આજે ચેન્નઇ માટે શુભમન ગિલને રોકવો પડકાર રહેશે, ગુજરાત સામે અત્યાર સુધી નથી જીતી શકી ધોનીની ટીમ

મહેન્દ્ર સિંહ ધોની એક કુશળ વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે તેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ મંગળવારે ચેપોક સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ ( IPL )ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે ત્યારે તેણે ફોર્મમાં રહેલા શુભમનને રોકવા વધુ મહેનતની જરૂર પડશે. શુભમને છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીના સદીના પ્રયાસને બરબાદ કરી દીધો હતો, જેના પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચેન્નઈ સામેની મેચમાં બધાની નજર આ યુવા બેટ્સમેન પર રહેશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે અને તે તમામમાં ગુજરાત જીતવામાં સફળ રહ્યું છે. એટલે કે ચેન્નઈ ગુજરાત સામે પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. ગુજરાતનો કેપ્ટન હાર્દિક ચેન્નઈના કેપ્ટન ધોનીને પોતાનો મેન્ટર અને રોલ મોડલ માને છે. આ સીઝનની પ્રથમ મેચ CSK અને GT વચ્ચે રમાઈ હતી જેમાં ગુજરાતે ચેન્નઇને હરાવ્યું હતું. ગુજરાતનો પાંચ વિકેટે વિજય થયો હતો.
ગુજરાતની ટીમ પણ ચેન્નઈની જેમ પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફારો કરવામાં રસ ધરાવતી નથી. ગુજરાત ટાઇટન્સે ચેપોક ખાતે આ સીઝનમાં એક પણ મેચ રમી નથી. પાવરપ્લેમાં દીપક ચહરની બોલિંગ અને ડેથ ઓવર્સમાં મતિષા પથિરાનાના પ્રદર્શનની પણ પરિણામ પર ખાસ અસર પડશે. ગુજરાત પ્લેઈંગ ઈલેવનમાં આયરલેન્ડના જોશુઆ લિટલનો પણ સમાવેશ કરી શકે છે. ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ સારા ફોર્મમાં છે. રહાણે અને શિવમ દુબેએ સીઝનમાં અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યું છે. જોકે,અનુભવી મોહમ્મદ શમી અને રાશિદ ખાન નો સામનો કરવો ચેન્નઈના બેટ્સમેનો માટે આસાન નહીં હોય. જો મેચ માટે પિચને સપાટ બનાવવામાં આવશે તો સ્પિનરોની ભૂમિકા મહત્વની બની જશે. ચેન્નઈ પાસે રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને તિક્ષ્ણાના રૂપમાં સારા સ્પિનરો છે. તો ટાઈટન્સ પાસે રાશિદ અને નૂર અહેમદ છે. અફઘાનિસ્તાનના બંને સ્પિનરોએ સીઝનમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે.

વધુમાં વાંચો… આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ઇગ્લેન્ડ રવાના થશે ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં 7 જૂનથી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ભારતીય ટીમના ખેલાડીઓને 3 બેચમાં ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. ભારતીય WTC ટીમના સભ્યોની પ્રથમ બેચ 23 મેના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જેમાં વિરાટ કોહલી ઉપરાંત રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ મુખ્ય ખેલાડી તરીકે સામેલ છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રથમ બેચ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. વિરાટ કોહલી પણ WTC ફાઈનલ મેચની તૈયારી માટે પ્રથમ બેચ સાથે રવાના થઈ રહ્યો છે અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ તેમાં સામેલ છે.IPLની 16મી સીઝનમાં નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ પ્રથમ બેચ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. BCCIની મેડિકલ ટીમ તેની ફિટનેસ પર સતત નજર રાખશે. પરંતુ તે હજુ સુધી મેચ માટે ફિટ નથી. તેણે હમણાં જ થોડી બોલિંગ શરૂ કરી છે.
એશિઝ 2023 અગાઉ ઇગ્લેન્ડે બનાવી ખાસ રણનીતિ, આ રીતે કરાશે સ્ટોક્સનો ઉપયોગ. એશિઝ 2023 શુક્રવાર, 16 જૂનથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ તરફથી વધુ નિર્ણય લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આગામી એશિઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉપયોગ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. બ્રિટિશ અખબારના મીડિયા રિપોર્ટ અનુસાર, બેન સ્ટોક્સના ઘૂંટણની ઈજાને ધ્યાનમાં રાખીને આવું કરી શકાય છે. ‘ધ ટાઈમ્સ’ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આઈપીએલ 2023માં સ્ટોક્સે માત્ર એક ઓવર ફેંકી હતી અને તે 3 એપ્રિલ પછી લીગમાં કોઈ મેચ રમ્યો નહોતો. ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે સ્ટોક્સને બોલિંગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો સ્ટોક્સ બોલિંગ નહી કરે તો ચોથા ઝડપી બોલરને ટીમમાં સામેલ કરવામાં આવશે. મતલબ કે ટોપ ઓર્ડરમાં સ્ટોક્સને સામેલ કરાશે. ટોપ ઓર્ડરમાં રમી રહેલા જેક ક્રાઉલીની જગ્યાએ સ્ટોક્સને ટોપ ઓર્ડરમાં સામેલ કરી શકાય છે.

વધુમાં વાંચો… ચેપોકમાં પ્રથમ ક્વોલિફાયર મેચ, જાણો આ મેદાન પર કેવો છે ધોનીનો પ્લે ઓફ મેચમાં રેકોર્ડ
IPLની 16મી સીઝનમાં આજથી પ્લેઓફ મેચો શરૂ થશે. 23 મેના રોજ, પ્રથમ ક્વોલિફાયર મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
આઈપીએલની 16મી સીઝનમાં આજથી પ્લેઓફ મેચો શરૂ થશે. 23 મેના રોજ, પ્રથમ ક્વોલિફાયર મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. જો આ મેદાન પર CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બેટિંગ રેકોર્ડ જોવામાં આવે તો તે ઘણો પ્રભાવ શાળી છે. જોકે, પ્લે ઓફ મેચોમાં ધોનીનો રેકોર્ડ વધુ સારો દેખાતો નથી. મહેન્દ્ર સિંહ ધોનીએ તેની IPL કરિયરમાં અત્યાર સુધી કુલ 24 પ્લેઓફ મેચ રમી છે. આમાં તે માત્ર 472 રન જ બનાવી શક્યો છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ધોનીએ અત્યાર સુધી 61 મેચમાં 1444 રન બનાવ્યા છે. આ ધોનીનો આઈપીએલ કરિયરમાં કોઈપણ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. પ્લેઓફ મેચોની વાત કરીએ તો ધોનીને ચેપોકમાં 2 મેચ રમવાની તક મળી. આ 2 મેચમાં ધોનીનો સ્કોર 22 અને 14 રન છે. આમાં એક મેચ 2011ની સિઝનની અંતિમ મેચ હતી, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાઈ હતી. અને બીજી મેચ વર્ષ 2012માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ફાઈનલ મેચ હતી.
ચેપોકમાં આ સીઝનમાં અત્યાર સુધીનો રેકોર્ડ ધોનીનો છે. ચેન્નઈ સુપર કિંગ્સને લાંબા સમય પછી આ સીઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમવાની તક મળી છે. ધોનીએ આ સીઝનમાં 10 ઇનિંગ્સમાં 51.50ની એવરેજથી કુલ 103 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોની 8 વખત અણનમ પેવેલિયન પરત ફર્યો છે. ચેપોકમાં ધોની આ સીઝનમાં 6 ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતર્યો છે. આમાં તે સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી શક્યો હતો. ધોનીએ ચેપોકમાં આ સિઝનમાં કુલ 81 રન બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here