૧૫ વર્ષ પછી પાણી વેરો ડબલ કર્યો પરતું ફરિયાદો ઘટાડવા માટે બજેટમાં કેમ કોઈ જાહેરાત નહી ? : ભાનુબેન સોરાણી

10 Feb 23 : રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ એ આગામી બજેટ વર્ષ ૨૦૨૩-૨૪માં પાણીવેરામાં ૭૮% જેટલો વધારો કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટની જનતા હાલ પાણી વેરાના રૂ.૮૪૦/- લેખે વાર્ષિક વેરો ચુકવે છે ત્યારે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રજા ઉપર રૂ.૧૫૦૦/- લેખે વાર્ષિક પાણી વેરો વસુલાત કરશે ત્યારે ભાજપના શાસકોને રાજકોટની જનતાના સામાન્ય પ્રશ્નોનો ઉકેલ લાવવા ના બદલે જનતાને સમસ્યા અને વેરામાં વધારો કરી હેરાનગતિ કરી રહ્યા છે તેવું વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે તેમજ રાજકોટ શહેરમાંથી જયારે કેશુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા છે તેમજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટની જનતાના મત મેળવી દિલ્લીની ગાદી પર બિરાજમાન છે ત્યારે રાજકોટની જનતાની લાગણી-માગણી જાણ્યા વગર જ બેફામ ૭૮% જેટલો પાણી વેરામાં વધારો જીંકી દેવામાં આવ્યો છે. જયારે મોંઘવારીના કપરા કાળમાં રાજકોટની પ્રજા ઉપર પાણી વેરામાં વધારાનો ડામ જીંકયો છે ભાજપના શાસકો કરકસરયુક્ત વહીવટ કરે અને બિનજરૂરી ખર્ચ પર કાપ મુકે તો પાણી વેરાના ૭૮% વધારાનો બોજ લાદવો ન પડે તેવું ભાજપના શાસકોને ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે

૨૪ કલાક પાણી વિતરણની વાતોનું સુરસુરિયું થયું છે તેમજ દરેક ચુંટણીઓમાં રાજકોટની જનતાને સ્વચ્છ પાણી આપવાનું અને અડધી કલાક પાણી વિતરણના બણંગા ફૂંક્યા છે ત્યારે હાલ વાસ્તવમાં ૨૦ મિનીટ પાણી વિતરણમાં ધાંધિયા થઇ રહ્યા છે અને શહેરના અમુક વિસ્તારોમાં હજુય ટેન્કરથી પાણી વિતરણ થઇ રહ્યું છે, બેફામ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે જેની ઉપર કોઈ પગલા લેવાની જરૂર છે તેમજ વોટર હાર્વેસ્ટીગની કોઈ જ યોજના નહી! જે બાબતે આશ્ચર્ય સર્જ્યું છે ચોમાસે દરેક ડેમો છલકાય ત્યારે કેમ રાજ્ય સરકાર ઉપર મદાર રાખવો પડે છે ? તેવો ટોણો ભાનુબેન સોરાણીએ માર્યો છે.

વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે કે ભાજપના શાસકો પાણી વેરામાં ૭૮% વધારો કરી રહ્યા છે ત્યારે તા.૦૧/૦૧/૨૦૨૨ થી ૦૯/૦૨/૨૦૨૩ સુધીમાં અધધ…૩૧,૩૬૯ જેટલી ફરિયાદો નોંધાઈ છે ત્યારે ભાજપના શાસકો પહેલા આ કોલ સેન્ટરમાં આવેલી ફરિયાદોનું પ્રમાણ ઘટાડવામાં શું પ્રયત્ન કર્યો ? તેવો વેધક સવાલ શ્રીમતી ભાનુબેન સોરાણીએ કર્યો છે

પાણીની ફરિયાદોમાં ડાયરેક્ટ પમ્પીંગ, ગેરકાયદેસર નળ કનેક્શન, ઓછું પાણી આવવું, ધીમા ફોર્સથી પાણી આવવું, પાણી ન આવવું, પાઈપલાઈન લીકેજ, ગંદુ પાણી આવવું, વાલ્વ ચેમ્બર ઢંકાઈ જવી, વાલ્વ ખુલ્લો રહી જવા સહિતની ૩૧,૩૬૯ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયેલ છે ત્યારે વિકાસના બણંગા ફૂકતા પેપર ટાઈગર ભાજપના શાસકો પાણીવેરો વધારતા પહેલા ફરિયાદો નિવારણ કરવાનું આયોજન કરે અને સામાન્ય નાગરીકોને પીવાના પાણીની ફરિયાદો નહિવત પ્રમાણમાં આવે ત્યારે આવો વધારો કરો એ વ્યાજબી ગણાય તેવું ભાનુબેન સોરાણીએ અંતમાં જણાવ્યું છે.

વધુમાં વાંચો… આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ૧૩ ફેબ્રુઆરીએ ૩૦૦થી વધુ જગ્યાઓ માટે યોજાશે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો

જકોટ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૯:૩૦ વાગ્યે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજકોટ જિલ્લાની નામાંકિત ૧૦ જેટલી ખાનગી એકમોનાં પ્રતિનિધિઓ રૂબરૂ હાજર રહી, ઉમેદવારોની પસંદગી કરશે. આ મેળામાં ૩૦૦ થી વધારે જગ્યાઓની ભરતી કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ ટ્રેડમાંથી પાસ થયેલ ડિપ્લોમા અને ડિગ્રીધારકો તથા ગ્રેજ્યુએટસ વગેરેની પસંદગી કરવામાં આવશે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટા, માર્કશીટ/સર્ટિફિકેટની જરૂરી નકલો સાથે રાજકોટ આઇ. ટી.આઇ સંસ્થા ખાતે રૂબરૂ હાજર રહેવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુમાં વાંચો… ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાશે

ગુજરાત સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,રાજકોટ દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ -૨૦૨૨-૨૩ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની રાસ, લોકગીત/ભજન, ભરતનાટ્યમ, વક્તૃત્વ, લોકવાર્તા, તબલા, ગીટાર અને મોહિનીઅટ્ટમ સ્પર્ધાનું આયોજન કાર્યક્રમ આગામી તા.૧૪,૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે.

આ સ્પર્ધામાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગર મહાનગરપાલીકા સહિતના ૧૨૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આગામી તા. ૧૪/૦૨/૨૦૨૩ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે રાસ સ્પર્ધા અને બપોરે ૦૨ કલાકે મોહિનીઅટ્ટમની સ્પર્ધા યોજાશે. સાથે સાથે સવારે ૧૧ કલાકે મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે લોકગીત/ભજન અને બપોરે ૦૧ કલાકે વકતૃત્વ સ્પર્ધા યોજાશે.

આગામી તા. ૧૫/૦૨/૨૦૨૩ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે ભરતનાટ્યમ સ્પર્ધા અને બપોરે ૦૧ કલાકે તબલા સ્પર્ધા યોજાશે. સાથે સાથે સવારે ૧૧ કલાકે મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે લોકવાર્તા અને બપોરે ૦૧ કલાકે ગીટાર સ્પર્ધા યોજાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દિહોરાની યાદીમાં જણાવાયું છે.

વધુમાં વાંચો…ઘરેથી નીકળી ગયેલ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ મહિલા અભયમ ટીમ

જ્ય સરકારના નેતૃત્વ હેઠળ કાર્યરત ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની સુરક્ષા માટે ૨૪ કલાક કાર્યરત છે. રાજકોટ અભયમ્ ટીમએ ઘરેથી નીકળી ગયેલ અને શારીરિક તથા માનસિક અસ્વસ્થ મહિલાનું કુશળ કાઉન્સેલિંગ કરી પરાણે મજૂરી કરવાના ભયથી મુક્ત કરાવી હતી તેમજ તેમનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

રાજકોટમાં જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમનો સંપર્ક સાધીને કોઠારીયા રોડ પર સુતા હનુમાન મંદિરમાં આવેલા બીમાર મહિલા વિશે માહિતી આપી હતી. આ જાણકારી મળતા અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી કોમલબેન સોલંકી, શ્રી જયશ્રીબેન ચાવડા તથા પાયલોટશ્રી કૌશિકભાઈ ચાંચીયા તુરત જ સુતા હનુમાન મંદિર ખાતે પહોંચી ગયા હતા. અભયમ્ ટીમએ સ્થિતિનું નિરીક્ષણ કરતા તેમને ખ્યાલ આવ્યો કે પીડિત મહિલા શારીરિક અને માનસિક રીતે બીમાર હતા. તેમજ તેઓ ગભરાયેલી હાલતમાં હોવાથી સરખી રીતે બોલી શકે તેમ ન હતા. પીડિત મહિલાની સાથે સામાનમાં જમવાનું ટિફિન હતું. જેના ઉપરથી અભયમ્ ટીમએ અનુમાન કર્યું કે પીડિત મહિલા સવારે ઘરેથી ચાલી નીકળેલ હશે. પીડિત મહિલાને એવું લાગી રહ્યું હતું કે તેને કોઈ હેરાન કરશે.

આથી, અભયમ્ ટીમએ પીડિત મહિલાને હિંમત આપીને તેની સાથે ધીરજપૂર્વક વાતચીત કરી હતી. પીડિત મહિલા સાથે વાત કરતા અભયમ્ ટીમને જાણવા મળ્યું કે પીડિત મહિલા રાજકોટમાં રહે છે. તેઓ બીમાર છે તો પણ તેમને પરિવારજનો મજૂરી કામ કરવા માટે મોકલે છે. પીડિત મહિલાને પતિ અને જેઠાણી હેરાન કરશે અને ધમકાવશે, તેવો ડર હતો. જેથી, અભયમ્ ટીમએ અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કુશળ રીતે કરી પરાણે મજૂરી કરવી પડતી હોવાના ભયમાંથી મુક્ત કર્યા હતા તેમજ ઘરે પરત ફરવા સમજાવ્યા હતા.

ત્યાર બાદ અભયમ્ ટીમએ પીડિત મહિલાને સાથે લઈને તેમણે જણાવેલ રહેઠાણના સ્થળે તેમના ઘરની શોધખોળ આદરી હતી. ત્યારે અભયમ્ ટીમને રસ્તા ઉપર પીડિત મહિલાની દીકરી મળી ગઈ હતી. અભયમ્ ટીમ પીડિત મહિલા સાથે તેમના ઘરે પહોંચ્યા હતા. અભયમ્ ટીમએ પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ભોગ બનનાર મહિલાના પરિવારમાં તેમના પતિ, પુત્રી અને પુત્ર છે. મહિલા શારીરિક અને માનસિક રીતે બીમાર હોવા છતાં પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી મહિલાને મજૂરી કામ માટે મોકલવામાં આવતા હતા.

આથી, ૧૮૧ અભયમ્ ટીમએ પીડિત મહિલાના પરિવારને સમજાવ્યું હતું કે મહિલા શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ હોવાથી શારીરિક શ્રમ કરે, તે હિતાવહ ન હોવાથી ભવિષ્યમાં પીડિત મહિલાને ઘરની બહાર મજૂરી કામ કરવા માટે ન મોકલે. તેમજ અભયમ્ ટીમએ પરિવારજનોને પીડિત મહિલાને હોસ્પિટલમાં સારવાર અપાવવા માટે સલાહ-સૂચન આપ્યા હતા. આમ, ૧૮૧ અભયમ્ ટીમએ બીમાર મહિલાને તેમના પરિવાર પાસે પહોંચાડી સાચા અર્થમાં સુરક્ષા પૂરી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here