‘વન નેશન, વન ઈલેક્શન’ પર વિપક્ષી પાર્ટીઓએ શું કહ્યું?

I.N.D.I.A ગઠબંધનની ત્રીજી બેઠક મુંબઈમાં ચાલી રહી છે. આ બેઠકનો આજે બીજો દિવસ છે.

દરમિયાન, કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં 5 બેઠકો યોજાશે. આ બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ બિલો પસાર થવાની આશા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને એક સમિતિની રચના કરી છે. 5 દિવસના આ વિશેષ સત્રને લઈને સરકાર સંસદમાં આ સંબંધમાં બિલ રજૂ કરે તેવી શક્યતા છે. આ અંગે વિપક્ષી દળોમાં હોબાળો મચી ગયો છે. વિપક્ષી નેતાઓ ‘વન નેશન, વન ઈલેક્શન’ને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે.
આ વિશે વાત કરતા શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે મોદી સરકાર સત્તામાં જવાના છેલ્લા તબક્કામાં છે. આ કારણોસર સરકાર આવી રણનીતિ અપનાવી રહી છે. તેમણે કહ્યું, ‘પહેલા સરકારે વિશેષ સત્ર બોલાવ્યું. ઈન્ડિયા એલાયન્સના ડરને કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. હવે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે ‘વન નેશન, વન ઈલેક્શન’ માટે એક સમિતિની રચના કરી છે.’ તેમણે કહ્યું કે શિવસેના ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તમને પૂછે છે કે તમે મહિલાઓની સુરક્ષાને લઈને કમિટી ક્યારે બનાવશો? ભ્રષ્ટાચારના અનેક મુદ્દે કમિટી ક્યારે બનશે? દેશમાં મહત્ત્વના મુદ્દાઓ છે, તે અંગે કમિટીની રચના ક્યારે થશે?
વન નેશન, વન ઇલેક્શન પર બોલતા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે એક વાત સ્પષ્ટ છે કે સરકાર હવે પેનિક મોડમાં છે. ધ્યાન હટાવવા માટે આ વસ્તુઓ થઈ રહી છે. તેમણે કહ્યું, ‘આ વિશેષ સત્ર બોલાવવાની શું જરૂર છે. ગણેશ ચતુર્થીના તહેવારો વચ્ચે? શું તેઓ (કેન્દ્ર સરકાર) હિંદુ ભાવનાઓથી અજાણ છે?’ સરકાર ને ઘેરતા તેમણે કહ્યું કે તેઓ કહે છે કે, “સરકારને ગમે ત્યારે ચૂંટણી કરાવવાનો અધિકાર છે. જો તેઓ સમય પહેલા લોકસભાની ચૂંટણી કરાવવા માંગે છે, તો તેઓ કરી શકે છે. જો તેઓ કેટલાક બિલ પાસ કરવા માંગતા હોય તો તે બિલો વિશે અમને જણાવો.”
વન નેશન, વન ઈલેક્શનના મુદ્દા પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે આ માટે માત્ર બંધારણમાં સુધારો જ નહીં પરંતુ રાજ્યોની મંજૂરી પણ જરૂરી છે. હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા ભાજપ શાસિત રાજ્યોમાં, તેઓ તેમની સંબંધિત વિધાનસભાઓને વિસર્જન કરવા માટે કેબિનેટ ઠરાવ નક્કી કરી શકે છે અને પસાર કરી શકે છે. તમે રાજ્યની વિધાન સભાની મુદત ઘટાડી શકતા નથી. આ આવી રીતે કામ નથી કરતુ.

શું છે સ્કેમ 2003? સ્ટેમ્પ કૌભાંડ પર બની ગગન દેવ રિયારની વેબ સીરીઝ
વર્ષ 2003માં થયેલા કૌભાંડ પર આધારિત વેબ સીરીઝ સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરી આજે OTT પ્લેટફોર્મ સોની લિવ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ હર્ષદ મહેતા સ્કેમ જેવી જ છે, જે થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી. હર્ષદ મહેતાની વેબ સીરીઝ 1992ના કૌભાંડ પર અને આ 2003ના કૌભાંડ પર આધારિત છે. આ વાર્તા પણ એક વ્યક્તિના જમીનથી આકાશમાં ઉદયની કહાની છે, કે તે કેવી રીતે અમીર વ્યક્તિ બને છે. આવો જાણીએ તેની વાસ્તવિક વાર્તા વિશે.
સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરી એ સ્ટેમ્પ પેપર કૌભાંડની વાર્તા છે જે વર્ષ 2003માં થયો હતો. આ વાર્તા એક વાસ્તવિક કૌભાંડ પર આધારિત છે. સ્ટેમ્પ પેપર કૌભાંડ, જેને તેલગી કૌભાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક નાણાકીય કૌભાંડ હતું જે વર્ષ 1992 માં શરૂ થયું હતું, પરંતુ તે 2003 માં ઘણા વર્ષો પછી બધાના ધ્યાન પર આવ્યું હતું. આ કૌભાંડમાં નકલી સ્ટેમ્પ પેપર રેકેટ સામેલ હોય છે, જે દેશભરના ઘણા રાજ્યોમાં ફેલાયેલું હોય છે અને અહેવાલો અનુસાર, જેની કિંમત 30 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. અબ્દુલ કરીમ તેલગી આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોય છે. ચાલો જાણીએ કોણ હતા અબ્દુલ કરીમ તેલગી.
અબ્દુલ કરીમ તેલગી કર્ણાટકનો રહેવાસી હતો અને તેના પિતા રેલવેમાં કર્મચારી હતા. જોકે, પિતાના અવસાન બાદ તે નાનપણથી જ ટ્રેનોમાં ફળ વેચતો હતો. આ સમય દરમિયાન, મુંબઈના એક શેઠની નજર તેના પર પડે છે અને તેને મુંબઈ લઈ જાય છે. તેની પાછળનું કારણ એ હતું કે તે જે કાગળોમાં ફળો લપેટીને વેચતો હતો તે આ વ્યક્તિની બી.કોમ ડિગ્રી હતી. ત્યાર બાદ અબ્દુલ મુંબઈ અને ત્યાંથી દુબઈ જાય છે. સાત વર્ષ બાદ દુબઈથી પરત ફર્યા બાદ તે નકલી દસ્તાવેજોની મદદથી દુબઈ માલ મોકલવાનો ધંધો શરૂ કરે છે, પરંતુ તે પકડાઈ જાય છે. તે પછી તે જેલમાં જાય છે, આ દરમિયાન તે એક વ્યક્તિને મળે છે અને સાથે મળીને કંઈક મોટું પ્લાનિંગ કરે છે.
ત્યાર બાદ તે સ્ટેમ્પ પેપરનો ધંધો શરૂ કરે છે અને લાંબા સમય સુધી નકલી સ્ટેમ્પ પેપર છાપવાનું કામ કરે છે. કહેવાય છે કે હર્ષદ મહેતા કૌભાંડ બાદ સ્ટેમ્પ પેપરની ભારે અછત હતી, ત્યારપછી અબ્દુલે આ ધંધો શરૂ કર્યો હતો. આ સાથે તેમાં ઘણા મોટા અધિકારીઓના નામ પણ સામેલ હતા. એવું કહેવાય છે કે અબ્દુલે સ્ટેમ્પ છાપવા માટે એક મશીન પણ તૈયાર કર્યું હતું. જોકે તેના વિશે કંઈ જાણવા મળ્યું ન હતું. આ કૌભાંડની માહિતી 2001 માં સામે આવી હતી. જે બાદ અબ્દુલની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તે પછી પણ 2003માં તે જેલમાંથી આ ધંધો ચલાવતો હતો. આ મામલે ઘણા કેસ પણ નોંધાયા હતા. આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અબ્દુલને 30 વર્ષની જેલ મોકલવામાં આવ્યો હતો અને 202 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સોની લિવ પર રિલીઝ થયેલી વેબ સીરીઝ સ્કેમ 2003માં અબ્દુલની ભૂમિકામાં ગગન દેવ રિયાર જોવા મળે છે. જેમણે પોતાની ભૂમિકા શાનદાર રીતે નિભાવી છે. હર્ષદ મહેતાના સ્કેમ આધારિત વેબ સીરીઝ 1992ની જેમ આ પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

‘ન્યાયનો ઉદ્દેશ્ય સુધારાનો છે, માત્ર સજા કરવાનો નથી’, બિલકિસ બાનો કેસ મામલે SCમાં દોષિતની દલીલ
સાલ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના 14 સભ્યોની હત્યાના આરોપી 11 દોષિતોની સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગુરુવારે, સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન, એક દોષિત વતી, સરકારના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને દલીલ કરી કે, ફોજદારી ન્યાય પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિમાં સુધારો લાવવાનો છે.
જસ્ટિસ બીવી નાગરત્નાના અને ઉજ્જલ ભૂયનની ખંડપીઠ સમક્ષ હાજર થયેલા એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે, દુર્લભ કેસો સિવાય, ફોજદારી ન્યાય પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિમાં પરિવર્તન લાવી સુધારો લાવવાનો છે. લુથરાએ 11 દોષિતોમાંથી એક માટે હાજર થતાં કહ્યું કે, સજા દરમિયાન લાદવામાં આવેલા દંડની ચુકવણી ન કરવાથી સજાની માફીમાં કોઈ ફરક પડતો નથી.
લુથરા બિલકીસ બાનો અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી દલીલોનો જવાબ આપી રહ્યા હતા, જેમણે ગુજરાત સરકારના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, ગુનેગારોએ તેમના પર લાદવામાં આવેલ દંડ પણ ચૂકવ્યો નથી. તેમણે કહ્યું કે, માફી ગેરકાનૂની છે કારણ કે દોષિતને ત્યારે જ છોડી શકાય છે જ્યારે તેણે તેની સજા પૂરી કરી હોય. તેણે દંડ ભર્યો નથી તેથી તેણે તેની સજા પૂર્ણ કરવી પડશે. જો કે, લુથરાએ જણાવ્યું હતું કે, લાદવામાં આવેલ દંડ સજાનો ભાગ નથી અને બેંચને જણાવ્યું હતું કે, તેમના અસીલે વિવાદનો અંત લાવવા ટ્રાયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. ગયા વર્ષે 15 ઓગસ્ટે દોષિતોને મુક્ત કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં CPM નેતા સુભાષિની અલી, TMC સાંસદ મહુઆ મોઇત્રા, પત્રકાર રેવતી લૌલ અને રૂપ રેખા વર્મા વગેરે સામેલ છે. અહેવાલ અનુસાર, આ મામલે આગામી સુનાવણી 14 સપ્ટેમ્બરે થશે.

વન નેશન વન ઇલેક્શન મુદ્દે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આપ્યું પોતાનું નિવેદન
વન નેશન વન ઇલેક્શન મુદ્દે ભાજપના પ્રવકતા યમલ વ્યાસે પોતાનું નિવેદન આપ્યું હતું. દેશ માટે હિતકારી પગલું ગણી શકાય અને વિકાસના કામોને વેગ મળશે. આ સાથે તેમને કહ્યું કે, અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ ચૂંટણી કામગીરી કારણે સતત કાર્યરત હોય છે, જેમાં અસરકર્તા બનશે. ચૂંટણીના કારણે સતત આચાર સહિંતના રહેતા વિકાસના કામો અટકતા હતા. ત્રણ કમિટી રિપોર્ટ પણ પૂર્વ રાષ્ટ્ર્પતિને સુપરત કર્યો હતો. તેમ તેમણે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘વન નેશન, વન ઈલેક્શન’ પર એક સમિતિની રચના કરી છે. સમિતિના સભ્યો કોણ હશે તે અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.18 અને 22 સપ્ટેમ્બરની વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ લાવી શકે છે. વન નેશન વન ઈલેક્શનનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. ત્યારે આ મામલે ગુજરાતમાં ભાજપ તરફથી કેટલાક નિવેદનો સામે આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, સરકાર દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. દેશમાં ઈલેક્શન ચાલતા હોય છે ત્યારે અધિકારીઓ તેમજ અન્ય સ્ટાફ રોકાયેલો રહે છે અને વિકાસના કામોમાં બ્રેક લાગે છે. આજે પગલું કમિટી બનાવવાને લેવામાં આવ્યું છે ત્યારે આ મામલે કમિટી રીપોર્ટ આપશે તેના પર સરકાર અમલ કરશે. તમામ રાજ્યોમાં અને સંસદનું ઈલેક્શન એક જ સમયે થાય તો એ દેશના હિતમાં થશે.
1952થી 1967 સુધી આ પ્રમાણે જ પ્રક્રીયા થતી હતી ત્યારે હજૂ પણ આગળ જતા આમ થશે તો ખૂબ આનંદની વાત છે. રીપોર્ટ સુપરત કરવા મામલે કહ્યું કે, 2016 બાદ કેન્દ્રની પાર્લામેન્ટરી અને નિતી આયોગ અને અન્ય એક સંસ્થા દ્વારા જુદા-જુદા રીપોર્ટ અપાયા છે તે સરકાર પાસે છે. આ ઉચ્ચ બોડી બની છે તે પણ એક રીપોર્ટ તૈયાર કરીને આપશે. વન નેશનથી ચોક્કસ પણે વિકાસને વેગ મળશે, આ સાથે તેનાથી બાકીના 4.5 વર્ષ માટે દેશ ઈલેક્શન મોડમાંથી બહાર આવશે અને તમામ લોકહીત માટે લાગી જાય અને તેના કારણે રાષ્ટ્રને ખૂબ મોટો ફાયદો થશે.

જવાનમાં ટાલ કરાવ્યા બાદ શાહરૂખ ખાને કરી આ જાહેરાત, કહ્યું- આ પહેલી અને છેલ્લી વાર…
તાજેતરમાં જ શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ થયું છે, જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. શાહરૂખ ખાનની જવાનના 3 મિનિટના ટ્રેલરે લોકોને દિવાના બનાવી દીધા છે. ચેન્નઈમાં ફિલ્મનો ભવ્ય ઓડિયો લોન્ચ કર્યા બાદ શાહરૂખ ખાન દુબઈ ગયા હતા, જ્યાં તેમણે બુર્જ ખલીફા ખાતે જવાનનું ટ્રેલર રીવીલ કર્યું હતું. બીજી તરફ, બાદશાહ ખાન આ ફિલ્મમાં પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળશે, જેને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ જવાન માટે અભિનેતાએ તેની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ વખત ટાલ કરાવી છે.
બુર્જ ખલીફામાં ટ્રેલર લૉન્ચ બાદ શાહરૂખ ખાને ઝિંદા બંદાની ધૂન પર ડાન્સ કર્યો. આ સાથે જ જવાન ફિલ્મના બીજા ગીત ચલેયાનું અરબી વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પછી, અભિનેતાએ ત્યાં ઉભેલા દર્શકો અને ચાહકો સાથે ફિલ્મ વિશે વાત કરી. આ સાથે તેમણે પોતાના બાલ્ડ લુક વિશે પણ વાત કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, શાહરૂખ ખાને તેના ચાહકો સાથે વાત કરતા કહ્યું હતું કે મને આશા છે કે જ્યારે તમને સમય મળશે ત્યારે તમે બધા ફિલ્મ જોશો, જે ખૂબ જ અલગ છે, તેમાં ઘણી બધી વસ્તુઓ છે જે દરેકને ખૂબ પસંદ આવશે અને તેમાં એક્શન, ડ્રામા, ડાન્સ છે જે બધાને ગમશે. અને હું આ ફિલ્મમાં પાંચથી છ અલગ-અલગ લુકમાં જોવા માલિશ. જેમાં મેં ટાલ પણ કરાવી છે અને આ પહેલી અને છેલ્લી વાર છે.
તમને જણાવી દઈએ કે દર્શકોની સામે ડાન્સ પરફોર્મન્સ આપ્યા બાદ શાહરૂખ ખાન પરસેવે રેબઝેબ જોવા મળે છે. તેમણે આ દરમિયાન લાલ જેકેટ, કાળી ટી-શર્ટ પહેરી છે. સાથે જ સનગ્લાસ પહેર્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો એક ડાયલોગ છે, ‘બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે બાત કર’, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
શાહરૂખ ખાનની આ ફિલ્મમાં ઘણા કલાકારો જોવા મળવાના છે. આમાં નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ જોવા મળશે. આ સાથે જ આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here