નાની મારડ, ભાડેર, ભૂખી, પીપળીયા સહિત ૧૬ ગામોમાં યોજાયા વીરાંજલિ કાર્યક્રમ

“મારી માટી, મારો દેશ” મહાઅભિયાન અંતર્ગત ધોરાજી તાલુકામાં શીલાફલકમ સમર્પણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વીર વંદના, અને ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.

ધોરાજી તાલુકામાં નાની મારડ, પાટણવાવ, ભાડેર, પીપળીયા, મોટી પરબડી, ભૂખી, નાની પરબડી, કલાણા, ભુતવડ, મોટીવાવડી, મોટીમારડ, ઉદકીયા, હડમતીયા, ભાદાજાળિયા, ભોલગામડા, છાડવાવદર સહિત ૧૬ ગ્રામપંચાયતોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
પાટણવાવ ગામે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા અને તાલુકા વિકાસ અધિકારી જયશ્રીબેન દેસાઈ, સરપંચ પ્રવીણભાઈ પેથાણીની ઉપસ્થિતિમાં ગામનાં બે નિવૃત્ત પોલીસ અધિકારી સહિત ૧૪ આર્મીમેનને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં ગામના સર્વે સરપંચ અને સદસ્યો આગેવાનો, વિવિધ વિભાગ ના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિશ શાળાઓના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરેક ગામમાં વીરાંજલિ અર્પણ કરતા શિલાફલકમ સમર્પણ કરી ગ્રામજનોએ હાથમાં માટી સાથે માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે “પંચ પ્રણ” પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમ અન્વયે ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સરકારી શાળાઓ તથા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન રાષ્ટ્રગાન દ્વારા વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

અનાજ અને કઠોળના વેપારીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા તથા જથ્થાની ડેટા એન્ટ્રી કરવા બાબત
ભારત સરકારના પોર્ટલ (https://fcainfoweb.nic.in/psp) તેમજ (https://evegois.nic.in/p/login) પર કઠોળ અને અન્ય અનાજના સ્ટોકહોલ્ડર્સ જેવા કે મિલર્સ, ડીલર્સ, પોર્ટર, ઍક્સપોર્ટર, હોલસેલર્સ, રિટેલર્સ કે અન્ય તમામ વેપારીઓને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા તથા જથ્થાની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા જણાવવામાં આવે છે.
આ અંગે રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવનીબેન હરણે માર્કેટિંગ યાર્ડ, બેડી ખાતે કઠોળના તેમજ ઘઉંના વેપારીઓની બેઠક બોલાવી હતી, જેમાં જિલ્લાના તમામ કઠોળના અને ઘઉંના સ્ટીકર્સ, મિલર્સ, ડીલર્સ, ઈમ્પોર્ટર એકસપોર્ટર, હોલસેલર્સ, રિટેલર્સને વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા અંગે જણાવ્યું હતું. અને કઠોળના તેમજ ઘઉંના જથ્થાની મેટ્રિક ટનમાં વેબસાઈટ પર ડેટા એન્ટ્રી કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પુરવઠા ટીમ તથા તાલુકા કક્ષાએ મામલતદાર દ્વારા કઠોળના અને ઘઉંના મિલર્સ, ડીલર્સ, પોર્ટર, એક્સપોર્ટર હોલસેલર્સ, રીટેઈલર્સને ત્યાં આકસ્મિક તપાસણી કરીને કઠોળનો અને ઘઉંનો સ્ટોકની તપાસ હાથ ધરવામાં આવશે. જેથી કઠોળના અને ઘઉંના વધતા ભાવ પર અંકુશ લાવી શકાય.

શીલાફલકમથી શહીદ વીરોના પરિવારજનોમાં ગૌરવની લાગણી : પડધરી તાલુકાના જોધપુર ગામના મોટા ભાગના યુવાનો આર્મી અને પોલીસમાં ફરજરત
પડધરી તાલુકાનાં જોધપર(છલ્લા) ગામના ત્રણ વીર શહીદો સ્વ.વિક્રમસિંહ મહોબતસિંહ જાડેજા, સ્વ.જ્યેન્દ્રસિંહ જાડેજા અને સ્વ.છત્રસિંહજી જાડેજાની યાદમાં બનાવેલી ‘‘શિલાફલકમ’’ દ્વારા તેઓની શહાદતને કાયમી યાદ રખાશે. આ વીર શહીદના પરિવારજનોના સન્માન પણ થયા હતા. તે ઘડીએ તેમણે કહ્યું હતું કે…
જોધપુર ગામના મોટાભાગના યુવાનો આર્મી અને પોલીસમાં ફરજરત છે. આ ગામમાં બહુમત પ્રજા જાડેજાઓની છે. ચાલીસ વર્ષ પહેલા માત્ર આઠ માસની પુત્રીને છોડી શહીદી વહોર નાર સ્વ.વિક્રમસિંહ મહોબતસિંહ જાડેજા પોલીસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજરત હતા. પોલીસ જવાનની પુત્રી જયશ્રીબા કહે છે કે, “શીલાફલકમથી શહીદી વહોરનારા મારા પિતા સહિતના જવાનોની સ્મૃતિ કાયમી જીવંત રહેશે. શહીદોને શ્રધ્ધાંજલિ આપી રાષ્ટ્ર ભાવના બળવત્તર બનાવતા ‘મારી માટી – મારો દેશ, માટીને નમન – વીરોને વંદન’ કાર્યક્રમ શહીદો માટે યાદગાર પુરવાર થશે. રાજકોટમાં રહેતા જયશ્રીબા પિતા માટે ગૌરવ અનુભવતા કહે છે કે, ચાલીસ વર્ષ પહેલા તેમના પિતાનું ફરજ દરમિયાન અકસ્માતમાં રાજકોટમાં મૃત્યુ થયું હતું. ત્યારે મારી માતા યુવા વયે જ વિધવા બન્યા. સંતાનમાં એક માત્ર હું હતી. માતાએ સંધર્ષ કરી કુટુબના સહકારથી મારો ઉછેર કર્યો.
આ ગામમાં ૧૮ નિવૃત પોલીસમેન -આર્મીમેન તથા સ્વર્ગીય આર્મીમેનના પરિવારજનોનું પણ ગ્રામ પંચાયત દ્વારા સન્માન થયું હતું. જોધપુરના ધર્મેન્દ્રસિંહ જાડેજા કહે છે કે ૨૧ વર્ષ પહેલા તેમના પિતા સ્વ.જ્યેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજાનું કલ્યાણપુરમાં વાહન અકસ્માતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું ત્યારે તેઓ માત્ર ૧૩ વર્ષના હતા. તેમના પિતાના નામે શિલા ફલકમ બન્યુ તે વિશે તેઓ કહે છે કે, મારા શહીદ પિતાની કાયમી ધોરણે યાદગીરી માટે ગ્રામ પંચાયતમાં શિલાફલકમ ઉભી કરાઇ છે. જે અમારા સહિત દેશભરના જવાનો તથા તેના પરિવાર માટે ગૌરવની વાત છે.
દ્રુપદબા જાડેજાના પતિ સ્વ. છત્રસિંહ જાડેજા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ હતા. તેઓની ગાડીનું ટ્રક સાથે અકસ્માત થતાં વર્ષ ૧૯૯૪માં ફરજ દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. તેઓનું પણ તંત્ર દ્વારા સન્માન કરાયુ હતું. તેઓએ પણ રાજીપો વ્યકત કરતાં કહયુ હતું કે વીર સપૂતોની યાદગીરી કાયમ કરવા સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસોથી લોકોમાં દેશદાઝ અને રાષ્ટ્ર ભાવના બળવત્તર બનશે.

૧૫ એપ્રિલ પહેલાં નોંધાયેલ દસ્તાવેજોને જૂની જંત્રીના ભાવ મુજબ અને ત્યાર બાદ નોંધાયેલા દસ્તાવેજો નવી જંત્રી મુજબના ભાવ પ્રમાણે નોંધાશે
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨- કના અસરકારક અમલ માટે રાજયની જમીનો સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા.૧૫/૦૪/૨૦૨૩ થી વધારો અમલમાં આવ્યો છે. જેથી, તા.૧૫/૦૪/૨૦૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે કરાયેલી સ્પષ્ટતા અનુસાર તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા (તા.૧૪/૦૪/૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજ માં તા.૧૫/૦૪/૨૦૨૩થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.
તેમજ તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા.૧૫/૦૪/૨૦૨૩થી ચાર માસ એટલે કે તા.૧૪/૦૮/૨૦૧૩ સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે. તો જેના દસ્તાવેજમાં તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલાં સહી થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોય અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો,સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારી ને અરજી કરવાની રહેશે. જેની પણ જાહેર જનતાએ ખાસ નોંધ લેવા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર વિભાગ -૨ (ગ્રામ્ય) રાજકોટની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here