03 Sep 22 : કોર્પોરેશન કર્મચારીઓને લગતા અલગ-અલગ મુખ્ય 12 સહિત કુલ 33 પ્રશ્ર્નો વર્ષોથી પડતર છે. જેનું નિરાકરણ લાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ર્નોનો નિરાકરણ ન આવતા આજે કોર્પોરેશનના અલગ-અલગ 8 યુનિયનો દ્વારા કર્મચારીઓની હક્ક યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ આવેદન મ્યુ.કમિશનર અમિત અરોરાને આપવામાં આવ્યું હતું. જો પડતર પ્રશ્ર્નોનો સત્વરે નિવેડો નહિ લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરિષદ, ડ્રાઇવર એસોસિએશન, મહાનગર પાલિકા કર્મચારી મંડળ, કર્મચારી એકતા મંડળ, એન્જીનીયરીંગ એસો સિએશન, સફાઇ કામદાર જાગૃતિ મંડળ અને પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા આજે વર્ષોથી પડતર અલગ-અલગ પ્રશ્ર્નો અંગે કર્મચારીઓ ની હક્ક યાત્રા જેવો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આઠેય યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં એકત્રિત થયા હતા. જ્યાં તેઓએ ઉગ્ર આંદોલનનો ઘંટારવ કર્યો હતો. કર્મચારી એકતા જિંદાબાદના નારા સાથે કોર્પોરેશનની કચેરી ગુંજી ઉઠી હતી. અલગ-અલગ યુનિયનના નેતાઓએ કર્મચારીઓની પડતર માંગણી આગામી દિવસોમાં વધુ બુલંદ બનાવવાની ઘોષણા કરી હતી.

રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરિષદના પ્રમુખ અને કોર કમિટીના અધ્યક્ષ કશ્યપભાઇ શુક્લની આગેવાનીમાં મ્યુનિ.કમિશનરને કરવામાં આવેલી રજૂઆત અને આવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે 33 પ્રશ્ર્નો લાંબા સમયથી નિરાકરણ વગર પડતર રહેતા આપને યુનિયનના હોદ્ેદારો સાથે રૂબરૂ રજુઆત કરાતા ડે.કમિશનર આશિષ કુમારને રૂબરૂ બોલાવી તમામ પ્રશ્ર્નને મીટીંગનું આયોજન કરી સત્વરે નિરાકરણ કરવા સુચના આપી હતી.

જે અંગે તા.07/02/2022 તથા 27/04/22 રોજ આ મીટીંગમાં ફક્ત આયોજન કરી બોલાવવામાં આવેલ છે. જેમાં અમારી વ્યાજબી અને ન્યાયિક પ્રશ્ર ને મુદ્દા વાઈઝ રજુઆત કરતા મહેકમ શાખાના આસી.કમિશનર સમીરભાઈ ધડુક, આસી.મેનેજર વિપુલભાઈ ધોણીયા હાજર રહી મીટીંગમાં યુનિયન ના પ્રતીનીધી સાથે ચર્ચા થયેલ છે. કોઈજ પ્રશ્નના નિરાકરણ કરાયેલ નથી કે નિકાલ લાવવામાં આવેલ નથી.યુનિયન દ્વારા પડતર પ્રશ્નના નિરાકરણ અંગે ગાંધિ ચીધ્યા માર્ગે જતા પહેલા મેયર સ્ટે.ચેરમેન સાથે અમારા પ્રશ્નનો રજુ કરી રજુઆત કરતા તેઓની સુચના મુજબ કમિશનર સાથે રૂબરૂ ચર્ચા કરી ન્યાયિક પ્રશ્નમાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પદાધીકારીઓ દ્વારા આપવામાં આવેલ હતી.

પરંતુ પદાધીકારીઓની સુચનાનું પાલન થયેલ નથી કે ડેપ્યુટી કમિશ્નરને સમય નથી. જે ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય નિરાકરણ ન કરવામાં નહિં આવે તો યુનિયન દ્વારા કોઈપણ સમયે આંદોલન કરવાની ફરજ પડશે. આશા છે. આપની હાજરીમાં તમામ પ્રશ્નો લગત તમામ અધિકારીને હાજર રાખી ચર્ચા કરવા સમય આપવામાં વિલંબ થયે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

  • રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અંગે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને રજૂઆત કરતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને વિવિધ પ્રશ્ન-સમસ્યાઓ અંગે હાલાકી ભોગવવી પડી રહી હોય જે અંગે આપશ્રી દ્વારા નીચે દર્શાવેલ મુદ્દે સત્વરે ઉકેલ લાવવા કાર્યવાહી કરશો.

1. વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા રજુ કરવામાં આવેલ જુદા-જુદા ૨૯થી વધુ પ્રશ્નોના નિરાકરણ લાવવા.

2. જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવી.

3. ફિક્સ પગાર પ્રથામાં નામદાર હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણુંકથી તમામ લાભ કર્મચારીને મળવા અંગે.

4. સાતમાં પગારપંચના બાકી ભથ્થા તા.૦૧/૦૧/૨૦૧૬ની અસરથી લાગુ પાડવું.

5. રહેમરાહે નિમણુંક થયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણુંકની તારીખથી સળંગ ગણી તમામ લાભ આપવા તેમજ ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં વારસદારોને અપાતી ઉચ્ચક નાણાકીય સહાયને બદલે અગાઉની જેમ વારસદારને ત્રણ માસમાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી.

6. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક ૧૦-૨૦-૩૦ વર્ષનો ઉચ્ચતર પગારધોરણનો લાભ રાજ્ય સરકાર ને લાગુ પડતા કર્મચારીઓને પગાર મર્યાદા સિવાય આપવો.

7. રૂ.૧૦ લાખની મર્યાદામાં કેશલેશ મેડીકલેઇમના લાભ આપવા.

8. વયનિવૃત્તિ ૫૮ વર્ષથી વધારી કેન્દ્ર સરકાર માફક ૬૦ વર્ષની કરવી.

9. ૩૦ જુન ના રોજ નિવૃત થતા કર્મચારીઓને એક ઇજાફા સહીત પેન્શનનો લાભ આપવો.

10. ૪૫ વર્ષની વયમર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના લાભાલાભ આપવા.

11. કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદ્દતમાં ધટાડો કરવા.

12. કર્મચારીઓ માટે આવાસયોજનામાં ક્વાટર ફાળવવા કાર્યવાહી કરવી.

ઉપરોક્ત તમામ મુદ્દે સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શા માટે પગલા લેવામાં આવતા નથી ? રાજકોટ મહાનગરપાલિકા-રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર હોવા છતાં શા માટે કર્મચારીઓના હિત માટે પગલા લેવામાં આવતા નથી ? તેમજ કર્મચારીઓના પ્રશ્નો અંગે નિર્ણય લેવામાં શા માટે ઘોર વિલંબ કરવામાં આવે છે ? રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓની માંગણીઓ બાબતે સરકારશ્રી દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓના હિત માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ આપશ્રી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની લેખિતમાં અમોને જાણ કરશો તેવી રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે.