19 Sep 22 : મોહાલીમાં યુવતીઓના વાયરલ વીડિયો મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ હોસ્ટેલના બે વૉર્ડનને સસ્પેન્ડ કરી દીધા છે. આમાંથી એક વૉર્ડન વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહી હતી, જે આરોપી વિદ્યાર્થિનીને ખિજાઈ રહી હતી. આ પહેલા કેમ્પસમાં ક્લાસ છ ​​દિવસ માટે કરી દેવામાં આવ્યા.

આમાંથી એક વોર્ડનનો વીડિયો રવિવારે વાયરલ થયો હતો, જેમાં ગુસ્સામાં દેખાઈ રહેલી વૉર્ડન હોસ્ટેલમાં આરોપી યુવતીને કહેતી જોવા મળે છે, “… બેશરમ. કોણે કહ્યું તને આવો વીડિયો બનાવવા માટે… તને આજે જ સસ્પેન્ડ કરી દેશે… કેટલું ગંદું, ઘૃણાસ્પદ કામ કરી રહી છે તું…”

યુનિવર્સિ‌ટી વહીવટીતંત્રએ લે કાર્બોઈઝર હોસ્ટેલની વોર્ડન રાજવિંદર કૌરને સસ્પેન્ડ કરી દીધી છે, જેણે છોકરીઓના કપડાં વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. બીજી તરફ, વોર્ડને કથિત રીતે યુવતીઓને તેમના મોબાઈલ ફોનમાંથી વીડિયો હટાવવા માટે પણ કહ્યું હતું.

આરોપ છે કે વિદ્યાર્થિનીએ તેની સાથે રહેતી છોકરીઓની નહાતાં સમયની 50-60 વીડિયો ક્લિપ્સ રેકોર્ડ કરીને શિમલામાં રહેતા તેના બોયફ્રેન્ડને મોકલી દીધી. આ પછી એ છોકરાએ કથિત રીતે વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધી. આ મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

6 દિવસ માટે ક્લાસ સસ્પેન્ડ : યુનિવર્સિટી વહીવટીતંત્રએ છ દિવસ માટે ક્લાસ સસ્પેન્ડ કરી દીધા છે. ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ છોડીને જઈ રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ, મોડી રાતે લગભગ દોઢ વાગ્યે વિદ્યાર્થીઓએ તેમના ધરણાં ખતમ કરી દીધા હતા. આ ઘટના બાદ હોસ્ટેલના તમામ વૉર્ડનની બદલી કરવામાં આવી રહી છે. આ સાથે હોસ્ટેલનો સમય પણ બદલાઈ ગયો છે.

રવિવારે આરોપીના બોયફ્રેન્ડની ધરપકડ : યુનિવર્સિટીમાં 18 સપ્ટેમ્બરે ઘણી વિદ્યાર્થિનીઓએ દિવસભર ધરણાં પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ પોલીસે બોયફ્રેન્ડની શોધમાં શિમલામાં અભિયાન ચલાવ્યું અને સાંજે તેની ધરપકડ કરી લેવામાં આવી. હવે આ કેસમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થવાની આશાએ બોયફ્રેન્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે. બોયફ્રેન્ડની ધરપકડ પછી, 18 સપ્ટેમ્બરની રાત્રે, પોલીસે શિમલામાં 31 વર્ષીય યુવકને કસ્ટડીમાં લઈ લીધો હતો. આ વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થિનીનો મોબાઈલ તપાસ માટે મોકલાયો – SSP

મોહાલીના SSPના જણાવ્યા અનુસાર આરોપી વિદ્યાર્થિનીનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આરોપી વિદ્યાર્થિનીએ પૂછપરછમાં જણાવ્યું છે કે તેણે અન્ય કોઈ વિદ્યાર્થિનીનો વીડિયો રેકોર્ડ કર્યો નથી. હવે અમે આ મામલે પણ તપાસ કરી રહ્યા છીએ અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વીડિયો શા માટે મોકલવામાં આવ્યો?