પોલીસ કમિશ્નર અને લતીફમાં ફરક હોય કે નહીં?

05 Feb 22 : ગુજરાતના મુખ્યમંત્રી ભલે હિન્દુત્વની/પારદર્શકતાની/સંવેદનશીલતાની મોટી મોટી વાતો કરતા હોય; પરંતુ તેમનું પોલીસતંત્ર શરમ એક બાજુએ મૂકીને લોકોને લૂંટી રહ્યું છે ! સત્તાપક્ષના જ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે 2 ફેબ્રુઆરી 2022ના રોજ ગૃહ મંત્રીને પત્ર લખેલ છે : “રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરની કામગીરીથી મેં આપને વાકેફ કરેલ છે. તેઓ મવાલી ગુંડા લોકોની માફક પૈસાની ઉઘરાણી કરવાના હવાલા સંભાળી રહ્યા છે; તેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે. પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ મહેશ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક મહિના પહેલાં 15 કરોડનું ચીટિંગ થયેલ; તે અંગેની FIR નોંધી નહીં અને ઉઘ રાણીના જે પૈસા આવે તેમાંથી મહેશ સખિયા પાસેથી 15% લેખે હિસ્સો માંગેલ. તે મુજબ ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરીને 7 કરોડની વસૂલાત કરેલી ! 75 લાખ રુપિયા પોલીસ કમિશ્નરે તેમના PI મારફતે વસૂલ કર્યા હતા. પોલીસ કમિશ્નર આવા ડૂબેલા નાણા ટકાવારી થી વસૂલવાનું કામ કરે છે, જે આપની જાણ માટે ! આપની પાસે ફરિયાદ થતાં ચીટર લોકો સામે FIR નોંધાઈ છે અને બે આરોપીઓને પકડેલ છે. એક આરોપી ભાગતો ફરે છે. FIR નોંધ્યા બાદ બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવેલ નથી. પોલીસ કમિશ્નરે મેળવેલ 75 લાખની રકમ પરત મળે તે માટે કાયદાની મર્યાદામાં પગલાં ભરો એવી વિનંતિ છે.”

થોડાં પ્રશ્નો :
[1] માનનીય ધારાસભ્યને ચીટરને પકડવા અને તેમની પાસેથી રીકવરી કરવાની ચિંતા છે, જે પ્રશંસનીય છે. પરંતુ આ કિસ્સામાં ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વિક્ટિમ સાથે ટકાવારી નક્કી કરી, તેની સામે એન્ટિ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કેમ રજૂઆત ન કરી?
[2] મનોજ અગ્રવાલ ADGP કક્ષાના અધિકારી છે; તેઓ આવું કરતા હોય તો નીચેના અધિકારીઓ શું કરતા હશે?
[3] શરુઆતમાં વિક્ટિમની FIR નોંધ્યા વિના ઉઘરાણી શરુ કરી, તે કાયદા વિરુધ્ધના કૃત્ય સામે કાર્યવાહી કરવાની કે નહીં?

[4] ઉઘરાણીમાંથી 15% હિસ્સા પેટે 75 લાખ PIએ પોલીસ કમિશ્નરને આપેલ છે, તે PI સામે કાર્યવાહી કરવાની કે નહીં?

[5] ચીટિંગના કેસમાં જે રીકવરી થાય તે મુદ્દામાલ કહેવાય કે નહીં? મુદ્દામાલમાંથી 75 લાખ કોર્ટની મંજૂરી વિના કાઢી શકાય?
[6] શું પોલીસ કમિશ્નર તથા PIનું ભ્રષ્ટ આચરણ કહેવાય કે નહીં? એન્ટિ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બને કે નહીં? ગુનેગારને સજામાંથી બચાવવા IPC કલમ-217 હેઠળ ગુનો બને કે નહીં?

[7] શું ગૃહમંત્રી રાજકોટના પોલીસ કમિશ્નર અને PI સામે ગુનો દાખલ કરાવી ACB મારફતે તપાસ કરાવશે?
[8] મુખ્યમંત્રી/ગૃહમંત્રીને લોકો ફરિયાદ કરે ત્યારે ફરિયાદીને ન્યાય મળતો નથી; આ કિસ્સામાં ખુદ પોતાના પક્ષના ધારાસભ્ય લેખિતમાં કાયદાની મર્યાદામાં કાર્યવાહી કરવા જણાવે છે; શું ધારાસભ્યની ફરિયાદ પણ કચરાપેટીમાં જતી રહેશે?

સવાલ એ છે કે પોલીસ કમિશ્નર અને લતીફમાં ફરક હોય કે નહીં? IAS/IPS આવી બેફામ લૂંટ કેમ કરે છે? ગુજરાતમાં 2001 થી એક મોડસ ઓપરેન્ડી છે કે મુખ્યમંત્રી જે કહે તે બમણા ઉત્સાહથી કરો અને લૂંટ કરો ! પોલીસ કમિશ્નરે સત્તાપક્ષના અનેક કામ કર્યા હોય છે, ઉપરની સૂચના મુજબ વિપક્ષના નેતાઓને સભાની મંજૂરીનો ઇન્કાર કર્યો હોય છે/ વિપક્ષાના નેતાઓને ડીટેઈન કર્યા હોય છે/વિપક્ષના નેતાઓ ઉપર ખોટા કેસો કર્યા હોય છે ! એટલે જ IAS/IPS અધિકારીઓ બેફિકર થઈને લૂંટ કરી શકે છે ! આ કિસ્સા માં રાજકોટના પોલીસ કમિશ્નરનો એક પણ વાળ વાંકો થવાનો નથી. ( લેખક : રમેશ સવાણી જી, રિટાયર્ડ IPS ઓફિસર )