”સરકારના સંવેદનશીલ અભિગમ થી રાજકોટ કલેકટર કચેરીના સભાખંડમાં ભાવુકતા પ્રસરી”

10 Feb 22 : રાજકોટ જિલ્લામાં કોરોનાની મહામારીમાં માતા-પિતા બંને ગુમાવનાર માસુમ બાળકોને લઈને તેના પાલક વાલીઓ સરકારની યોજના અંતર્ગત બાળકની સામાજિક સુરક્ષા અને સહાય ના અધિકૃત કરેલા પાસબુક સહિતના ડોક્યુમેન્ટ મેળવવા આવ્યા ત્યારે રાજકોટ કલેકટર કચેરીના સભાખંડમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટના કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ વાલીઓને કહ્યું કે   કેન્દ્ર સરકાર પુરસ્કૃત તેમજ પી.એમ કેર ચિલ્ડ્રન યોજના તેમજ રાજ્ય સરકાર પુરસ્કૃત મુખ્યમંત્રી બાલ સેવા યોજના અને અન્ય યોજનાઓ થકી આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવું છે તેમ જણાવી આ બાળકોના શિક્ષણ માટે તેમજ દીકરીઓ ને તમામ પ્રકારની મદદ મળી રહે અને તેમનું શિક્ષણ અટકે નહીં  તે માટે જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારની મદદ કરશે.

કોરોના થી મૃત્યુ પામેલા માતા-પિતાના ઘણા બાળકો ખૂબ જ નાની ઉંમરના છે. આ બાળકો ના પાલન પોષણની જવાબદારી ઉઠાવી રહેલા મામા-મામી કાકા-કાકી દાદા-દાદી નાના-નાની અને સૌ પરિવારજનોને કલેક્ટરે હિંમત આપી હતી અને કહ્યું હતું કે અમે તમારી સાથે છીએ. સરકારી યોજનાઓના બધા જ લાભો આ બાળકોને મળે તે માટે અમે પ્રયત્નશીલ  છીએ. સરકારની આ યોજના થી પાલક વાલીઓને મોટી રાહત થશે તેમ પણ જણાવ્યું હતું. કોઈપણ પ્રકારની મુશ્કેલી માં સંપર્ક કરવા માટે તેમણે સંબંધિત વિભાગો અને તેના અધિકારીની  અને હેલ્પલાઇન ની માહિતી આપી હતી.

દરેક બાળક કઈ સ્કૂલમાં કયા ધોરણમાં અભ્યાસ કરે છે તેની માહિતી મેળવી પાલક વાલીઓને પાસબુક સાચવવા અને આ સંયુક્ત એકાઉન્ટમાં પોતે એક વાલી તરીકે છે તેની માહિતી આપી હતી. કોરોનામા મૃત્યુ પામેલા માતા-પિતાના બાળકો ને વિશેષ સહાય માટે ની આ યોજના અંગે પાલક વાલીઓએ સરકારનો આભાર માન્યો હતો.

પાલક વાલી દિનેશ ભાઈ બાબુભાઈ સવાસડિયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે હું રાજકોટમાં વડાપાવ ની લારી થકી ગુજરાત ચલાવું છું. મારા માતા-પિતા અને મારા ભાઈ-ભાભી નું કોરાનામાં મૃત્યુ થતા મારા પરિવારમાં કમાનાર હું એકમાત્ર રહ્યો છું. મારા ભાઈ ને અઢી વર્ષનો પુત્ર, અને ૧૦ અને ૧૨ વર્ષની બે પુત્રીઓ છે. આ ત્રણે બાળકોને હું સાચવું છું. સરકારની રૂપિયા ૧૦ લાખની બાળક દીઠ સહાયથી મને મોટી રાહત થશે. હાલ રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત પણ બાળકોને સહાય મળી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે આ સહાયથી અમને રાહત થશે.

દિનેશભાઈ ના પત્નીએ પ્રતિભાવ આપ્યો હતો કે આ સહાયથી મારા દીયર -દેરાણીનુ દીકરા-દિકરીઓ માટે સેવેલુ સપનું પૂર્ણ થશે. અમે આ બાળકોને ભણાવીશું. અન્ય વાલીઓ એ પણ આ યોજના અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્ય સરકારની યોજના અંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આ યાજનાઓની ઝડપથી અમલ કરવા તંત્રના પ્રયાસો અંગે સૌનો આભાર માન્યો હતો.