13 Sep 22 : તાજેતરમાં જ Redmi 6Aના બ્લાસ્ટને કારણે એક મહિલાનું મોત થયું છે. એક યુટ્યુબરે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. ટ્વિટર પર તેણે આ અંગેની સંપૂર્ણ વિગતો શેર કરી છે. તેના જવાબમાં કંપનીએ કહ્યું છે કે તે આ મામલે તપાસ કરી રહી છે.

સ્માર્ટફોનના વિસ્ફોટના સમાચાર આવતા રહે છે. જેના કારણે યુઝર્સને ઘણી વખત શારીરિક ઈજાઓ પણ થાય છે. પરંતુ હવે ફોન બ્લાસ્ટને કારણે મહિલાના મોતનો મામલો સામે આવ્યો છે. આ આરોપ રેડમી પર એક યુટ્યુબરે લગાવ્યો છે.

એક YouTuber MD Talk YT એ ટ્વિટર પર આ વિશે પોસ્ટ કર્યું છે. ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની આન્ટીનું મોત Redmi 6Aના વિસ્ફોટને કારણે થયું છે. એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તે સૂતી હતી ત્યારે ફોન તેના તકિયા પાસે રાખવામાં આવ્યો હતો. અચાનક ફોનમાં વિસ્ફોટ થયો.

તેણે આ અંગે કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે સ્માર્ટફોનની ફ્રન્ટ પેનલ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જ્યારે તેની બેકની પેનલ બળીને ખાખ થઈ ગઈ છે અને તેની બેટરી ફૂલેલી છે. આ ટ્વીટમાં તેણે તેની આન્ટીનો ફોટો પણ શેર કર્યો છે. આમાં તે પલંગ પર લોહીથી લથપથ છે.

એમડી ટોક વાયટીએ ટ્વીટ કર્યું છે કે ગઈ રાત્રે તેની આન્ટીનું અવસાન થયું છે. તે Redmi 6A નો ઉપયોગ કરતી હતી. તે સૂતી હતી અને તેના ચહેરા પાસે તકિયા પર ફોન રાખ્યો હતો. પરંતુ થોડા સમય પછી ફોનમાં વિસ્ફોટ થયો. અમારા માટે આ દુઃખદ સમય છે.

કંપનીએ આ જવાબ આપ્યો : આ ટ્વીટમાં તેણે Redmi India અને Xiaomiના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈનને પણ ટેગ કર્યા છે. કંપનીએ પણ આ ટ્વીટનો જવાબ આપ્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Xiaomi India માટે કસ્ટમર સિક્યોરિટી મહત્વપુર્ણ છે. તે આવી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લે છે. હાલ તેમની ટીમ પીડિત પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. દુઃખની આ ઘડીમાં તેઓ પરિવાર સાથે ઉભા છે અને તેમને જરૂરી તમામ મદદ કરવામાં આવશે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે કે નહીં. પરંતુ ફોન બ્લાસ્ટનો આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે પણ એક યુઝરે OnePlus Nord 2ના વિસ્ફોટની ફરિયાદ કરી હતી. યુઝરે દાવો કર્યો હતો કે કોલ દરમિયાન ફોનમાં વિસ્ફોટ થવાથી તેના ચહેરાને નુકસાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં, એક યુઝરે દાવો કર્યો હતો કે Redmi 9A તેના ખિસ્સામાં વિસ્ફોટ થયો હતો.