
11 May 23 : ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને એક મોટી સફળતા મળી છે. જમીન દલાલ સાથે રાંદેસણ ગામની સીમમાં આવેલી જમીનનો બાનાખત કરી 3.20 કરોડની છેતરપિંડી કરનારા ભૂમાફિયા હર્ષ શાહની ધરપકડ કરાઈ છે. પોલીસે હર્ષને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, કોબા ખાતે રહેતા જમીન દલાલ નવીનચંદ્ર પટેલને વર્ષ 2019માં જમીન લેવાની હોવાથી દહેગામના હર્ષ શાહ સાથે ઓળખાણ થઈ હતી. હર્ષે રાયસણ ગામની સીમમાં આવેલી એક જમીન નવીનચંદ્રને બતાવી હતી અને 2.70 કરોડમાં સોદો નક્કી થયો હતો. જો કે, જમીનને જૂની શરતમાં કરવાના પ્રિમિયમનો ખર્ચ રૂ. 1.50 કરોડ પણ નવીનચંદ્ર ભરે પછી જ દસ્તાવેજ કરી આપવાનો હર્ષ વિશ્વાસ દાખવ્યો હતો. ત્યારે બાદ રૂ. 8 લાખ રોકડા આપતાં હર્ષ શાહે જનરલ પાવર ઓફ એર્ટની આધારે રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર વેચાણ બાનાખત કર્યો હતો.
દસ્તાવેજ કરવાનું કહેતા બહાના બતાવતો. જે બાદ ટુકડે-ટુકડે નવીનચંદ્રએ હર્ષ શાહને રૂ.3.20 કરોડ આપ્યા હતા. ત્યાર બાદ દસ્તાવેજ કરવાનું કહેતા હર્ષ બહાના બતાવતો હતો. આથી નવીનચંદ્રને શંકા જતા તપાસ કરી તો ખબર પડી કે, ઉક્ત જમીનનો વેચાણ દસ્તાવેજ તો જમીનના માલિકોએ રઘુવીર બિલ્ડકોનની ભાગીદારી પેઢી સાથે કરી દીધો છે. આથી હર્ષે તેમની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ થતા નવીનચંદ્રે હર્ષ વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદથી ધરપકડથી બચવા ભૂમાફિયા હર્ષ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે, એલસીબીની ટીમે હવે હર્ષ શાહની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
વધુમાં વાંચો.. સુરત – બિલ્ડિંગમાં રમતી 6 વર્ષની બાળકીને યુવકે બળજબરી લઈ જવા પ્રયાસ કર્યો, બાળકીએ બૂમાબૂમ કરતા છોડીને ફરાર થયો, ઘટના CCTVમાં કેદ

સુરતના પાંડેસર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂજેટમાં દેખાય છે કે એક યુવક માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને ફોસલાવી પોતાની સાથે લઇ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ, બાળકીને સ્કૂલમાં ગૂડ ટચ-બેડ ટચની જાણકારી અપાઈ હોવાથી બાળકી યુવકનો જોરદાર પ્રતિકાર કરે છે અને બૂમાબૂમ કરતા યુવક બાળકીને મૂકી ફરાર થઈ જાય છે. આ મામલે બાળકીના પિતાએ ફરિયાદ કરતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 6 વર્ષીય દીકરી બિલ્ડિંગના દાદરા પાસે રમતી હતી. મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવારની 6 વર્ષીય દીકરી બિલ્ડિંગના દાદરા પાસે રમતી હતી. ત્યારે ત્યાં જ રહેતા એક યુવકે માસૂમ બાળકીને ફોસલાવી પોતાની સાથે આવવાનું કહ્યું હતું. જો કે, બાળકી ન આવતા યુવકે તેણીને ઉઠાવી બળજબરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળકીને શાળામાં પોલીસની શી ટીમ દ્વારા ગૂડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી હોવાથી યુવકનું તે પ્રકારનું વર્તન જણાતા બાળકીએ જોરદાર પ્રતિકાર કર્યો હતો.
બાળકીના પ્રતિકારથી યુવક તેને મૂકી ફરાર થયો. બાળકીના પ્રતિકાર અને બૂમાબૂમ કરતા યુવક બાળકીને મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટના બિલ્ડિંગના દાદરા માં આગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. બાળકીએ પરિવારને આ અંગે વાત કરતા પરિવારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં યુવક અન્ય કોઈ નહીં પણ બિલ્ડિંગમાં જ રહેતો રાજન નામનો યુવક હતો. આથી બાળકીના પિતાએ તેની વિરુદ્ધ ફરિયાદ કરતા પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 23 વર્ષીય રાજન ગુપ્તાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં વાંચો… ઇટલીના મિલાનમાં મોટો વિસ્ફોટ, અનેક વાહનોમાં આગ લાગી, અફરા-તફરી મચી ગઈ

ઇટલીના મિલાનમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટને કારણે અનેક વાહનોમાં આગ લાગી છે. જેના કારણે ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર પાર્કિંગમાં બ્લાસ્ટ થયા બાદ અફરાતફરી મચી ગઈ છે. આ બ્લાસ્ટ મિલાન સિટી સેન્ટરમાં થયો હતો, જે બાદ અનેક વાહનોમાં આગ લાગી ગઈ.
જોરદાર ધડાકો, અનેક એજન્સીઓ તપાસમાં લાગી. હાલ એજન્સીઓ તપાસમાં લાગેલી છે. લોકોને વહેલી તકે ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલમાં બ્લાસ્ટ અંગે વધુ માહિતી સામે આવી નથી. વિસ્ફોટ વખતે અનેક વાહનો એકસાથે પાર્ક કરવામાં આવ્યા હતા. આથી બ્લાસ્ટના કારણે એક પછી એક વાહનો સળગી ઉઠ્યા. વિસ્ફોટની તીવ્રતા ઘણી વધારે હતી. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે આકાશમાં ખૂબ મોટા વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. મિલાન એ રોમ પછી ઇટલીનું બીજું સૌથી મોટું શહેર છે. જાનમાલના નુકશાનના સમાચાર નથી. હજુ સુધી આ ઘટનામાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટની આ ઘટના ઓક્સોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ પાસે પાર્ક કરેલી ઓક્સિજન ટેન્કવાળી વેનમાં વિસ્ફોટ થવાને કારણે થઈ. વિસ્ફોટનું સ્થળ મિલાનનું કેન્દ્રીય સ્થળ હોવાનું કહેવાય છે, જ્યાં મોટી ઓફિસો આવેલી છે