T20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની જાહેરાત, રસેલ અને નારીનને ના મળી તક

15 Sep 22 : ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝની સિલેક્શન પેનલે ICC T20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી છે. સિલેક્શન પેનલે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાનાર 8માં ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની વેસ્ટ ઇન્ડીઝ ની ટીમની પસંદગી કરી છે.

નિકોલસ પૂરન આ ટીમનો કેપ્ટન હશે જ્યારે રોવમેન પોવેલ વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. ઇવિન લુઇસની 2021 ટી-20 વર્લ્ડકપ પછી ટીમમાં વાપસી થઇ છે. બે અનકેપ્ડ ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. જેમાં લેગ સ્પિનર ઓલ રાઉન્ડર યાનિક કારિયા અને ઓલ રાઉન્ડર રેમન રીફરલ સામેલ છે.

ટી-20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ : નિકોલસન પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસ કેપ્ટન), યાનિક કરિયા, જૉનસન ચાર્લ્સ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલજારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઇવિન લુઇસ, કાઇલ મેયર્સ, ઓબેદ મેકકૉય, રેમન રીફર, ઓડિયન સ્મિથ.

બે વખતની ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ વર્લ્ડકપ પહેલા બે મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે બાદ 17 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચ સ્કૉટલેન્ડ સામે ટકરાશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ક્વોલિફાયર મેચ રમવાની છે.

પસંદગીકારોએ ચોકાવનારો નિર્ણય લેતા વિસ્ફોટક ઓલ રાઉન્ડર આંદ્રે રસેલ અને સુનીલ નારીનને 15 સભ્યોની ટીમની બહાર કરી દીધા છે. આ વર્ષે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. ઇવિન લુઇસે ગત વખતે વેસ્ટ ઇન્ડીઝ માટે 2021માં ટી-20 વર્લ્ડકપ રમ્યો હતો. રસેલ અને નારીનને છેલ્લા કેટલાક દિવસથી પસંદગીકારોએ મહત્વ આપ્યુ નથી. રસેલ અને નારીન બન્ને 2012 અને 2016માં ટી-20 વર્લ્ડકપ જીતનારી વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનો ભાગ હતા. આ સિવાય ઓલ રાઉન્ડર ફેબિયન એલનને પણ ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે.

મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે ટીમની જાહેરાત કરતા કહ્યુ- અમે ટીમ પસંદ કરતા સમયે યુવા અને અનુભવી ખેલાડીઓ ના મિશ્રણનું ધ્યાન રાખીએ છીએ, તેમણે કહ્યુ કે પસંદગી પ્રક્રિયામાં અમે કેરેબિયન પ્રીમિયર લીગના સ્ટાર ખેલાડીઓનું પણ ધ્યાન રાખ્યુ છે. અમે તે ખેલાડીઓ પર નજર રાખીએ છીએ જે ઘણુ સારૂ રમી રહ્યા છે.