23 Sep 22 : કેન્દ્રીય રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, ભારતની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન માત્ર 52 સેકન્ડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. જ્યારે જાપાનમાં બનેલી આ જ બુલેટ ટ્રેનને 100 કિમીની ઝડપે પહોંચવા માં 55 સેકન્ડનો સમય લાગે છે.

દેશમાં બનેલી અને ડિઝાઇન કરાયેલી સેમી હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસે સ્પીડના મામલે બુલેટ ટ્રેનને પાછળ છોડી દીધી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની અશ્વિની વૈષ્ણવે એક વીડિયો શેર કરીને આપી હતી. તેમણે કહ્યું કે કેવી રીતે ભારતની આ ટ્રેને સ્પીડ પકડવાની બાબતમાં બુલેટ ટ્રેનને પાછળ છોડી દીધી છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, ભારતની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન માત્ર 52 સેકન્ડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. જ્યારે જાપાનમાં બનેલી આ જ બુલેટ ટ્રેનને 100 કિમીની ઝડપે પહોંચવા માં 55 સેકન્ડનો સમય લાગે છે. આ સિવાય વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે વંદે ભારત ટ્રેન 180 કિમી પ્રતિ કલાક ની ઝડપે દોડી રહી છે. આમ છતાં ગ્લાસમાં ભરેલું પાણી છલકાતું નથી. આ વીડિયોમાં ચાલતી ટ્રેનની અંદર મોબાઈલ ફોનની સ્ક્રીન પર સ્પીડ મીટર વડે ટ્રેનની સ્પીડ માપવામાં આવી છે. એમાં દેખાડવામાં આવ્યું છે કે સ્પીડોમીટર પર ટ્રેન ની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકથી 183 કિલોમીટર પ્રતિ કલાકની રેન્જમાં દેખાઈ રહી છે.

કેન્દ્રીય રેલવે મંત્રીએ ટ્વિટર પર ‘મેડ ઈન્ડિયા’ કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનની સ્પીડ 180 કિમીને પાર કરવા છતાં ગ્લાસનું પાણી છલકાતું નથી. ભારતની અદ્યતન ટેકનોલોજીનું આ એક અનોખું ઉદાહરણ છે. આપણી વંદે ભારત ટ્રેન સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન અને બનાવવામાં આવી છે. ટ્રેનની ઝડપનું ટ્રાયલ રાજસ્થાન ના કોટાથી નાગદા રેલવે સ્ટેશન વચ્ચે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોએ 180 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી હતી.

વંદે ભારત એક્સપ્રેસ, જે ટ્રેન 18 તરીકે જાણીતી છે. તે ભારતની પ્રથમ સેમી હાઇ સ્પીડ ઇન્ટરસિટી ઇએમયુ ટ્રેન છે. ભારતીય રેલ્વે માર્ચ 2022 થી તેને બે રૂટ પર ચલાવી રહી છે. પ્રથમ ટ્રેન દિલ્હીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી ચાલે છે. જ્યારે બીજી ટ્રેન નવી દિલ્હીથી વારાણસી જાય છે. ટૂંક સમયમાં ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ પણ પાટા પર આવી શકે છે. સંપૂર્ણ રીતે ભારતમાં વિકસિત આ ટ્રેનમાં સ્વ-સંચાલિત એન્જિન છે, જે બોગીમાં જ જોડાયેલું છે. તેના તમામ દરવાજા ઓટોમેટિક છે અને કોચમાં ખુરશીને 180 ડિગ્રી ફેરવી શકાય છે.