અને તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સાગરભાઈએ શોરૂમમાં તપાસ કરતા 43 ઇંચના 2 ટીવી , 32 ઇંચના 2 ટીવી, એક કૂલર, ઘરઘંટી, ફ્રીજ, એક ટાવર ફેન, એસી તેમ જ એક્ટિવા મળીને કુલ રૂ.1 લાખ 58 હજાર 300નું નુકસાન તેમ જ રોકડ રૂ. 71 હજારની લૂંટ કરતાં ગયાનું જાણવા મળ્યું હતું. આ મામલે સાગરભાઈએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં વાંચો… કેરેબિયન સમુદ્રમાં મજબૂત ધરતીકંપથી પનામા, કોલંબિયા ધ્રુજી ઉઠ્યા; 6.6ની તીવ્રતા
પનામા-કોલંબિયા સરહદે મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે ભૂકંપના કારણે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. હાલ આ અંગે કંઈ કહેવું શક્ય નથી. કેરેબિયન સમુદ્રમાં બુધવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપથી ખળભળાટ મચી ગયો છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે સમુદ્રમાં મોજાઓ ઉછળવા લાગ્યા. દરિયામાં ભયંકર ગર્જના થી ભયજનક વાતાવરણ સર્જાયું હતું. દરિયામાં મોજાના ઉછળવાથી આવતો અવાજ સાંભળીને આસપાસના લોકો ગભરાઈ ગયા.
યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર કેરેબિયન સમુદ્રમાં આવેલા આ ભૂકંપથી પનામા અને કોલંબિયા પણ હચમચી ગયા હતા. વાસ્તવમાં આ કેરેબિયન સમુદ્ર પનામા અને કોલંબિયા બોર્ડરથી થોડે દૂર આવેલો છે. USGS અનુસાર, આ ભયાનક ભૂકંપની તીવ્રતા 6.6 આંકવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વેએ કહ્યું કે હાલમાં ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પનામાના પ્યુર્ટો ઓબાલ્ડાથી લગભગ 41 કિલોમીટર ઉત્તરપૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ ટીમો નુકસાનનું નિરીક્ષણ કરવામાં વ્યસ્ત છે. જો કે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. ભૂકંપ બાદ દરિયાઈ તોફાનને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી.
જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પણ મધ્ય અમેરિકન દેશો કોસ્ટા રિકા અને પનામામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું હતું કે કોસ્ટા રિકાની રાજધાની સેન જોસમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 31 કિલોમીટરની ઊંડાઈ પર હતું. ભૂકંપનું કેન્દ્ર ચિરીકી પ્રાંતના બોકા ચિકાથી લગભગ 72 કિલોમીટર દક્ષિણમાં હતું, જેના આંચકા પડોશી કોસ્ટા રિકાની રાજધાની સેન જોસમાં પણ અનુભવાયા હતા. પનામામાં ભૂકંપના આંચકાના કારણે એક સ્થાનિક ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી જમીન પર પડી ગયો હોવાના અહેવાલ મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here